- રથયાત્રા રૂટ પર વાહન પાર્ક કર્યું તો થશે કડક કાર્યવાહી! અમદાવાદ પોલીસે જાહેર કર્યો ‘નો પાર્કિંગ ઝોન’
અમદાવાદ શહેરમાં આગામી તા. 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક નગર રથયાત્રા નીકળવા જઈ રહી છે. આ મહાપર્વને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને કારણે ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.
15 અને 16 જુલાઈએ ‘નો પાર્કિંગ ઝોન’
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, રથયાત્રાના સમગ્ર રૂટ અને તેની આસપાસના વિસ્તારોને સળંગ બે દિવસ માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
સમયગાળો: આ પ્રતિબંધ 15 જુલાઇની રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થશે અને 16 જુલાઇના રોજ રથયાત્રા સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન નિર્ધારિત રૂટ પર વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ વિસ્તારોમાં વાહન પાર્ક ન કરવું (રથયાત્રા રૂટ):
જમાલપુર દરવાજા બહાર આવેલા ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે અને નીચે મુજબના રૂટ પર ફરશે, જે તમામ વિસ્તારો નો-પાર્કિંગ ઝોન રહેશે.
જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા
આસ્ટોડિયા ચકલા (BRTS રૂટ સહિત), મદનગોપાલની હવેલી
રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા
પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર
પ્રેમદરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી
દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા
રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી. હાઇસ્કુલ, ઘી કાંટા રોડ
પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીનું નાકું
માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ અને ત્યાંથી ખમાસા થઈને પરત જગન્નાથ મંદિર.

નિયમ તોડનાર સામે લેવાશે આકરા પગલાં
અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. જે પણ વાહનચાલક જાહેરનામાનો ભંગ કરીને વાહન પાર્ક કરશે, તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-131 મુજબ ગુનો નોંધી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો – આફતની ઓથમાં સુરત: ખાડીઓ ઓવરફ્લો થતાં શહેરમાં પૂરની સ્થિતિ, NDRF-SDRF એક્શનમાં, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર
