ગાંધીનગર : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા વહીવટી કામકાજમાં સુગમતા અને ગતિશીલતા લાવવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને કચેરીઓમાં ફરજ બજાવતા ૨૫ જેટલા વર્ગ-૨ ના ચીફ ઓફિસરો (Chief Officers) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
પ્રાદેશિક કમિશનર કચેરીઓમાં મહત્વની નિમણૂકો
આ સાગમટે થયેલી બદલીઓમાં કેટલીક મહત્વની નિમણૂકો ઝોનલ સ્તરે કરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ:
અંકલેશ્વરના ચીફ ઓફિસર કેશવ કોલડીયાને પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી (સુરત ઝોન) તરીકે મુકવામાં આવ્યા છે.
કલોલના ચીફ ઓફિસર નીતિન બોડાતને પ્રાદેશિક કમિશનર (અમદાવાદ ઝોન) ની જવાબદારી સોંપાઈ છે.
માણસાના સતિષ પટેલને પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) તરીકે નિયુક્ત કરાયા છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના રૂપલ ખેતીયાને પ્રાદેશિક કમિશનર (રાજકોટ ઝોન) માં મુકવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફેરફાર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટમાં પણ ફેરફાર કરાયો છે. સુરેન્દ્રનગર મ.ન.પા. ના વર્તમાન નાયબ મ્યુનિસિપલ કમિશનર રવિકાંત પટેલની બદલી માણસા નગરપાલિકા ખાતે કરવામાં આવી છે. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર વેરાવળ-પાટણના ચીફ ઓફિસર પારસ મકવાણાને સુરેન્દ્રનગરના નવા નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અન્ય અગત્યની બદલીઓ
પરિપત્ર મુજબ અન્ય બદલીઓ પર નજર કરીએ તો, ખંભાતના વિશાળ પટેલને કલોલ, ગોંડલના અશ્વિન વ્યાસને વેરાવળ-પાટણ, બોરસદના વિરાજ શાહને ડભોઇ અને દહેગામના ઉમા રામીણાને બોરસદ ખાતે મુકવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, પ્રાદેશિક કમિશનર (ગાંધીનગર ઝોન) મનોજ સોલંકીની બદલી મોડાસા ખાતે અને માંડવી (કચ્છ) ના જીજ્ઞેશ બારોટની બદલી પાટણ જિલ્લાના હારીજ ખાતે કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાનો નવો ચાર્જ સંભાળી લેવાના નિર્દેશ અપાયા છે.
