ગુજરાતમાં સાયબર ગુનાખોરીના વધતા વ્યાપ સામે રાજ્ય પોલીસ સજ્જ બની છે. તાજેતરમાં ગુજરાત ઇન્ચાર્જ ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન મુલ હન્ટ 2.0’ (Operation Mule Hunt 2.0) અંતર્ગત પોલીસને એક મોટી સફળતા મળી છે. આ ઓપરેશન દ્વારા માત્ર બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં દેશવ્યાપી સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ, CCOE એ છેલ્લા બે અઠવાડિયામાં 40 આરોપીઓની ધરપકડ કરી છે, જે સમગ્ર ગુજરાતમાં ₹622 કરોડના 1,039 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા છે.
ઓપરેશન મુલ હન્ટ 2.0: સાયબર માફિયાઓ પર ગુજરાત પોલીસનો મોટો પ્રહાર
ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી સાયબર ગુનેગારો સામે આક્રમક વલણ અપનાવી રહી છે. ‘ઓપરેશન મુલ હન્ટ’નો બીજો તબક્કો ખાસ કરીને એવા લોકો પર કેન્દ્રિત હતો જેઓ ગુનાહિત નાણાંની હેરફેર માટે પોતાના અથવા બીજાના બેંક ખાતાઓનો ઉપયોગ કરવા દે છે, જેને ટેકનિકલ ભાષામાં ‘મની મુલ’ (Money Mule) કહેવામાં આવે છે. આ ઓપરેશન દરમિયાન છેલ્લા 14 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી કુલ 40 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર : સાયબર ફ્રોડનું એપીસેન્ટર
આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી વિગતો ભાવનગર ખાતેથી સામે આવી છે. ભાવનગરમાં ચાલી રહેલા એક મોટા રેકેટનો પર્દાફાશ કરતા 181 જેટલા ફેક (નકલી) બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં મેળવવા અને તેને અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના છેડા દેશના અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે.
114 કરોડનું કૌભાંડ અને બેંક મેનેજરની ભૂમિકા
તપાસ દરમિયાન જે આંકડાઓ સામે આવ્યા છે તે આશ્ચર્યજનક છે. આ ફેક એકાઉન્ટ્સ દ્વારા અંદાજે 114 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું અનુમાન છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં 40 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન તો સ્પષ્ટ રીતે ટ્રેસ કરી લેવામાં આવ્યા છે. આ કેસની સૌથી ગંભીર કડી એ છે કે તેમાં એક બેંક મેનેજરની સંડોવણી પણ બહાર આવી છે. સામાન્ય રીતે બેંકિંગ વ્યવહારો સુરક્ષિત રાખવાની જેની જવાબદારી છે, તેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ જ્યારે ગુનેગારોને ફેક એકાઉન્ટ ખોલવામાં અને કેવાયસી (KYC) પ્રક્રિયામાં મદદ કરે, ત્યારે સિસ્ટમ સામે મોટા સવાલો ઉભા થાય છે.
Under Operation Mule Hunt 2.0, CCOE arrested 40 accused in the last two weeks, linked to 1,039 cybercrime cases involving ₹622 crore across Gujarat. Strong action will continue. pic.twitter.com/vrv3Vu8TKw
— DGP Gujarat (@dgpgujarat) April 22, 2026
મની મુલ એકાઉન્ટ્સ શું છે?
સાયબર ગુનેગારો સીધા પોતાના ખાતામાં પૈસા લેવાને બદલે નિર્દોષ અથવા સામાન્ય લોકોને લાલચ આપીને તેમના ખાતાનો ઉપયોગ કરે છે. આ માટે તેઓ કાં તો ગરીબ લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરે છે અથવા તો કમિશનની લાલચ આપીને લોકોના બેંક એકાઉન્ટ મેળવે છે. આ ખાતાઓને ‘મુલ એકાઉન્ટ્સ’ કહેવામાં આવે છે. ઓપરેશન મુલ હન્ટ 2.0 નો મુખ્ય ઉદ્દેશ્ય આવા ખાતાઓ બંધ કરાવવાનો અને તેને ઓપરેટ કરનારા સૂત્રધારોને પકડવાનો છે.
પોલીસની કડક કાર્યવાહી અને જનજાગૃતિ
ડીજીપી કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ સામેની આ લડાઈ આવનારા દિવસોમાં હજુ વધુ તેજ બનાવવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી ગુનેગારો સુધી પહોંચવા માટે ગુજરાત પોલીસનું સાયબર સેન્ટર અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. આ કાર્યવાહીથી સાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓએ જણાવ્યું કે, “ઓપરેશન મુલ હન્ટ 2.0 હેઠળ અમે નિર્ણયાત્મક પગલાં લઈ રહ્યા છીએ. ફેક એકાઉન્ટ્સ અને મની મ્યુલ્સને ટાર્ગેટ કરીને આવી કાર્યવાહી ચાલુ રહેશે.” ગુજરાત પોલીસની આ સતત કાર્યવાહી સાઈબર ક્રાઈમને રોકવા અને લોકોને જાગૃત કરવા માટેનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ડિજિટલ યુગમાં સાવધાની જ સૌથી મોટું રક્ષણ છે. નાગરિકોએ ક્યારેય પણ કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે એટીએમ કાર્ડ કોઈ અજાણી વ્યક્તિને વાપરવા આપવા જોઈએ નહીં. જો તમારા ખાતામાં અચાનક મોટી રકમ જમા થાય અથવા કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય, તો તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
આ પણ વાંચો – અદાલત અને રાજકારણ વચ્ચેની રેખા ધૂંધળી થશે તો ન્યાય નબળો પડશે
