Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ કોંગ્રેસમાં સત્તા નહીં, પરંતુ સંદેશાનો સવાલ: કોણ બનશે વિરોધ પક્ષનો નેતા?

અમદાવાદ કોંગ્રેસમાં સત્તા નહીં, પરંતુ સંદેશાનો સવાલ: કોણ બનશે વિરોધ પક્ષનો નેતા?

gujaratex@gmail.com June 19, 2026
Untitled

અભિષેક પાંડેય; અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં નવી બોર્ડ રચના બાદ સત્તાપક્ષ અને વિપક્ષ બંનેમાં સામાજિક પ્રતિનિધિત્વને લઈને ચર્ચાઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં અન્ય પછાત વર્ગ (OBC)માંથી મહાપૌર અને પાટીદાર સમાજમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી છે. જોકે શહેરના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોર્પોરેશનના મહત્વના નિર્ણયો લેવાની વાસ્તવિક સત્તા હજુ પણ પક્ષના ટોચના નેતાઓ અને પ્રભાવશાળી જૂથો પાસે જ કેન્દ્રિત છે.

છેલ્લા બે દાયકાથી અમદાવાદ મહાનગરપાલિકા પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના જણાવ્યા અનુસાર કોર્પોરેશનની સત્તા વ્યવસ્થામાં જૈન અને પાટીદાર સમાજનો પ્રભાવ લાંબા સમયથી જોવા મળે છે. બીજી તરફ શહેરની વસ્તીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજને મહાનગરપાલિકાના સર્વોચ્ચ રાજકીય અને વહીવટી પદોમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ ભાગ્યે જ મળ્યું છે.

બીજી તરફ કોંગ્રેસ 32 કોર્પોરેટરો સાથે મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી છે. વર્ષ 2021માં કોંગ્રેસ પાસે 24 કોર્પોરેટરો હતા અને તે સમયે પક્ષે શહેજાદ ખાન પઠાણને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. 2026ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપનો મજબૂત ગઢ માનાતા ખાડિયા વોર્ડમાં જીત મેળવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી હતી. પક્ષનો મતપ્રતિશત પણ વધ્યો હતો, પરંતુ સત્તા પરિવર્તન માટે તે પૂરતો સાબિત થયો નહોતો.

Join Our WhatsApp Group

રાજકીય સૂત્રોનું માનવું છે કે આ ચૂંટણીમાં મુસ્લિમ મતદારોનું મતદાન સામાન્ય કરતાં 10થી 15 ટકા વધુ રહ્યું હતું. જ્યારે અનુસૂચિત જાતિ સમાજનો પણ કોંગ્રેસને ટેકો મળ્યો હતો, પરંતુ તે એટલો વ્યાપક ન હતો કે સમગ્ર ચૂંટણી પરિણામોને નિર્ણાયક રીતે પ્રભાવિત કરી શકે.

25 જૂનની બોર્ડ બેઠક પહેલાં નિર્ણય શક્ય

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ આ વખતે અમદાવાદ મહાનગરપાલિકામાં દલિત સમાજમાંથી વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. 25 જૂને કોર્પોરેશન બોર્ડની બેઠક યોજાનાર છે અને તે પહેલાં આ પદ અંગે નિર્ણય જાહેર થઈ શકે છે.

આ મુદ્દે શહેર કોંગ્રેસ અધ્યક્ષ સોનલબેન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પક્ષ ટૂંક સમયમાં નિર્ણય લેશે. હાલ વિરોધ પક્ષના નેતાની પસંદગી અંગે કોઈ અંતિમ ચર્ચા થઈ નથી. ધારાસભ્ય શૈલેષ પરમારનો ગૃપ શહેજાદ ખાનને ફરી તક આપવાના પક્ષમાં હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય નેતાઓ માને છે કે અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વ પોતાના વિવેકથી લે.”

અનેક નામો ચર્ચામાં

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર વરિષ્ઠ કોર્પોરેટર નીરવ બક્ષીનું નામ પણ સંભવિત દાવેદારોમાં ચર્ચાઈ રહ્યું હતું. જોકે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના સમર્થનમાં કરાયેલી તેમની એક પોસ્ટને લઈને મુસ્લિમ સમાજના કેટલાક વર્ગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

વાયરલ થયેલા એક સ્ક્રીનશોટમાં ગાઝા પર ઇઝરાયેલી સૈન્યના હુમલાનો વિડિયો શેર કરીને બક્ષીએ એવી ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે કે દેશની સુરક્ષા માટે ઇઝરાયેલ જેવી કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ મુસ્લિમ આગેવાનોના એક વર્ગે તેમના નામને લઈને અનિચ્છા વ્યક્ત કરી હોવાનું કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

જોકે અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વના સ્તરે લેવાવાનો છે. દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વિસ્તારના અનેક કોંગ્રેસ કોર્પોરેટરોએ પણ પસંદગીનો અધિકાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને રાજ્ય નેતૃત્વ પર છોડ્યો હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર અને રાખિયાલ વિસ્તારના કેટલાક કોર્પોરેટરોએ શહેજાદ ખાનના નામની ભલામણ કરી છે. હાલના કોર્પોરેશનમાં કોંગ્રેસના 18 મુસ્લિમ અને 7 અનુસૂચિત જાતિના કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટણી બાદ મુસ્લિમ સમાજના કેટલાક વર્ગોએ મુસ્લિમ નેતાને વિરોધ પક્ષના નેતા બનાવવાની માંગ ઉઠાવી હતી. જોકે હવે દલિત પ્રતિનિધિત્વનો મુદ્દો વધુ પ્રબળતાથી સામે આવી રહ્યો છે. પક્ષની અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સામાજિક સમીકરણો અને પ્રતિનિધિત્વના સંતુલન પર વિશેષ ધ્યાન આપી રહી છે.

દલિત નેતાને તક મળવાની શક્યતા

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શહેજાદ ખાનને અગાઉ એક વખત તક મળી ચૂકી હોવાથી આ વખતે નવા ચહેરાને તક મળી શકે છે. અંતિમ નિર્ણય પ્રદેશ નેતૃત્વ તથા કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક મુકુલ વાસનિકના માર્ગદર્શન હેઠળ લેવાશે.

કોંગ્રેસના સાત દલિત કોર્પોરેટરોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલા કોર્પોરેટરનો સમાવેશ થાય છે. ભાજપે હિતેશ બારોટને મહાપૌર બનાવ્યા બાદ કોંગ્રેસ પણ સંભવતઃ પુરુષ દલિત કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતાની જવાબદારી સોંપી શકે તેવી અટકળો છે.

દલિત સમાજમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોમાં દેવેન્દ્ર વિશનગરી બીજા કાર્યકાળ માટે ચૂંટાયા છે, જ્યારે અન્ય મોટાભાગના સભ્યો પ્રથમ વખત કોર્પોરેશનમાં પહોંચ્યા છે. મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડિયાનું નામ પણ ચર્ચામાં છે. તેઓ કોંગ્રેસના પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ છે, ઉચ્ચ શિક્ષિત છે અને લાંબા સમયથી સક્રિય રાજકારણ સાથે જોડાયેલા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસની સતત નબળી પડતી સ્થિતિને ધ્યાનમાં રાખતા દલિત-મુસ્લિમ સામાજિક સમીકરણ આગામી સમયમાં પક્ષની વ્યૂહરચનાનો મહત્વનો આધાર બની શકે છે. તેથી વિરોધ પક્ષના નેતાની પસંદગી માત્ર સંગઠનાત્મક નિર્ણય નહીં, પરંતુ 2027ની ચૂંટણી પૂર્વેનો મહત્વનો રાજકીય સંદેશ પણ સાબિત થઈ શકે છે.

અમદાવાદમાં વિરોધ પક્ષના નેતાની પસંદગી પ્રક્રિયામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે મોટા ભાગના કોર્પોરેટરોએ નિર્ણયનો અધિકાર તેમના પર છોડ્યો હોવાનું કહેવાય છે. બીજી તરફ દલિત નેતા હિતેન્દ્ર પીઠડિયાને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પણ સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જો કે કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં એક અન્ય રસપ્રદ ચર્ચા પણ ચાલી રહી છે. સૂત્રોના દાવા મુજબ અંતિમ નિર્ણય સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતાને અમદાવાદના એક કોર્પોરેટરના ઘરે મળતું નોન-વેજ ભોજન ખાસ પસંદ છે અને તેઓ શહેરની મુલાકાતે આવે ત્યારે ત્યાં જ જમવાનું આયોજન થતું હોય છે. પરિણામે રાજકીય ગલિયારાઓમાં મજાકીય અંદાજે એવી ટિપ્પણીઓ પણ સાંભળવા મળે છે કે અંતિમ નિર્ણયમાં સંગઠન અને ફરજ કરતાં ‘નોન-વેજનું ઋણ વધુ પર ભારે પડી શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રામ મંદિર સુરક્ષામાં ₹10 કરોડનો ધુમાડો કર્યો છતાં થઈ કરોડો રૂપિયાની ચોરી, દિગ્ગજોની સંડોવણીની આશંકા
Next: 7 વર્ષથી ફરાર અબ્દુલ લતીફ ગેંગનો શાર્પશૂટર મોહમ્મદ તસ્લીમ રાજસ્થાનથી ઝડપાયો

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.