- શું મુખ્યમંત્રીની ઈચ્છા સર્વોપરી છે કે બંધારણ? પશ્ચિમ બંગાળના રાજકીય ડ્રામાનું કાનૂની વિશ્લેષણ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ ચૂંટણી હાર્યા નથી, તેથી રાજીનામું આપશે નહીં.
તેમણે મંગળવારે ચૂંટણી હાર્યા બાદ પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર અપ્રમાણિકતાથી ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ ભાજપે કહ્યું છે કે બંધારણીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખનાર કોઈ પણ વ્યક્તિ આવી વાત કરી શકે નહીં.
મમતા અને ભાજપ શું બોલ્યા?
મમતા બેનર્જીએ રાજીનામા વિશે કહ્યું, “હું શા માટે જઈશ. અમે તો હાર્યા નથી કે જઈશું. હારનો પુરાવો આપતા તો રાજીનામું આપતા. જોર-જબદસ્તી કરીને કોઈ કહે કે રાજીનામું આપવું પડશે તો નહીં. અત્યારે રાજીનામું નહીં આપું. હું એ કહેવા માંગુ છું કે અમે ચૂંટણી હાર્યા નથી.”
તેમણે પશ્ચિમ બંગાળમાં પોતાની પાર્ટીની હાર માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મુખ્ય વિલન છે.
મમતા બેનર્જીએ કહ્યું, “પાર્ટી સભ્યો સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. હું હવે ભાજપના અત્યાચારોને વધુ સહન નહીં કરું. હું રસ્તાઓ પર ઉતરીશ.”
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનર્જીના રાજીનામું ન આપવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
ભાજપના પ્રવક્તા દેબજીત સરકારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જેવી વાતો તેઓ બોલી રહ્યા છે, તેનાથી તેઓ પોતાની જાતને જ હાસ્યાસ્પદ બનાવી રહ્યા છે. તેઓ થોડા દિવસો સુધી પ્રચારની લાઈમલાઈટમાં રહેવા માંગે છે, તેથી તેઓ આવી વાતો કરી રહ્યા છે. આ પ્રકારની હાસ્યાસ્પદ વાતોનો કોઈ જવાબ ભારતીય જનતા પાર્ટી અથવા બંધારણમાં વિશ્વાસ રાખતી કોઈ પણ પાર્ટી આપી શકે નહીં.”
તેમણે કહ્યું, “બંધારણીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખનાર કોઈ પણ વ્યક્તિ આવી વાત કરી શકે નહીં.”
બંધારણની કલમ 164 રાજ્યના મંત્રીમંડળની રચના અને તેમાં રાજ્યપાલની સત્તાઓ સાથે જોડાયેલી છે. દરેક ચૂંટણી પછી રાજ્યપાલ વિધાનસભામાં પક્ષોની સંખ્યાનું મૂલ્યાંકન કરે છે અને બહુમતી પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. ત્યારબાદ શપથ ગ્રહણ થાય છે.
જો કોઈ મંત્રી તે ગૃહનો સભ્ય ન હોય તો તેણે છ મહિનાની અંદર ગૃહનું સભ્યપદ લેવું પડે છે. જો છ મહિના સુધી ગૃહનું સભ્યપદ મેળવવામાં ન આવે તો મંત્રી અથવા મુખ્યમંત્રી પોતાના પદ પર રહેશે નહીં.
બંધારણ શું કહે છે?
બંધારણની કલમ 164 (1) કહે છે કે મુખ્યમંત્રી ‘રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી’ પદ પર રહી શકે છે.
રાજ્યપાલની ઈચ્છા શું હોય છે? આ સવાલનો જવાબ સેન્ટર ફોર પોલિટિકલ સ્ટડીઝ જેએનયુના ડોક્ટર સુધીર કે. સુતાર આપે છે.
તેઓ કહે છે, “રાજ્યપાલની ‘ઈચ્છા’ ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ધારાસભ્યો) ની બહુમતી દ્વારા કોઈ એક નેતા પર વ્યક્ત કરવામાં આવેલા વિશ્વાસ દ્વારા નક્કી કરવામાં આવે છે. દરેક ચૂંટણી પછી રાજ્યપાલ વિધાનસભામાં પક્ષોની સંખ્યાનું આંકલન કરે છે અને બહુમતી પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે છે.”
“જો વર્તમાન મુખ્યમંત્રી રાજીનામું ન આપે, તો રાજ્યપાલ પોતાના અધિકારનો ઉપયોગ કરીને મંત્રીમંડળને બરતરફ કરી શકે છે, જેનો ભાગ મુખ્યમંત્રી પણ હોય છે.”
આ ઉપરાંત ભારતીય બંધારણની કલમ 172 રાજ્ય વિધાનમંડળો (વિધાનસભા અને વિધાન પરિષદ) ના કાર્યકાળ સાથે જોડાયેલી છે.
આ મુજબ, તે વિધાનસભાનો કાર્યકાળ પ્રથમ બેઠકની તારીખથી પાંચ વર્ષનો હોય છે. પાંચ વર્ષનો સમય પૂરો થતાની સાથે જ તે આપોઆપ ભંગ થઈ જશે.
કલમ 172 કહે છે, “દરેક રાજ્યની વિધાનસભા જો અગાઉથી વિસર્જિત કરવામાં ન આવે તો પોતાના પ્રથમ અધિવેશન માટે નિયત તારીખથી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે, તેનાથી વધુ નહીં. પાંચ વર્ષના ઉક્ત સમયગાળાની સમાપ્તિનું પરિણામ વિધાનસભાનું વિસર્જન હશે.”
નિષ્ણાતો શું કહે છે?
વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના સેન્ટર ફોર કોન્સ્ટિટ્યુશનલ લો ના વડા સ્વપ્નિલ ત્રિપાઠી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહે છે, “આપણા બંધારણીય માળખા મુજબ, કલમ 164 હેઠળ મુખ્યમંત્રી રાજ્યપાલની ઈચ્છા પર પદ ધારણ કરે છે પરંતુ આ ઈચ્છા વ્યક્તિગત હોતી નથી, તે આ વાત સાથે જોડાયેલી હોય છે કે મુખ્યમંત્રીને વિધાનસભાનો વિશ્વાસ પ્રાપ્ત છે કે નહીં.”
“ચૂંટણી પૂરી થયા પછી અને વિધાનસભાનો કાર્યકાળ પૂરો થયા પછી એક નવી વિધાનસભાની રચના થાય છે, અને તેની સાથે જ વોટ ઓફ કોન્ફિડન્સ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જતો રહે છે.”
તેમણે કહ્યું કે બંધારણમાં આ સ્થાપિત પરંપરા છે કે વિદાય લેતા મુખ્યમંત્રી રાજીનામું આપે છે અને નવી સરકારના શપથ ગ્રહણ સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે થોડા સમય માટે પદ પર ચાલુ રહે છે.
સ્વપ્નિલ ત્રિપાઠીએ જણાવ્યું, “જો પરંપરાનું પાલન કરવામાં ન આવે તો તેનાથી કાનૂની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. રાજ્યપાલ પોતાની ઈચ્છા પાછી ખેંચી શકે છે અને નવી વિધાનસભામાં બહુમતી મેળવનાર નેતાને આમંત્રિત કરી શકે છે. તેથી રાજીનામું આપવાનો ઇનકાર કરવો એ કાયદા કરતા વધુ રાજકારણની બાબત છે.”
“બંધારણ એ સુનિશ્ચિત કરે છે કે જે મુખ્યમંત્રી પાસે હવે બહુમતીનું સમર્થન નથી, તે પદ પર રહી શકે નહીં. ચૂંટણી જનાદેશને ખતમ કરી દે છે. રાજીનામું તેને માત્ર માન્યતા આપે છે.”
બંધારણીય કાયદાના નિષ્ણાત અને લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ પીડીટી આચાર્ય ઇન્ડિયા ટુડેને કહે છે કે હાલમાં એવું કંઈ નથી જે મમતા બેનર્જીને પદ પર ચાલુ રહેવાની મંજૂરી આપતું હોય.
તેમણે કહ્યું, “જો તે રાજીનામું ન આપે તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. રાજ્યપાલ તેમને આગામી મુખ્યમંત્રી શપથ લે ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા માટે કહી શકે છે. પરંતુ બંધારણીય જોગવાઈ કહે છે કે કોઈ સરકાર પાંચ વર્ષથી વધુ ચાલુ રહી શકે નહીં.”
આચાર્યએ કહ્યું કે જો બેનર્જી આજે રાજીનામું આપી દે, તો પણ રાજ્યપાલ તેમને નવા મુખ્યમંત્રી શપથ લે ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા માટે કહેશે.
આચાર્ય કહે છે, “ટેકનિકલી તેમને રાજીનામું આપવાની જરૂર જ નથી. તે ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ માત્ર વર્તમાન વિધાનસભાના કાર્યકાળ સુધી જ મુખ્યમંત્રી રહી શકે છે. તે તારીખ પછી તે આપોઆપ મુખ્યમંત્રી રહેશે નહીં.”
આ પણ વાંચો – જેલમાંથી છૂટીને ફરી મોતનો વેપાર: સુરતની મમતા હોસ્પિટલમાં ચાલતા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ
