ગાંધીનગર : ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા અને શ્રદ્ધાળુઓને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાતના પ્રવાસન અને ધાર્મિક ધામોના કાયાકલ્પ અર્થે આશરે રૂ. ૧૩૩ કરોડના ખર્ચે ૧૦ જેટલા વિવિધ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
ગીર અને રૂપાલના વિકાસ પર સૌથી વધુ ભાર
સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ગીર વિસ્તારના ‘આઈકોનિક વિકાસ’ ને સૌથી વધુ પ્રાધાન્ય આપીને રૂ. ૪૩.૯૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત પ્રખ્યાત વરદાયિની માતાજીના મંદિરના સર્વગ્રાહી અને ભવ્ય વિકાસ માટે રૂ. ૩૫ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
મંદિરો અને નદીના ઘાટનું થશે આધુનિકીકરણ
દક્ષિણ ગુજરાત (વાંસદા): નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં શ્રદ્ધાળુઓ માટે ભવ્ય પ્રવેશદ્વાર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાઈબ્રેરી સહિતના અત્યાધુનિક વિકાસ કાર્યો કરવામાં આવશે.
મધ્ય ગુજરાત (ભાદરવા): વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલા ચેહર માતાજીના મંદિર નજીક મહિસાગર નદી પર આકર્ષક ઘાટનું નિર્માણ કરાશે. અહીં પ્રવાસીઓની સુરક્ષા અને સગવડ માટે વોકવે, પેવર બ્લોક, સુરક્ષા રેલિંગ અને સુંદર લેન્ડસ્કેપિંગ ઊભું કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર (ગોંડલ): સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે આવેલા ઐતિહાસિક અનળગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિરની આસપાસના પરિસરનો પણ ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિકાસ કરવામાં આવશે.
કયા પ્રોજેક્ટ માટે કેટલા કરોડ મંજૂર થયા? એક નજરમાં
| ક્રમ | સ્થળ અને પ્રોજેક્ટની વિગત | ફાળવેલી રકમ |
| ૧ | ગીર વિસ્તાર: પ્રવાસનને લગતો આઈકોનિક વિકાસ | રૂ. ૪૩.૯૧ કરોડ |
| ૨ | રૂપાલ (ગાંધીનગર): વરદાયિની માતાજી મંદિરનો સર્વગ્રાહી વિકાસ | રૂ. ૩૫.૦૦ કરોડ |
| ૩ | કેસરડી (અમદાવાદ): જોધલપીર મંદિરનું નવનિર્માણ | રૂ. ૨૧.૭૫ કરોડ |
| ૪ | અંજાર (કચ્છ): ગોવર્ધન પર્વતનું ડેવલપમેન્ટ | રૂ. ૧૨.૯૮ કરોડ |
| ૫ | ગોંડલ: અનળગઢ કિલ્લો અને મહાકાળી મંદિરનો વિકાસ | રૂ. ૫.૦૬ કરોડ |
| ૬ | વાંસદા (નવસારી): ઉનાઈ માતાજી મંદિર સંકુલનો વિકાસ | રૂ. ૫.૦૩ કરોડ |
| ૭ | ભાદરવા (સાવલી): મહિસાગર નદીના ઘાટનું નિર્માણ | રૂ. ૩.૩૧ કરોડ |
| ૮ | તરભ (મહેસાણા): વાળીનાથ મહાદેવ મંદિરમાં સોલાર પ્રોજેક્ટ | રૂ. ૨.૬૮ કરોડ |
| ૯ | ઉમરેચા (મહેસાણા): મહાકાળી માતાજી મંદિરના વિકાસ કામો | રૂ. ૫૦ લાખ |
| ૧૦ | ધરમપુર (વલસાડ): ગોરા રામજી મંદિરનું નવનિર્માણ | રૂ. ૧૮.૯૧ લાખ |
ગુજરાત સરકારના આ નિર્ણયથી આવનારા સમયમાં આ તમામ સ્થળો પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો ધસારો વધશે, જેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
આ પણ વાંચો – અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
