Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T155018.968
  • ભાવનગર ઝેરી દારૂકાંડ: ભડલીમાં દોઢ મહિના પહેલા પકડાયેલી ફેક્ટરીની તપાસ ઊંડાણપૂર્વક થઈ હોત તો આજે 10 જીવ બચી ગયા હોત!
  • ભાવનગર લઠ્ઠાકાંડ: મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી કે માત્ર એક મહોરું? ‘જેબલિયા’ કોણ છે?

અભિષેક પાંડેય : ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલયુક્ત નકલી વિદેશી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 60થી વધુ લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની FIR અને કાયદાકીય કલમો દ્વારા બુટલેગરો પર શિકંજો કસવાની કાર્યવાહી શરૂ થઈ છે. જોકે, આ સમગ્ર કરૂણાંતિકા વચ્ચે હવે સૌથી ગંભીર સવાલ એ છે કે શું આ લઠ્ઠાકાંડ અચાનક બનેલી ઘટના છે કે પછી સિસ્ટમે જ આ કાંડને ખીલવા માટે પૂરતી જગ્યા આપી હતી?

સ્થાનિક સ્તરેથી બહાર આવેલી વિગતો મુજબ, ભાવનગર અને આસપાસનો વિસ્તાર લાંબા સમયથી દારૂબંધીના ધજાગરા ઉડાડતા બુટલેગરો માટે સેફ હેવન બની ગયો છે. ભૂતકાળમાં મળેલા ચોક્કસ ઇનપુટ્સ અને પકડાયેલી નકલી દારૂની ફેક્ટરીઓ બાદ પણ તેની પાછળ સુધી પહોંચવામાં આવેલી નિષ્ફળતા હવે સવાલોના ઘેરામાં છે. મગરમચ્છોને બચાવવાને બદલે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે 10થી વધારે લોકોના જીવ બચાવી શકાયા હોત.

આ સમગ્ર ઘટનામાં તંત્રની કામગીરી સામે સવાલ ઊભો કરતો સૌથી મોટો પુરાવો દોઢ મહિના જૂનો કેસ છે.

Join Our WhatsApp Group

આશરે દોઢ-બે મહિના પહેલાં Local Crime Branch (LCB)એ ભડલી ગામમાં ચાલી રહેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. નોંધનીય છે કે ભડલી ગામ આ ઝેરી દારૂકાંડના એપિસેન્ટર ગણાતા ખરકડી ગામથી માત્ર 7 કિલોમીટર અને વરતેજથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું છે.

તે સમયે પોલીસ પાસે માત્ર ભડલીની ફેક્ટરી જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાં ચાલતા નકલી દારૂના નેટવર્ક અંગે ચોક્કસ ઇનપુટ્સ હોવાની વાત સૂત્રો પાસેથી જાણવા મળી છે. પરંતુ આગળ કાર્યવાહી કરવાની જગ્યાએ ભીનું સંકેલી લેવામાં આવ્યું. કારણ કે આગળની તપાસ મોટા માથાઓની દિશામાં લઈ જવાની હતી.

અહીં એક મહત્વનો તફાવત સમજવો જરૂરી છે. ભડલીની નકલી દારૂની ફેક્ટરી પકડ્યા બાદ પોલીસની તપાસમાં બેદરકારી નહોતી. મૂળ પ્રશ્ન એ હતો કે આ કાર્યવાહી બાદ તપાસને આગળ લઈ જવાની ઇચ્છાશક્તિ અને જરૂરી મંજૂરી મળી નહોતી. પરિણામે તપાસ નાના માણસો સુધી સીમિત રહી અને મોટા માથાઓ સુધી પહોંચી શકી નહીં.

જો તે સમયે વ્યવસ્થિત અને ઊંડી તપાસ કરવામાં આવી હોત તો માત્ર ભડલી જ નહીં, પરંતુ સમધિયાણા અને બોરડી જેવા વિસ્તારોમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરીઓ પણ પકડાઈ ગઈ હોત અથવા બંધ થઈ જાત.

ભાવનગર માત્ર એક જિલ્લા પૂરતું સીમિત દારૂ બુટલેગિંગનું કેન્દ્ર નથી. અહીંથી અમરેલી અને બોટાદ જિલ્લામાં પણ સપ્લાય થાય છે. સાથે સાથે જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી દારૂ પહોંચાડવામાં આવે છે.

બોટાદ જિલ્લાના વરવાળાથી લઈને ભાવનગર વચ્ચેના રસ્તાઓ પર દરરોજ હજારો પેટી દારૂનું કટિંગ એટલે કે અનલોડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન થાય છે. ગ્રામીણ બેલ્ટમાં સસ્તો દારૂ પહોંચાડી વધુ નફો કમાવવા માટે દારૂમાં મિશ્રણ કરવામાં આવે છે. તેના માટે ભાવનગરની આસપાસ ડઝનબંધ નકલી દારૂ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે.

આ ડઝનબંધ ફેક્ટરીઓ દેખીતી રીતે ગૌતમ સોલંકી જેવા નાના બુટલેગરો ચલાવે છે, પરંતુ હકીકતમાં તેઓ માત્ર મહોરા છે. પડદા પાછળ માત્ર બે-ચાર મોટા માથાઓ આ આખી સિસ્ટમ ઓપરેટ કરી રહ્યા છે.

ભાવનગરમાં બુટલેગરોનું નેટવર્ક કેટલું ઊંડું છે તેનો અંદાજ બે વર્ષ જૂની એક કાર્યવાહી પરથી પણ લગાવી શકાય છે. આશરે બે વર્ષ પહેલાં વરતેજમાં SMCની રેડ દરમિયાન લગભગ 20 હજાર બોટલ વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસ બાદ એક PSIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ જંગી જથ્થો કુમાર નામના જાણીતા બુટલેગરનો હોવાનું જાણવા મળ્યું હતું.

આ એક કેસ નહીં, પરંતુ ભાવનગરમાં સક્રિય મોટા બુટલેગરી નેટવર્કની ઝલક હતી. કુમાર જેવા બીજા મોટા બુટલેગરો અને તેમના સંરક્ષકો આજે પણ દૈનિક ધોરણે હજારો પેટી દારૂનું કટિંગ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં કૉમ્પિટિટીવ કિંમતે દારૂ પહોંચાડવા માટે સ્થાનિક સ્તરે ઝેરી કેમિકલ અને સ્પિરિટ ભેળવીને નકલી દારૂ તૈયાર કરાવવામાં આવે છે.

ખરકડી લઠ્ઠાકાંડનો મુખ્ય બુટલેગર પોલીસના જણાવ્યા મુજબ ગૌતમ સોલંકી છે. જોકે, સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ ગૌતમ સોલંકી ત્રીજા ગ્રેડનો બુટલેગર છે. તેની જેમ ભાવનગર અને આસપાસના વિસ્તારમાં સેકડો નાના-મોટા બુટલેગરો કાર્યરત છે, જેઓ મોટા બુટલેગરો અને તેમના ગોડફાધરો માટે કામ કરે છે.

આ નેટવર્કમાં કોઈ સપ્લાય સંભાળે છે, કોઈ મિશ્રણનું કામ કરે છે, કોઈ અર્બન વિસ્તાર તો કોઈ રૂરલ વિસ્તારની જવાબદારી સંભાળે છે. એટલે ભાવનગર લઠ્ઠાકાંડને માત્ર એક બુટલેગર અથવા એક સપ્લાયર સુધી સીમિત કરીને જોવામાં આવશે તો આ સમગ્ર નેટવર્કનું સાચું ચિત્ર બહાર નહીં આવે.

ભડલીમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ ત્યારે જ આ નેટવર્કની કડીઓ સુધી પહોંચવાની તક હતી. તે સમયે તપાસને આગળ લઈ જવાઈ હોત તો આજે કદાચ આ લઠ્ઠાકાંડ ન સર્જાયો હોત.

10થી વધારે મોત અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા બાદ હવે વાત માત્ર FIR અને ધરપકડ પૂરતી નથી. ભવિષ્યમાં આવી હોનારત ટાળવા માટે ભાવનગરના ખૂણે-ખૂણે ફેલાયેલા નકલી દારૂના નેટવર્કની સંપૂર્ણ સાંકળ અને તેના સંરક્ષકોને બહાર લાવવા પડશે.

કારણ કે ભાવનગર લઠ્ઠાકાંડ માત્ર એક ઝેરી દારૂની ઘટના નથી. આ વર્ષોથી વિકસેલા એવા સિસ્ટમની ગંભીર નિષ્ફળતાનો પુરાવો છે, જેમાં નાના મોહરા પકડાતા રહ્યા, પરંતુ મોટા ખેલાડીઓ સુધી કાયદાનો હાથ પહોંચ્યો નહીં.

હવે ‘જેબલિયા’ની ચર્ચા, પણ કેમ?

લઠ્ઠાકાંડ બાદ ગ્રાઉન્ડ લેવલ પર ‘જેબલિયા’ નામની પણ ભારે ચર્ચા થઈ રહી છે. નકલી દારૂના આ સમગ્ર નેટવર્ક અને તેની પાછળની વ્યવસ્થાની તપાસમાં આ નામની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે.

આ પણ  વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડ: ઉજ્જૈનથી પહોંચેલા નકલી દારૂના તાર MPના રાજકીય પરિવાર સુધી, SP નીતેશ પાંડેયને શો-કોઝ નોટિસ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!
Next: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.