- મહિલા આરક્ષણ બિલ પડી ગયું: ભાજપ માટે મોટો ઝટકો કે રાજકીય માસ્ટરસ્ટ્રોક?
મહિલા અનામત કાયદામાં સુધારા માટે લાવવામાં આવેલો 131મો સાંવિધાનિક સુધારા વિધેયક (બિલ) શુક્રવારે લોકસભામાં પડી ગયો. પાછલા 12 વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર તરફથી રજૂ કરાયેલો કોઈ સાંવિધાનિક સુધારા વિધેયક સંસદમાં પડી ગયો હોય.
સસદમાં બે દિવસની ચર્ચા પછી શુક્રવારે સાંજે મતદાન થયું. સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપનારા કાયદામાં સુધારા અને ડિલિમિટેશન સાથે જોડાયેલા બિલોના સમર્થનમાં 298 મત પડ્યા જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા. સંસદીય લોકસભા ક્ષેત્રોની સંખ્યા ફરીથી નક્કી કરવા માટે લાવવામાં આવેલો પરિસીમન વિધેયક પણ તેની સાથે જોડાયેલો હતો.
સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા (સુધારા) વિધેયક પણ આ બંને વિધેયકો સાથે રજૂ કર્યો હતો. આ વિધેયકનો હેતુ કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કાયદા અને આરક્ષણ વ્યવસ્થાને નવા પરિસીમન અને લોકસભા વિસ્તારના માળખા સાથે જોડવાનો હતો. સંસદની કાર્યવાહી પછી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સાંવિધાનિક સુધારા વિધેયક સાથે બે અન્ય વિધેયકો પણ જોડાયેલા હતા, તેથી હવે આ વિધેયકો પર મતદાન નહીં થાય.
કિરેન રિજિજુએ મહિલા અનામત બિલને સંસદમાં પડી જવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કહ્યું કે એક તક ગુમાવી દેવામાં આવી છે. વિધેયક પડી જવા પછી એનડીએના સાંસદોએ સંસદની બહાર વિરોધ પણ કર્યો અને વિરોધ પક્ષ પર મહિલા વિરોધી હોવાના આરોપ પણ લગાવ્યા. સાંવિધાનિક સુધારા વિધેયક લાવવામાં આવ્યો તે પહેલાં સંસદમાં પણ જબરદસ્ત ચર્ચાઓ થઈ હતી.
રાજકીય હેતુ પર સવાલ
વિરોધ પક્ષે આ વિધેયકો અંગે સરકારના એજન્ડા પર પણ સવાલ ઊભા કર્યા. તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જીએ સંસદમાં બોલતાં ત્રણેય વિધેયકોનો વિરોધ કરતાં કહ્યું, “પ્રધાનમંત્રીને જ્યારે લાગે છે કે તેઓ ચૂંટણી હારી જશે ત્યારે તેઓ નિયમ જ બદલી નાખે છે, આ વિધેયકો માત્ર રાજકીય હેતુથી લાવવામાં આવી રહ્યા છે.”
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે સંસદની બહાર પ્રતિક્રિયા આપતાં કહ્યું, “આ સમજવાની જરૂર છે કે મહિલા આરક્ષણ વિધેયક 2023માં જ પસાર થઈ ચૂક્યું છે અને અમે તેને સમર્થન આપ્યું હતું, આજે સંસદમાં પરિસીમનના માધ્યમથી દક્ષિણ ભારતીય રાજ્યોનો હક્ક મારવાની સાજિશની હાર થઈ છે.”
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, “આ દેશના લોકતંત્રની વાત હતી, દેશની અખંડિતતાની વાત હતી, અમે મહિલા આરક્ષણને પરિસીમન સાથે જોડવા ક્યારેય સંમત નહીં થઈ શકીએ, આ શક્ય જ નહોતું કે આ બિલ પસાર થાય.”
જ્યારે સંસદમાં મતદાન પછી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, “વિરોધ પક્ષે એવી લક્ષ્મણ રેખા ખેંચી કે સરકાર તે લક્ષ્મણ રેખાની પાર આવી ન શકી.”
ભારતીય જનતા પાર્ટીએ મહિલા આરક્ષણ વિધેયકને મહિલાઓને હક્ક આપવાની દિશામાં એક મોટું અને ઐતિહાસિક પગલા તરીકે સંસદમાં રજૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “મહિલા આરક્ષણ બિલ, આ માત્ર એક બિલ નથી, આ દેશની દિશા અને દશા બદલી નાખનારું બિલ છે.”
તેમણે કહ્યું, “મહિલાઓને આરક્ષણ આપવું સમયની માંગ છે, અને જે તેનો વિરોધ કરશે તે લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવશે.” જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “મહિલા આરક્ષણ બિલ દેશની નારી શક્તિને સશક્ત બનાવવાનું ઐતિહાસિક પગલું છે.” સંસદમાં વિરોધ પક્ષને જવાબ આપતાં પોતાના ભાષણમાં અમિત શાહે કહ્યું, “જે લોકો કહી રહ્યા છે કે આ બિલ સત્તાની લાલસાથી લાવવામાં આવ્યું છે, તેઓ અમારી તાકાતને ઘણી વધારે માની રહ્યા છે.”
પરિસીમન વિધેયક સાથે લાવવા પર સવાલ
સરકાર પરિસીમન વિધેયક પણ રજૂ કર્યો હતો જેનો હેતુ લોકસભા ક્ષેત્રોને ફરીથી નક્કી કરવાનો હતો. દક્ષિણ ભારતીય રાજ્યોએ પરિસીમન વિધેયકનો ખુલ્લો વિરોધ કર્યો અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તેના વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યા. પરિસીમન વિધેયક અંગે દક્ષિણ ભારતીય રાજ્યોને કેન્દ્રની સત્તામાં ભાગીદારી ઘટવાની ચિંતા છે.
અમિત શાહે વિરોધ પક્ષને આ ભરોસો આપવાનો પ્રયાસ પણ કર્યો કે પરિસીમન વિધેયકથી કોઈ રાજ્યનું પ્રતિનિધિત્વ સંસદમાં ઘટશે નહીં. તેમણે કહ્યું કે પરિસીમન પછી લોકસભામાં 816 બેઠકો હશે અને તેમાં તમામ રાજ્યોની વર્તમાન બેઠકોમાં પચાસ ટકાની વધારો થશે.
લોકસભામાં ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે નિર્ણય પ્રક્રિયા કોઈની સાથે ભેદભાવ નહીં કરે. કોઈની સાથે અન્યાય નહીં થાય.” “પહેલાં જે પરિસીમન થયું છે અને જે પ્રમાણ પહેલાંથી ચાલી આવ્યું છે, તેમાં કોઈ ફેરફાર નહીં થાય. તે જ અનુસાર પરિસીમન થશે.” તેમણે કહ્યું, “જો ગેરંટી જોઈએ તો હું ગેરંટી પણ આપું છું.”તેમ છતાં સરકારે આ ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અનેક સવાલોના જવાબ મળી રહ્યા નહતા.
શું કહે છે એક્સપર્ટ?
વિશ્લેષકો માની રહ્યા છે કે પરિસીમન વિધેયક પાછળ પણ રાજકીય એજન્ડા છે. વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તા કહે છે, “અસલી લક્ષ્ય પરિસીમન પર જ કેન્દ્રિત હતું, તેના માધ્યમથી ભાજપ પોતાના રાજકીય ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માંગે છે.” સુમન ગુપ્તા કહે છે, “રાજનીતિમાં પ્રસિદ્ધ કહેવત છે- દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. પરિસીમન પછી સદનમાં ઉત્તર ભારતની તાકાત વધુ મજબૂત થશે, અને આ સમયે ભાજપ ઉત્તર ભારતમાં ખૂબ મજબૂત છે, પરિસીમન પછી જો ઉત્તર ભારતમાં બેઠકો વધશે તો ભાજપ તેનાથી વધુ મજબૂત થશે.”
વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી કહે છે, “જે રીતે સરકારે મહિલા આરક્ષણ સાથે પરિસીમન વિધેયક લાવ્યો તેને રાજકીય દુસ્સાહસ કહેવાશે.” જ્યારે વિરોધ પક્ષ મહિલા આરક્ષણ વિધેયક સાથે પરિસીમન વિધેયક લાવવા પર આક્રમક રહ્યો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યું, “આ મહિલા આરક્ષણ બિલ નથી, ચૂંટણી નકશો બદલવાની સાજિશ છે.” ચાણક્ય નેશનલ લૉ યુનિવર્સિટી, પટણાના કુલપતિ ડો. ફૈઝાન મુસ્તફાએ જણાવ્યું કે, તમામ પાર્ટીઓ વચ્ચે પારસ્પરિક સંમતિ ન હોવાના કારણે આ બિલને નિષ્ફળ થવું જ હતું. તેઓ કહે છે, “હેરાનીની વાત એ છે કે એનડીએના લગભગ 12 સભ્યો અનુપસ્થિત હતા. તેનાથી સ્પષ્ટ છે કે સંસદની વ્યવસ્થાપનને પણ ગંભીરતાથી લેવામાં આવી નહોતી.”
ફૈઝાન મુસ્તફા કહે છે કે મોટા સુધારાઓ પહેલાં જાહેર ચર્ચા અને સંમતિ બનાવવી જરૂરી હોય છે. તેઓ કહે છે, “ચૂંટણી વચ્ચે બોલાવવામાં આવેલા વિશેષ સત્રે શંકા જન્માવી, જેને તમામ પાર્ટીઓની બેઠકથી ટાળી શકાતી. સરકાર તમિલનાડુ અને બંગાળના મતદારોને કહી શકે છે કે વિરોધ પક્ષ મહિલા વિરોધી છે, જ્યારે વિરોધ પક્ષ કહેશે કે તેણે સંઘવાદ અને સંવિધાનને બચાવ્યું છે. 2023ના કાયદાની અચાનક અધિસૂચનાથી સ્થિતિ વધુ જટિલ થઈ જશે અને આ મુદ્દો વસ્તી ગણતરી પછી ફરી સામે આવશે.”
જ્યારે કેન્દ્ર સરકારે વર્ષ 2023ના મહિલા આરક્ષણ કાયદા અંગે અધિસૂચના જારી કરી દીધી છે. આવું કેમ કરવામાં આવ્યું? આ સવાલ પર લીગલ પોલિસી સેન્ટર ફોર કોન્સ્ટિટ્યુશનલ લોના વડા ડો. સ્વપ્નિલ ત્રિપાઠીએ બીબીસીને જણાવતા કહ્યું કે, સરકારે હવે 2023ના કાયદા (નારી શક્તિ વંદન અધિનિયમ)ને અમલમાં મૂકવાની અધિસૂચના જારી કરી છે, જેથી એક તકનીકી ખામીને દૂર કરી શકાય.
તેઓ કહે છે કે આ કાયદાને અમલમાં મૂકવા માટે એક અલગ અધિસૂચનાની જરૂર હતી, જે કાલ સુધી જારી કરવામાં આવી નહોતી.
શું વિધેયકનું પડી જવું સરકાર માટે ઝટકો છે?
સાંવિધાનિક સુધારા વિધેયકને પસાર કરાવવા માટે બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. વર્તમાન સદનમાં સરકાર પાસે આ સંખ્યા નથી. વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર આ વિધેયક પસાર કરાવી શકાતા નહોતા. વિશ્લેષકો માની રહ્યા છે કે વિધેયકનું પડી જવું સરકાર માટે ઝટકો છે.
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, “આ સરકાર માટે ઝટકો છે કારણ કે તેમને દેખાઈ રહ્યું હતું કે તેમની પાસે સંખ્યા નથી તો પણ ચૂંટણીઓ વચ્ચે તેઓ તેને લઈ આવ્યા કારણ કે તેઓ તેના માધ્યમથી પશ્ચિમ બંગાળમાં મહિલાઓના વોટ વધુ સંખ્યામાં હાંસલ કરવા માંગતા હતા. હવે ભાજપ ચૂંટણીમાં વારંવાર કહેશે કે વિરોધ પક્ષે મહિલાઓના હક્કમાં કામ કરવા ન દીધું.”
જ્યારે વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી કહે છે, “વિધેયકનું પડી જવું સરકારની સાખ માટે તો ઝટકો છે જ પરંતુ મોટો સવાલ હેતુ અને મંશાનો છે. સરકાર પોતાના હેતુ પાર પાડવામાં નિષ્ફળ થઈ છે.”
વિશ્લેષકો અનેક રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવા પર પણ સવાલ ઊભા કરી રહ્યા છે. હેમંત અત્રી કહે છે, “મહત્વનો સવાલ એ છે કે સરકારે આવા સમયે વિશેષ સત્ર કેમ બોલાવ્યું જ્યારે રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોય, શું સરકાર ધ્યાન ક્યાંક અન્યત્ર ખેંચવા માંગતી હતી.”
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા પણ આ જ તર્ક આપતાં કહે છે, “ચૂંટણી વચ્ચે તેઓ આને માત્ર એટલા માટે લાવ્યા હતા જેથી ચૂંટણીમાં કહી શકાય કે અમે બંગાળની મહિલાઓ માટે ઘણું કરવા માંગતા હતા પરંતુ વિરોધ પક્ષે અમને કરવા ન દીધું.” વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તા કહે છે, “ભાજપ મહિલા આરક્ષણ વિધેયકના માધ્યમથી મહિલાઓને એક વોટ વર્ગ તરીકે સાધવા માંગે છે.”
સુમન ગુપ્તા કહે છે, “પાછલા કેટલાક વર્ષોમાં મહિલાઓ એક અલગ વોટ બેંક તરીકે ઉભરી આવી છે અને ભારતીય જનતા પાર્ટી તેમને પોતાની તરફ ખેંચવા માંગે છે.” શરદ ગુપ્તા સવાલ કરે છે કે જ્યારે મહિલા વિધેયક 2023માં જ પસાર થઈ ચૂક્યો છે તો હવે તેને પરિસીમન સાથે જોડીને લાવવાની શું જરૂર હતી?
શરદ ગુપ્તા કહે છે, “સરકારે પરિસીમન સાથે મહિલા વિધેયકને પણ ટેગ કર્યો, તેનાથી સ્પષ્ટ છે કે તે ચૂંટણીના સમયે તેનો રાજકીય ફાયદો ઉઠાવવા માંગતી હતી. વિધેયકનું પડી જવું સરકારના રાજકીય એજન્ડા માટે ઝટકો હોઈ શકે છે.”
આ પણ વાંચો – અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
