પાલનપુર : પાલનપુરના મનોરંજન જગત અને દર્શકોની સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આવેલા જાણીતા ‘સુર મંદિર સિનેમા’ ની ઘોર બેદરકારી સામે જિલ્લા વહીવટી તંત્રએ આખરે લાલ આંખ કરી છે. દર્શકોના જીવને જોખમમાં મૂકતી આ ઇમારતને જિલ્લા કલેક્ટરના કડક આદેશ બાદ તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.
છતના પોપડા પડ્યા અને મોટી જાનહાનિ ટળી
થોડા દિવસ અગાઉ સુર મંદિર સિનેમામાં ચાલુ શો દરમિયાન છતના પોપડા અને પ્લાસ્ટર ખરવાની અત્યંત ગંભીર ઘટના બની હતી. સદ્દનસીબે તે સમયે જે ભાગમાં પોપડા પડ્યા ત્યાં કોઈ દર્શક હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ કે દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ આ ઘટનાએ સિનેમાઘરના જર્જરિત સ્ટ્રક્ચર અને સંચાલકોની મેન્ટેનન્સ પ્રત્યેની લાપરવાહીની પોલ ખોલી નાખી હતી.
નોટિસ અપાઈ, પણ સંચાલકો પાસે કોઈ આધાર-પુરાવા નહોતા
આ ગંભીર ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક એક્શન લઈને સિનેમાના સંચાલકોને નોટિસ ફટકારી હતી. આ નોટિસ બાદ કલેક્ટર કચેરી ખાતે કાયદેસરની સુનાવણી પણ યોજવામાં આવી હતી. પરંતુ, સિનેમાના માલિકો કે સંચાલકો થિયેટરની મજબૂતી કે સુરક્ષા અંગેના કોઈ જ જરૂરી આધાર-પુરાવા કે સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ રજૂ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા.
મામલતદારની ટીમે પહોંચીને માર્યા તાળાં
યોગ્ય પુરાવા રજૂ ન થતાં અને ભવિષ્યમાં કોઈ માસૂમ દર્શકનો જીવ ન જાય તે હેતુથી, જિલ્લા કલેક્ટરે સુર મંદિર સિનેમાને સીલ કરવાનો આકરો હુકમ કર્યો હતો. આ હુકમ મળતાની સાથે જ પાલનપુર મામલતદાર સહિતની વહીવટી અને પોલીસ ટીમે સિનેમાઘર પર પહોંચીને તેને સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રની આ કાર્યવાહીથી પાલનપુરના અન્ય જર્જરિત કોમર્શિયલ બિલ્ડીંગના માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો – ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
