દિલ્હીની અદાલતોમાં તાજેતરમાં બનેલી ઘટના, જેમાં અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) જજને કેસમાંથી અલગ થવાની માંગ કરી, તે માત્ર એક કેસનો મુદ્દો નથી. આ સમગ્ર પ્રકરણ ન્યાયપાલિકા અને રાજકારણ વચ્ચે વધતી જતી દૂરી અને તણાવનું પ્રતિબિંબ છે. જ્યારે અદાલતને રાજકીય મેદાનમાં ફેરવવાની કોશિશ થાય છે, ત્યારે નુકસાન એક પક્ષનું નહીં, પરંતુ સમગ્ર સંસ્થાગત વિશ્વાસનું થાય છે.
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા ( Justice Swarana Kanta Sharma) દ્વારા આ માંગને નકારવી એ ન્યાયિક સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતને મજબૂત બનાવે છે. જો કોઈ પણ પક્ષને પૂરતા પુરાવા વગર જજની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવાની છૂટ મળે, તો અદાલતો અંતિમ ન્યાયિક મંચ તરીકે નહીં, પરંતુ પસંદગીના વિકલ્પ તરીકે જોવા લાગશે. આવી સ્થિતિ ન્યાય પ્રણાલીને અસ્થિર બનાવી શકે છે.
પરંતુ આ સમગ્ર મુદ્દાને એકતરફી રીતે જોવો યોગ્ય નથી. આજના રાજકીય પરિસ્થિતિમાં, જ્યાં તપાસ એજન્સીઓની કાર્યવાહી પર વારંવાર સવાલો ઉઠે છે, ત્યાં વિરોધ પક્ષના નેતાઓમાં શંકા ઊભી થવી સ્વાભાવિક છે. મનીષ સિસોદીયા (Manish Sisodia) અને (K Kavitha) જેવા કેસોએ આ ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે કે કાયદો અને રાજકારણ વચ્ચેની રેખા ક્યાંક ધૂંધળી થઈ રહી છે.
છતાં પણ અદાલતની અંદરની લડત અદાલતના નિયમો અને કાનૂની દલીલો દ્વારા જ લડવી જોઈએ. કોઈ જજની “વિચારધારા” કે તેમની જાહેર ઉપસ્થિતિને આધાર બનાવીને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવો જોખમી પરંપરાને જન્મ આપી શકે છે. આ રીતે ચર્ચાનો કેન્દ્ર કાનૂની મુદ્દાઓમાંથી હટી વ્યક્તિગત આરોપો તરફ વળી જાય છે.
બીજી તરફ ન્યાયપાલિકાએ પણ આત્મમંથન કરવું જ પડશે. પારદર્શિતા અને જવાબદારીના પ્રશ્નો સતત ઊભા થઈ રહ્યા છે. જજોના જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાની બાબત હોય કે તેમના પરિવારજનોની નિમણૂકો, અથવા સંવેદનશીલ કેસોમાં બેચ ફાળવણી, આ બધામાં સ્પષ્ટતા અને ખુલાસો જરૂરી છે. જ્યારે એક જ જજ સામે વારંવાર રાજકીય રીતે સંવેદનશીલ કેસ આવે છે, ત્યારે શંકા ઊભી થવી સ્વાભાવિક છે, ભલે પ્રક્રિયા યોગ્ય હોય.
આ પરિસ્થિતિનો ઉકેલ કોઈ એક પક્ષના ઝુકવાથી નહીં, પરંતુ સંસ્થાગત સુધારાઓમાં છે. બેચ રોટેશનને વધુ પારદર્શક બનાવવું, ઉચ્ચ પ્રોફાઇલ કેસોમાં વિવિધતા લાવવી અને ન્યાયિક આચરણના માપદંડોને જાહેર કરવા જેવા વિવિધ પગલાં ન્યાયપાલિકાની વિશ્વસનીયતા વધારી શકે છે.
અંતે, આ સમગ્ર પ્રકરણ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે રાજકીય વ્યૂહરચના તરીકે જજને નિશાન બનાવવું ટૂંકા ગાળે ફાયદાકારક લાગી શકે, પરંતુ લાંબા ગાળે તે ન્યાય વ્યવસ્થાની મૂળભૂત શક્તિને નબળી બનાવે છે. અદાલતમાં સૌથી મજબૂત હથિયાર આરોપો નહીં, પરંતુ મજબૂત કાનૂની દલીલો હોય છે.
ન્યાયપાલિકા અને રાજકારણ વચ્ચેની રેખા જેટલી સ્પષ્ટ રહેશે, લોકશાહી તેટલી મજબૂત રહેશે.
અભિષેક પાંડેય
સંપાદક, ગુજરાત એક્સક્લૂસિવ
આ પણ વાંચો – કેન્દ્રના વ્યાપક જ્વોઇન્ટ સેક્રેટરી એમ્પેનલમેન્ટમાં ગુજરાતના CM સચિવ વિક્રાંત પાંડેયનો સમાવેશ
