કોલકાતા/આસનસોલ: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં આસનસોલમાં કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા દેબદીપ ચેટર્જીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રવિવારે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ ‘X’ પર લખ્યું હતું કે, “ચૂંટણી બાદ TMC સાથે જોડાયેલા ગુંડાઓ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા દેબદીપ ચેટર્જીની હત્યા કરવામાં આવી તે અત્યંત નિંદનીય છે.” રાહુલ ગાંધીએ દોષિતોની તાત્કાલિક ધરપકડ અને કડક સજાની માંગ કરી છે. આ સાથે જ તેમણે મૃતકના પરિવાર માટે સુરક્ષા અને યોગ્ય વળતરની પણ અપીલ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સ અને ‘ધ ટેલિગ્રાફ’ મુજબ, આસનસોલમાં કોંગ્રેસ સમર્થક દેબદીપ ચેટર્જીની શનિવારે હત્યા કરવામાં આવી હતી. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે આ હત્યા તેમની પત્ની અને 10 વર્ષના પુત્રની નજર સામે જ કરવામાં આવી.
ઘટનાની વિગતો મુજબ, દેબદીપની કાર રસ્તા કિનારે ઉભેલી એક બાઇક સાથે અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માત બાદ ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો. દેબદીપની પત્નીના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ તેમના માથા પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે હોસ્પિટલ લઈ જતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
TMC પર લાગ્યા ગંભીર આરોપ
પશ્ચિમ બંગાળ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ હુમલો કરનારા લોકો સત્તાધારી પક્ષ TMC સાથે જોડાયેલા છે. દેબદીપ આસનસોલ નોર્થના કોંગ્રેસના ઉમેદવાર પ્રસેનજીત પુઈતાંડીના નજીકના સાથી હતા અને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, “ચૂંટણી બાદના તબક્કામાં થયેલી આ હિંસક ઘટના આઘાતજનક છે. સત્તાધારી પક્ષના ગુંડાઓએ તેમને નિર્દયતાથી માર માર્યો હતો.”
બંગાળમાં હિંસાનો ઈતિહાસ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસા (Post-Poll Violence) એક ગંભીર મુદ્દો બની રહી છે. અગાઉ પણ અનેક વખત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે ‘ઈન્ડિયા ગઠબંધન’ કેન્દ્રમાં હોવા છતાં, રાજ્ય સ્તરે TMC અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પર દબાણ બનાવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો – જ્યાં રાજ્ય વિચારોને નિયંત્રિત કરે છે, ત્યાં સ્વતંત્રતાનો અંત આવે છે
