અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ચોપડે પોતાની મિલકત કે પ્રોપર્ટીમાં તત્કાલ નામ ટ્રાન્સફર કરાવવા માંગતા શહેરીજનો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી માત્ર ૭ ઝોનલ કચેરીઓ પૂરતી સીમિત રહેલી ટોકન સિસ્ટમ હવે શહેરના તમામ ૬૩ સિવિક સેન્ટરોમાં પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વ્યવસ્થા શરૂ થવાથી નાગરિકોને કચેરીઓમાં કલાકો સુધી કતારોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી જશે.
‘લોગબૂક360’ સિસ્ટમ: ઓનલાઈન સ્લોટ બુકિંગથી તત્કાલ કામ
AMC દ્વારા ઝોનલ કચેરીઓમાં મિલકત નામ ટ્રાન્સફર માટે ‘લોગબૂક360’ નામની અત્યાધુનિક સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમનો પ્રયોગ સંપૂર્ણ સફળ રહેતા હવે તેનું ૬૩ સિવિક સેન્ટરોમાં વિસ્તરણ કરાઈ રહ્યું છે. આ સિસ્ટમ હેઠળ નાગરિકોએ મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ઘરે બેઠા જ ઓનલાઈન સ્લોટ બુક કરવાનો રહેશે. અરજદાર બુક કરેલી તારીખ અને સમયે કચેરીએ પહોંચશે એટલે તરત જ તેમનું કામ હાથ પર લેવામાં આવશે, જેથી સમયનો મોટો બચાવ થશે.
આગામી સમયમાં અન્ય સુવિધાઓ પણ જોડાશે
હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે માત્ર મિલકત નામ ટ્રાન્સફર માટે જ આ ‘લોગબૂક360’ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ રહી છે. પરંતુ તંત્રની યોજના મુજબ, આગામી સમયમાં તબક્કાવાર રીતે પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ કામગીરી તેમજ હેલ્થ વિભાગ સંબંધિત મહત્ત્વની કામગીરી (જેમ કે જન્મ પ્રમાણપત્રમાં સુધારા) ને પણ આ સ્માર્ટ ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે.
ઓફલાઈન આવનારને પણ મળશે સુવિધા, પરંતુ પ્રાથમિકતા ઓનલાઈનને
AMC ના ઈ-ગવર્નન્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે નાગરિકો ઓનલાઈન સ્લોટ બુક કર્યા વગર કે અગાઉથી ટોકન લીધા વિના રૂબરૂ કચેરીએ પહોંચશે, તેમને ધક્કો ખાડો નહીં પડે, તેમનું કામ પણ ઓફલાઈન પદ્ધતિથી કરવામાં આવશે.
જોકે, જે-તે સમયે ઓનલાઈન બુકિંગ કરાવીને આવેલા અરજદારોને પહેલી પ્રાથમિકતા (Priority) આપવામાં આવશે અને તેમનું કામ પહેલાં પૂરું કરવામાં આવશે.
આ પણ વાંચો – જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
