ભાવનગર/ગાંધીનગર: ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં નકલી દારૂના સેવનથી એક યુવકના મોત બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. દિલ્હીની મુલાકાતેથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધરાતે જ DGP જી.એસ. મલિક, રાજકુમાર પાંડેય, ગગનદીપ ગંભીર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ લઠ્ઠાકાંડમાં જો કોઈ પોલીસ અધિકારીની કોઈપણ પ્રકારની સંડોવણી સામે આવે તો તેમની સામે પણ FIR કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસને નકલી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા તમામ લોકો સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરવા સૂચના આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં દારૂનું સેવન કર્યા બાદ છ લોકોની તબિયત અચાનક લથડી હતી. ઘટનાની જાણ થતાં તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 29 વર્ષીય ઉપેન્દ્રસિંહ ગોહિલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. અન્ય પાંચ લોકો હાલ સારવાર હેઠળ છે અને તબીબોના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ સામાન્ય તથા નિયંત્રણ હેઠળ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તમામ અસરગ્રસ્તોએ સ્થાનિક બૂટલેગર પાસેથી ખરીદેલો દારૂ પીધો હતો. તપાસ દરમિયાન ગૌતમ સોલંકી નામના બૂટલેગર દ્વારા મધ્ય પ્રદેશથી ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલોમાં ડુપ્લિકેટ દારૂ ભરીને વેચવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.
પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત ચારથી પાંચ શંકાસ્પદ બૂટલેગરોને અટકાયતમાં લીધા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન નકલી દારૂનો મોટો જથ્થો, અંદાજે 90 ટકા જેટલો જથ્થો હોવાનું કહેવાય છે, જપ્ત કરવામાં આવ્યો છે.
દરમિયાન, પોલીસ અધિકારીઓના ગ્રુપમાં નકલી દારૂ અંગેનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. ફોટોમાં ‘રોયલ સ્ટેગ’ની બોટલ સાથે અધિકારીઓને પોતાના-પોતાના વિસ્તારમાં આ પ્રકારના નકલી દારૂની શોધખોળ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ દારૂનો જથ્થો મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી આવ્યો હોવાની આશંકા છે.
જપ્ત કરાયેલા દારૂના સેમ્પલ વૈજ્ઞાનિક તપાસ અને FSL માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ બાદ દારૂમાં કયા પ્રકારના ઝેરી અથવા હાનિકારક તત્ત્વો હતા અને યુવકના મોતનું ચોક્કસ કારણ શું છે, તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
ભાવનગર જિલ્લા પોલીસ વડાએ જાહેર જનતાને અપીલ કરી છે કે, છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન જો કોઈ વ્યક્તિએ આ બૂટલેગર પાસેથી દારૂ ખરીદીને તેનું સેવન કર્યું હોય તો કોઈપણ જાતનો ભય રાખ્યા વિના તાત્કાલિક નજીકના તબીબ અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી તપાસ કરાવે.
તપાસનો મુખ્ય મુદ્દો એ પણ રહેશે કે નકલી દારૂનો જથ્થો ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો અને આ સમગ્ર નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો છે તથા તેમાં કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે નહીં.
