ધોળકા : ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસની આડમાં ખાનગી કંપનીઓ અને સ્થાનિક તંત્રની મિલીભગત સામાન્ય જનતા માટે કેવી રીતે મોતનું કારણ બની શકે છે, તેનો ભયાનક ચિતાર ધોળકામાં જોવા મળી રહ્યો છે. ધોળકા તાલુકાના પાંચ ગામોના ખેડૂતો અને સ્થાનિક લોકો દૂષિત કેમિકલયુક્ત ઝેરી પાણીના નિકાલ સામે છેલ્લા ૧૧ દિવસથી આક્રમક આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં, મત લઈને ખુરશી પર બેઠેલા સ્થાનિક રાજકીય પદાધિકારીઓના પેટનું પાણી ન હલતા હવે જનતાની ધીરજ ખૂટી ગઈ છે.
ધારાસભ્યના ઘરે ઝેરી પાણી ઠાલવવાની સીધી ચીમકી
દેશમાં ચાલી રહેલા ‘જેન-ઝી’ (Gen-Z) આંદોલનની તર્જ પર હવે ગુજરાતના ખેડૂતો અને નાગરિકો પણ પોતાના પ્રાણપ્રશ્નો માટે સીધા જ જનપ્રતિનિધિઓ સામે મોરચો માંડી રહ્યા છે. ધોળકામાં આંદોલનના ૧૧મા દિવસે દેખાવકારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો, ઝેરી પાણીના ટેન્કરો ભરીને ધોળકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસસ્થાને અને નગરપાલિકાની કચેરીમાં ઠાલવવામાં આવશે. આ ઘટના દર્શાવે છે કે જો ગંભીર પ્રશ્નો નહીં ઉકેલાય, તો આગામી સમયમાં સત્તાધારી નેતાઓના ઘરે જઈને વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થઈ શકે છે.
મોતનું તાંડવ : ૧૧ લોકો ભરખાયા, ૫૦ થી વધુ એક્ટિવ કેન્સર કેસ
ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા અને પાલડી સહિતના પાંચ ગામોની હાલત અત્યંત કફોડી બની છે. છેલ્લા ૧૫ વર્ષથી નગરપાલિકાનું ગંદુ પાણી અને ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડાઈ રહ્યું છે. આ ઝેર ભૂગર્ભ જળમાં ભળતા હજારો એકર ફળદ્રુપ જમીન બરબાદ થઈ ગઈ છે. બોરવેલના પાણી પણ ઝેરી બની ગયા છે.
સ્થાનિકોના ગંભીર આક્ષેપ મુજબ, આ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં કેન્સર અને ચામડીના ભયાનક રોગોનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધીમાં પાંચ ગામોમાં ૧૧ થી વધુ લોકોના કેન્સરથી કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૫૦ થી વધુ લોકો હજુ પણ કેન્સર સામે જિંદગીની જંગ લડી રહ્યા છે. નાના બાળકોથી લઈને વડીલો અસંખ્ય બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
પાંચ મોટી કંપનીઓને નોટિસ : ૧ સપ્ટેમ્બરનું અલ્ટીમેટમ
લોકોના ઉગ્ર આંદોલન અને રોષને જોતા આખરે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રએ હલચલ બતાવી છે. દૂષિત પાણી છોડવા મામલે તંત્ર દ્વારા પાંચ મોટી કંપનીઓને રૂબરૂમાં નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં…
૧. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ
૨. કોનકાર્ડ બાયોટેક
૩. જીમાં ટેક્સ
૪. ધરમચંદ અલ્ટ્રા કેમ
૫. વાસા ફાર્મા નો સમાવેશ થાય છે.
આ તમામ ઔદ્યોગિક એકમોને ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પોતાના બચાવમાં જરૂરી આધાર-પુરાવા રજૂ કરવા તાકીદ કરાઈ હતી. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો યોગ્ય પુરાવા રજૂ કરવામાં કંપનીઓ નિષ્ફળ જશે, તો કાનૂની જોગવાઈઓ હેઠળ તેમની સામે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો – ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
