- સિસ્ટમનો શિકાર બનતું યુવાધન: રોજગારી અને પરીક્ષાના દબાણમાં દર બે દિવસે 3 વિદ્યાર્થીઓના આપઘાત, સરકારની નીતિઓ પર સવાલ
- મૃદુ અને સંવેદનશીલ ગણાતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ત્રણ વર્ષમાં 1,899 વિદ્યાર્થીઓએ ઠંડા કલેજે આત્મહત્યા કરી નાંખી
- ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણને જોતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રગતિશીલતા તરફ નહીં પરંતુ ખતરા તરફ ધકેલાઈ રહ્યું છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને મૃદુ અને લાગણીશીલ કહેવામાં આવે છે. જોકે, આ સંવેદનશીલ સરકારમાં પ્રતિદિવસ વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે, પરંતુ સંવેદનશીલ સરકારના માથામાં એક જૂ પણ રેકી રહી નથી. ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન 1899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તેમાં એક હજારથી વધારે તો દીકરીઓએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં માત્ર નારાઓ અને પીઆર થકી જ વિકાસ દેખાડવામાં આવતું હોય તે સ્પષ્ટ થઈ રહ્યું છે. કેમ કે એક તરફ વિકાસની ગુલાબી છબી દેખાડવામાં આવી રહી છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ અને યુવાધન આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. બેટી બચાવોનો નારો આપનારાઓ ગુજરાતની દીકરીઓને આત્મહત્યા કરતાં બચાવી શકી રહ્યાં નથી. ગુજરાતના દીકરા-દીકરીઓની આત્મહત્યાના આંકડાઓ ગુજરાત સરકારની નિષ્ફળતાઓ અને ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલની નિષ્ફળતાઓની ચાડી ખાઇ રહી છે.
ગુજરાતમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે એક અત્યંત વરવી અને કડવી વાસ્તવિકતા દેખાવવા માંડી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 1,899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ માત્ર આંકડા નથી, પરંતુ સિસ્ટમ અને સરકારની નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો છે. શિક્ષણનું સતત વધી રહેલું વ્યાપારીકરણ, વારંવાર થતા પેપર લીક, બેરોજગારી અને અસહ્ય માનસિક દબાણ આ કરુણ સ્થિતિ પાછળના મુખ્ય કારણો છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે યુવાધનને બચાવવામાં સરકારની નીતિઓ ક્યાંક વામણી તો નથી પુરવાર થઈ રહી ને?
આંકડાઓ જે વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે
મળતી માહિતી મુજબ, રાજ્યમાં વિદ્યાર્થીઓના આપઘાતના આંકડા ચોંકાવનારા છે
માત્ર વર્ષ 2024માં જ 568 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
સરેરાશ દર બે દિવસે રાજ્યમાં ત્રણ વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે.
પરીક્ષામાં નાપાસ થવાના ડરથી 108 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ આપ્યો.
રોજગારી ન મળવાની નિરાશામાં 159 યુવાનોએ આત્મહત્યાનું આક્રંદભર્યું પગલું ભર્યું.
સૌથી ગંભીર અને શરમજનક બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાત કરનારાઓમાં 1,024થી વધુ તો માત્ર દીકરીઓ છે.
પેપર લીક: સરકારની ગુનાહિત નિષ્ક્રિયતા?
દેશભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 15થી વધુ પેપર લીકની ઘટનાઓ સામે આવી છે અને ગુજરાત પણ આ દૂષણથી બાકાત નથી. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો દેવું કરીને કે પોતાની આખી જિંદગીની મૂડી વાપરીને બાળકોના શિક્ષણ અને કોચિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. પરંતુ સરકારની નબળી વ્યવસ્થાના કારણે વારંવાર પેપર લીક થાય છે, પરીક્ષાઓ મુલતવી રહે છે અને ભરતી પ્રક્રિયાઓ વર્ષો સુધી લટકી પડે છે.
અહીં સીધો સવાલ સરકારની દાનત અને નીતિઓ પર ઉઠે છે: પેપર લીક માટે જવાબદાર કેટલા મોટા માથાઓ કે અધિકારીઓને ખરેખર સજા થઈ? માત્ર નાના પ્યાદાઓને પકડીને સંતોષ માની લેતી સરકાર આ ભરતી કૌભાંડોના માસ્ટરમાઇન્ડ સુધી કેમ નથી પહોંચી શકતી? યુવાનોનો પરીક્ષા પ્રણાલી પરથી ઉઠી ગયેલો વિશ્વાસ એ સરકારની સૌથી મોટી હાર છે.
શિક્ષણનું વ્યાપારીકરણ અને સરકારની મૂકપ્રેક્ષક ભૂમિકા
આજે શિક્ષણ એક સેવા મટીને કરોડો રૂપિયાનો નફાકારક ઉદ્યોગ બની ગયું છે. સરકારની ખાનગીકરણની નીતિઓએ શિક્ષણ વ્યવસ્થાને માફિયાઓના હવાલે કરી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાનગી કોચિંગ ક્લાસીસ પરની નિર્ભરતા સતત વધી રહી છે. દર વર્ષે દેશભરમાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ (NEET) જેવી પરીક્ષા આપે છે. સ્પર્ધાના આ યુગમાં કોચિંગ સંસ્થાઓ બેફામ ફી ઉઘરાવે છે અને વિદ્યાર્થીઓ પર જીવલેણ માનસિક દબાણ ઊભું કરે છે. સરકાર આ શિક્ષણ માફિયાઓ પર નિયંત્રણ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
નક્કર કાર્યવાહીની માંગ
આ ગંભીર અને વિકટ કટોકટી અંગે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સ્પષ્ટ માંગ કરી છે કે, આ સમસ્યામાંથી બહાર આવવા માટે માત્ર કાગળ પર કાયદાઓ કે એક્ટ બનાવવા પૂરતા નથી. જમીની સ્તર પર કડક અને નક્કર એક્શન લેવાની તાતી જરૂર છે. જો સરકાર યુવાનોને રોજગાર અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા ન આપી શકે, તો તેને ‘વિકાસ મોડેલ’ કહેવાનો કોઈ અધિકાર નથી.
આ પણ વાંચો – આંદોલન સામે AK-47 : સત્તાની સૌથી ખતરનાક ભાષા
