- રાધિકા જિમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીયુલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદ ભોગવી રહેલો આરોપી 2019માં પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો
અમદાવાદ: શહેરના કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગ સાથે જોડાયેલા અને 1992ના રાધિકા જિમખાના હત્યાકાંડ તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ રઉફ વલીયુલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મોહમ્મદ તસ્લીમ ઉર્ફે મોહમ્મદ તસ્લીમ મોહમ્મદ ઉમર શેખને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાત વર્ષ બાદ રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2019માં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ તસ્લીમ પરત ન ફરતા ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, તસ્લીમ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની ઓળખ, રહેઠાણ અને સંપર્કના સાધનો સતત બદલતો રહ્યો હતો, જેથી કાયદાની પકડથી દૂર રહી શકે. ચોક્કસ માનવ બાતમી અને ફિલ્ડ ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાં તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ત્યારબાદ ગોઠવાયેલા સંકલિત ઓપરેશનમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ હવે તેને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
અબ્દુલ લતીફ ગેંગનો વિશ્વાસુ શૂટર
પોલીસ રેકોર્ડ મુજબ મોહમ્મદ તસ્લીમ 1990ના દાયકામાં અમદાવાદના અંડરવર્લ્ડમાં સક્રિય રહેલા અબ્દુલ લતીફ ગેંગનો વિશ્વાસુ અને ખૂંખાર શાર્પશૂટર માનવામાં આવતો હતો. તે સમયગાળા દરમિયાન શહેરમાં બુટલેગિંગ, ગેંગવોર અને સુપારી કિલિંગના અનેક બનાવોમાં લતીફ ગેંગનું દબદબું હતું અને તસ્લીમ ગેંગના હુમલાખોર તંત્રનો મહત્વનો ભાગ હતો.
તસ્લીમ ખાસ કરીને બે મોટા ગુનાઓને કારણે ચર્ચામાં આવ્યો હતો — ઓઢવ સ્થિત રાધિકા જિમખાના હત્યાકાંડ અને કોંગ્રેસ નેતા તથા પૂર્વ રાજ્યસભા સાંસદ રઉફ વલીયુલ્લાહની હત્યા.
1992નો રાધિકા જિમખાના હત્યાકાંડ
3 ઓગસ્ટ, 1992ના રોજ ઓઢવ વિસ્તારમાં આવેલા રાધિકા જિમખાના ક્લબમાં બનેલો હત્યાકાંડ અમદાવાદના ગેંગવોર ઇતિહાસના સૌથી રક્તરંજિત બનાવોમાંનો એક માનવામાં આવે છે. પોલીસ મુજબ, વિરોધી બુટલેગર હંસરાજ ત્રિવેદીને નિશાન બનાવવા માટે અબ્દુલ લતીફ ગેંગના સશસ્ત્ર સભ્યો ક્લબમાં ઘૂસ્યા હતા. હુમલાખોરોએ AK-47 સહિતના સ્વચાલિત હથિયારો વડે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં કુલ નવ લોકોના મોત થયા હતા.
આ બનાવ ગુજરાતના ગેંગવોર ઇતિહાસમાં એટલા માટે પણ નોંધપાત્ર રહ્યો હતો કે રાજ્યમાં ગેંગવોર દરમિયાન AK-47ના ઉપયોગનો આ પ્રથમ નોંધાયેલો કેસ ગણાય છે. તપાસમાં તસ્લીમની સંડોવણી સામે આવતા તે આ કેસમાં દોષિત ઠરી આજીવન કેદની સજા પામ્યો હતો.
રઉફ વલીયુલ્લાહ હત્યા કેસમાં પણ દોષિત
તસ્લીમ ઓક્ટોબર, 1992માં પૂર્વ રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રઉફ વલીયુલ્લાહની હત્યા કેસમાં પણ દોષિત ઠર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, રઉફ વલીયુલ્લાહ રાધિકા જિમખાના હત્યાકાંડમાં અબ્દુલ લતીફ ગેંગની ભૂમિકાને ઉજાગર કરવા સક્રિય હતા. આ કારણસર તેઓ ગેંગના નિશાને આવ્યા હતા અને તેમની દિવસદાઢે હત્યા કરવામાં આવી હતી.
તે સમયના રાજકીય અને ગુનાહિત પરિપ્રેક્ષ્યમાં આ હત્યા અત્યંત સંવેદનશીલ માનવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી હતી.
પેરોલ જમ્પ પછી સતત ઠેકાણા બદલતો રહ્યો
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, તસ્લીમ વર્ષ 2019માં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો. ત્યારબાદ તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પકડથી બચવા માટે તે સતત પોતાનું લોકેશન બદલતો રહ્યો હતો અને ઓળખ છુપાવવા માટે વિવિધ ઉપાયો અપનાવતો હતો.
ક્રાઇમ બ્રાન્ચે માનવ બાતમી અને અન્ય ટેક્નિકલ ઇનપુટના આધારે તેની હિલચાલ પર નજર રાખી હતી. અંતે રાજસ્થાનમાં તેની હાજરી અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઓપરેશન પાર પાડી તેની ધરપકડ કરી હતી.
વધુ પૂછપરછ હાથ ધરાશે
પોલીસ હવે 2019થી ફરાર રહેલા સમયગાળા દરમિયાન તસ્લીમ ક્યાં-ક્યાં રહ્યો, કોના સંપર્કમાં હતો, કોણે તેને આશરો આપ્યો, ખોટી ઓળખ અથવા દસ્તાવેજોનો ઉપયોગ થયો કે નહીં અને ફરાર દરમિયાન અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી રહી કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ કરશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે તસ્લીમની ધરપકડને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે શહેરના 1990ના દાયકાના અંડરવર્લ્ડ સાથે જોડાયેલા એક કુખ્યાત નામને લાંબા ગાળાની ફરારી બાદ ફરી કાયદાની પકડમાં લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો – અમદાવાદ કોંગ્રેસમાં સત્તા નહીં, પરંતુ સંદેશાનો સવાલ: કોણ બનશે વિરોધ પક્ષનો નેતા?
