- ગુજરાત પોલીસનો પ્રજાલક્ષી નિર્ણય: DGP જી.એસ. મલિકનો આદેશ, હવે અધિકારીઓએ રોજ ૨ કલાક નાગરિકોને ફરજિયાત સાંભળવા પડશે
ગાંધીનગર: રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો કે ન્યાયિક રજૂઆતો માટે છેક ગાંધીનગર, ડીજીપી કચેરી કે સચિવાલયના ધક્કા ન ખાવા પડે, તે દિશામાં ગુજરાત પોલીસ તંત્રે એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
આ નવા આદેશ મુજબ, હવે પોલીસ ખાતાના તમામ અધિકારીઓએ—પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કમિશનર સુધી—નાગરિકોની રજૂઆતો સાંભળવા માટે દરરોજ ફરજિયાત બે કલાક ફાળવવા પડશે. આ વ્યવસ્થાનો મૂળ હેતુ પોલીસ પ્રશાસનમાં પારદર્શિતા લાવવાનો અને લોકોની સમસ્યાઓનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ કરવાનો છે.
ઉચ્ચ કચેરીઓ માટે નિર્ધારિત સમય (બપોરે ૧૨ થી ૨)
ડીજીપીના કચેરી હુકમ અનુસાર, રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે પબ્લિક મીટિંગનો સમય ફિક્સ કરી દેવામાં આવ્યો છે.
કોને લાગુ પડશે? પોલીસ કમિશનર (CP), જોઈન્ટ CP, એડિશનલ CP, ડેપ્યુટી CP, આસિસ્ટન્ટ CP, રેન્જ વડા (IG/DIG) અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP).
સમય: દરરોજ બપોરે ૧૨:૦૦ થી ૧૪:૦૦ (૨:૦૦) કલાક સુધી
આ સમયગાળા દરમિયાન અધિકારીઓએ પોતાની કચેરીમાં અચૂક હાજર રહીને અરજદારોની લેખિત અરજીઓ સ્વીકારવાની રહેશે અને તેના પર સત્વરે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની રહેશે.
અધિકારીની ગેરહાજરીમાં પણ કામ નહીં અટકે
ઘણીવાર અધિકારીઓ વીઆઈપી બંદોબસ્ત કે અન્ય સરકારી કામકાજમાં વ્યસ્ત હોવાથી અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડતું હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો તેમના સ્થાને કોઈપણ સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા નાગરિકોની રજૂઆત સાંભળીને તેમની અરજી રજિસ્ટર કરવાની રહેશે.
પોલીસ મથકોમાં પીઆઈ માટેનો સમય (સાંજે ૪ થી ૬)
માત્ર ઉચ્ચ કચેરીઓ જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર એટલે કે પોલીસ સ્ટેશન સ્તરે પણ આ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ગુનાની તપાસ, પેટ્રોલિંગ કે કોર્ટના કામકાજમાં વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ હવેથી દરેક થાણા અમલદારે દરરોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાક દરમિયાન પોતાના પોલીસ મથકમાં ફરજિયાત હાજર રહેવું પડશે.
આ સમય દરમિયાન પીઆઈએ રૂબરૂ આવીને અરજદારોને સાંભળવાના રહેશે અને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.
ગુજરાત પોલીસના આ પગલાથી સિસ્ટમમાં ‘ઓપન ડોર પૉલિસી’ (Open Door Policy) વધુ સુદૃઢ બનશે અને પોલીસ તથા પ્રજા વચ્ચેનું અંતર ઘટશે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
