ગાંધીનગર : જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકો માટે એક મહત્ત્વપૂર્ણ અને સુવિધાજનક નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ૩, ૪ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એડવાન્સ રિઝર્વેશનની કોઈ ઝંઝટ નહીં
આ સ્પેશિયલ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એડવાન્સ બુકિંગનું કોઈ જ ટેન્શન નથી. ટ્રેનના તમામ કોચ જનરલ કેટેગરીના (અનારક્ષિત) રાખવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓ પ્રવાસના દિવસે જ રેલવે સ્ટેશનની બારી પરથી તાત્કાલિક ટિકિટ લઈને સરળતાથી મુસાફરી કરી શકશે. ૩ દિવસ દરમિયાન આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કુલ ૬ ફેરા કરશે.
જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનનું ટાઈમટેબલ
| ટ્રેન નંબર અને નામ | ઉપડવાનું સ્થળ – સમય | પહોંચવાનું સ્થળ – સમય |
| 09521: ગાંધીનગર-દ્વારકા સ્પેશિયલ | ગાંધીનગર: રાત્રે ૨૦:૦૦ વાગ્યે | દ્વારકા: સવારે ૦૫:૫૦ વાગ્યે (બીજા દિવસે) |
| 09522: દ્વારકા-ગાંધીનગર સ્પેશિયલ | દ્વારકા: સવારે ૦૬:૫૦ વાગ્યે | ગાંધીનગર: સાંજે ૧૭:૦૦ વાગ્યે (તે જ દિવસે) |
અમદાવાદ અને ગાંધીનગરથી રાત્રે ઉપડતી આ ટ્રેન ભક્તો માટે ઉત્તમ વિકલ્પ છે, કારણ કે રાત્રિ મુસાફરી કરી સવારે સીધા દ્વારકાધીશના દર્શનનો લાભ લઈ શકાશે.
આ સ્ટેશનો પર રહેશે ટ્રેનનું સ્ટોપેજ
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન બંને દિશામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહત્ત્વના સ્ટેશનો પર રોકાણ કરશે. આ સ્ટેશનોમાં ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા નો સમાવેશ થાય છે. આ સ્ટોપેજના કારણે આસપાસના અનેક ગામો અને શહેરોના નાગરિકોને દર્શને જવામાં મોટી સુગમતા રહેશે.
આ પણ વાંચો – અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત
