અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘પાકિસ્તાનની વિનંતી’ પર ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી છે.
પરંતુ તેમણે કહ્યું છે કે અમેરિકા ઈરાની બંદરોની નાકાબંધી ચાલુ રાખશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની વિનંતી પર તેઓ ઈરાન પર હુમલો ટાળી રહ્યા છે.
તેમણે લખ્યું, “મેં મારી સેનાને નાકાબંધી ચાલુ રાખવા અને બાકીની તમામ બાબતોમાં સંપૂર્ણ રીતે તૈયાર અને સતર્ક રહેવા સૂચના આપી છે. હું યુદ્ધવિરામને ત્યાં સુધી લંબાવીશ, જ્યાં સુધી તેમની તરફથી કોઈ પ્રસ્તાવ નહીં આવે અને વાતચીત કોઈ પરિણામ પર નહીં પહોંચે.”
આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે ઈરાની બંદરોની નાકાબંધી યુદ્ધ જેવી કાર્યવાહી સમાન છે અને આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે.
તેમણે એક્સ (X) પર લખ્યું, “કોઈ વ્યાપારી જહાજ પર હુમલો કરવો અને તેના ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવા તે તેનાથી પણ મોટું ઉલ્લંઘન છે. ઈરાન જાણે છે કે પ્રતિબંધોને કેવી રીતે નિષ્પક્ષ કરવા, પોતાના હિતોની રક્ષા કેવી રીતે કરવી અને દબાણ તથા ધમકીઓનો જવાબ કેવી રીતે આપવો.”
વેન્સ પણ ઇસ્લામાબાદ ન પહોંચ્યા
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેશે અમેરિકાની યુદ્ધવિરામ વધારવાની જાહેરાતને આવકારી છે અને તેને તણાવ ઓછો કરનારું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આનાથી ઈરાન અને અમેરિકા વચ્ચે મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) અને વિશ્વાસ બનાવવા માટે જરૂરી વાતાવરણ તૈયાર થશે.
તેમણે કહ્યું, “અમે તમામ પક્ષોને અપીલ કરીએ છીએ કે આ પ્રગતિનો લાભ ઉઠાવે, એવા કોઈ પણ પગલાથી બચે જે યુદ્ધવિરામને નબળો પાડી શકે છે, અને એક ટકાઉ તથા કાયમી ઉકેલ માટે રચનાત્મક રીતે વાતચીતમાં સામેલ થાય.”
જોકે યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો છે, પરંતુ ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાતચીતને લઈને હજુ પણ શંકા બની રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ આ વાટાઘાટો માટે તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન મોકલશે, અને અમેરિકી મીડિયા મુજબ વેન્સ બુધવારે સવારે પાકિસ્તાન પહોંચવાના હતા.
પરંતુ હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, કારણ કે અત્યાર સુધી યજમાન પાકિસ્તાન પાસે પણ આ સવાલનો જવાબ નથી કે જ્યારે અમેરિકી પ્રતિનિધિમંડળ પહોંચશે, ત્યારે શું ઈરાન તરફથી કોઈ વાતચીતના ટેબલ પર હાજર હશે કે નહીં.
ટ્રમ્પે મંગળવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈરાન પાસે વાતચીત માટે પ્રતિનિધિમંડળ મોકલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમ છતાં, ઈરાની અધિકારીઓ તરફથી અમેરિકા સાથે આગામી રાઉન્ડની વાતચીતને લઈને અત્યાર સુધી કોઈ હકારાત્મક સંકેત મળ્યા નથી.
પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રઝા અમીરી મોગદમે કહ્યું કે ઈરાન કોઈ પણ ધમકી કે દબાણમાં આવીને વાતચીત કરશે નહીં.
તેમણે એક્સ પર લખ્યું, “આ એક સાર્વત્રિક રીતે સ્વીકૃત હકીકત છે કે આટલી પ્રાચીન સભ્યતા ધરાવતો દેશ કોઈ પણ પ્રકારની ધમકી કે દબાણમાં વાતચીત કરતો નથી. આ એક મજબૂત, ઈસ્લામી અને ધાર્મિક સિદ્ધાંત છે. કાશ અમેરિકા આ સમજી શકતું.”
મંગળવારે બપોરે ઈરાનના સરકારી પ્રસારકે તેની ટેલિગ્રામ ચેનલ પર જાહેર કરેલા નિવેદનમાં આ સમાચારનું ખંડન કર્યું હતું કે કોઈ ઈરાની પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ માટે રવાના થયું છે.
નિવેદનમાં સંસદ અધ્યક્ષ અને ટોચના વાટાઘાટકાર મોહમ્મદ બગેર ગાલિબાફ સહિત ઈરાની અધિકારીઓના વલણને પુનરોચ્ચારવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન ‘ધમકીઓના પડછાયામાં કોઈ પણ પ્રકારની વાતચીત સ્વીકારતું નથી.’
એવામાં સવાલ ઉઠે છે કે તે કયા કારણો છે, જેના લીધે ઈરાન બીજા રાઉન્ડની વાતચીતમાં સામેલ થવાથી ખચકાતું જોવા મળી રહ્યું છે?
વાતચીતના માર્ગમાં અવરોધો
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીનું કહેવું છે કે અમેરિકાની ‘ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ અને વારંવાર થતા યુદ્ધવિરામ ઉલ્લંઘન’ રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધતા અટકાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે ઈરાની વ્યાપારી જહાજો વિરુદ્ધ ‘ધમકીઓ અને દખલગીરી’ અને ઈરાનને લઈને ‘વિરોધાભાસી નિવેદનો, ધમકીભરી ભાષા’ પણ આ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી રહી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે 12 એપ્રિલે થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી.
અમેરિકાને ઈરાનના સંવર્ધિત યુરેનિયમ (Enriched Uranium) સામે વાંધો છે અને તે ઈચ્છતું નથી કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવે.
ઈરાને પણ કહ્યું હતું કે જ્યાં સુધી લેબનોનમાં યુદ્ધવિરામ નહીં થાય, ત્યાં સુધી તે વાતચીત માટે તૈયાર થશે નહીં. બાદમાં ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે વાતચીત થયા પછી લેબનોનમાં પણ યુદ્ધવિરામ થઈ ગયો, પરંતુ અત્યાર સુધી ઈરાનની શરતોમાંથી માત્ર આ એક જ પૂરી થઈ છે.
ઈરાન એ પણ માંગ કરી રહ્યું છે કે તેની સીઝ (જપ્ત) થયેલી સંપત્તિઓ પુનઃસ્થાપિત કરવામાં આવે અને તેના પર લાગેલા પ્રતિબંધો હટાવવામાં આવે, જોકે આના પર વાતચીત દરમિયાન ચર્ચા થઈ શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર ઈરાનનું નિયંત્રણ પણ વાતચીતમાં એક મોટા અવરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે, અને પ્રથમ રાઉન્ડની વાટાઘાટો પછી આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે.
અમેરિકા ઈચ્છે છે કે ઈરાન હોર્મુઝને સંપૂર્ણપણે ખોલી દે.
જ્યારે લેબનોનમાં યુદ્ધવિરામ પછી અબ્બાસ અરાગચીએ હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપારી જહાજો માટે ખોલવાની જાહેરાત કરી, ત્યારે લાગ્યું કે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પરંતુ ટૂંક સમયમાં સ્થિતિ ફરી બગડી ગઈ, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોઈ સમજૂતી નહીં થાય, ત્યાં સુધી આ ચાલુ રહેશે.
આ દરમિયાન એક ઘટના બની, જેમાં અમેરિકાએ ઓમાનની ખાડીમાં ઈરાની ધ્વજવાળા એક જહાજ પર ગોળીબાર કર્યો અને તેને પોતાના કબજામાં લઈ લીધું. ઈરાને તેને માત્ર દરિયાઈ લૂંટ અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન જ ન ગણાવ્યું, પરંતુ બદલો લેવાની પણ વાત કરી.
હવે સ્થિતિ એવી છે કે ઈરાની નેતૃત્વ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નાકાબંધી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનોને લઈને ગંભીર રીતે ચિંતિત દેખાઈ રહ્યું છે.
ઈરાની સંસદના સ્પીકર બગેર ગાલિબાફે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ યુદ્ધવિરામ અને નાકાબંધી દ્વારા પોતાની ઉશ્કેરણીજનક કાર્યવાહીઓને વ્યાજબી ઠેરવવા માંગે છે.
તેમણે એમ પણ કહ્યું કે ઈરાન ધમકીઓ સાથે થતી વાતચીતને સ્વીકારતું નથી.
એવામાં સવાલ એ ઉઠે છે કે શું આ વાતાવરણમાં વાતચીત શક્ય છે કે નહીં.
‘ઈરાન વાતચીત માટે આતુર દેખાવા માંગતું નથી’
આ સ્થિતિમાં પણ, અમેરિકા-ઈરાન વાર્તા પર નજીકથી નજર રાખનારા વિશ્લેષકો આ બાબતે આશાવાદી દેખાય છે કે ઈરાની પ્રતિનિધિમંડળ ચોક્કસપણે ઇસ્લામાબાદ પહોંચશે.
કાયદ-એ-આઝમ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત એસોસિએટ પ્રોફેસર મોહમ્મદ શોએબે બીબીસી ઉર્દૂના રોહન અહેમદને કહ્યું, “એક ઈરાની તરીકે કોઈ પણ વાતચીત માટે આતુર દેખાવા માંગશે નહીં.”
તેમના મતે ઈરાનની આંતરિક રાજનીતિ પણ એવી માંગ કરે છે કે તેના નેતાઓ કડક વલણ અપનાવતા દેખાય.
તેમણે કહ્યું, “ઈરાનમાં રૂઢિચુસ્તો જોઈ રહ્યા છે કે આ રાઉન્ડની વાતચીતથી તેમને ઘણો ફાયદો થઈ શકે છે. લેબનોનમાં યુદ્ધવિરામની તેમની માંગ પૂરી થઈ ચૂકી છે, અને હવે એ સ્પષ્ટ છે કે તેઓ તેમની બાકીની માંગણીઓ પણ મનાવવાનો પ્રયાસ કરશે.”
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડનીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત મોહમ્મદ ફૈસલનું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ પણ ઈરાનના ખચકાટનું એક કારણ છે.
તેઓ કહે છે, “જ્યારે યુદ્ધવિરામ થયો, ત્યારે આશા હતી કે વાતચીત થશે. પછી વાતચીતનો પહેલો રાઉન્ડ થયો, અને તે જ દરમિયાન ટ્રમ્પે ઈરાનની નૌકાદળ નાકાબંધીનું એલાન કરી દીધું અને નૌકાદળ નાકાબંધી યુદ્ધની કાર્યવાહી માનવામાં આવે છે.”
મોહમ્મદ ફૈસલ કહે છે, “આનાથી વાતચીતને લઈને ઈરાનનો વિશ્વાસ ઓછો થયો, તેથી પ્રથમ રાઉન્ડની વાર્તા પછી પાકિસ્તાની પ્રતિનિધિમંડળ તેમને વિશ્વાસ અપાવવાના હેતુથી તેહરાન પણ ગયું હતું.”
તેઓ આગળ ઉમેરે છે, “ઈરાન એવા સમયે વાતચીત કરવા માંગતું નથી, જ્યારે તેને સીધી રીતે ધમકાવવામાં આવી રહ્યું હોય. આનાથી વાર્તા પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. આવા વાતાવરણમાં અમેરિકા માટે કોઈ પણ રાહત ઈરાનની હાર તરીકે જોવામાં આવી શકે છે.”
આ સંદર્ભમાં, સોમવારે ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદનમાં ‘હાલમાં’ શબ્દ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
પોતાના નિવેદનમાં તેમણે કહ્યું, “હાલમાં પાકિસ્તાનમાં અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાતચીતની અમારી કોઈ યોજના નથી.”
આ વાક્ય એ શક્યતા તરફ ઈશારો કરે છે કે ઈરાન છેલ્લી ઘડીએ પાકિસ્તાન જવાનો નિર્ણય લઈ શકે છે અને બંને દેશો વચ્ચેની મુસાફરી પણ માત્ર થોડા કલાકોની જ છે.
પાકિસ્તાન માટે કપરી કસોટી
બીબીસી સંવાદદાતા પોલ એડમ્સના જણાવ્યા મુજબ ઇસ્લામાબાદમાં મંચ તૈયાર છે પરંતુ મહેમાનો હજુ સુધી પહોંચ્યા નથી, અને સવાલ એ છે કે શું ગાલિબાફ ફરી આવશે? અથવા પછી ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવશે, જેવું તેમણે સોશિયલ મીડિયા પર ઈશારો કર્યો હતો?
પોલ એડમ્સના જણાવ્યા અનુસાર, સ્થિતિ બહુ અનુકૂળ લાગતી નથી, પરંતુ બંને પક્ષો ઈચ્છતા નથી કે આ નાજુક રાજદ્વારી પ્રક્રિયાને ઇસ્લામાબાદમાં પાટા પરથી ઉતારવામાં આવે.
ઇસ્લામાબાદમાં ચાલી રહેલી હલચલ એ સંકેત આપે છે કે પડદા પાછળ કોઈ પ્રકારની સમજૂતી અંતિમ રૂપ લઈ રહી છે.
એવી સમજૂતી જેમાં બંને પક્ષો માટે કંઈક રાહત હોય, પરંતુ જેને બંને પોતાની પોતાની સફળતા તરીકે રજૂ કરી શકે.
આ પણ વાંચો- પીએમને ‘આતંકવાદી’ કહેવા પર ખડગેને નોટિસ; મોદી વિરુદ્ધની ફરિયાદ પર ECIએ શું કર્યું?
