રાજ્યના નાણાકીય સ્વાસ્થ્યનું દર્પણ ગણાતો Comptroller and Auditor General of India (CAG) નો તાજો અહેવાલ એક વાત સ્પષ્ટ કરે છે કે ગુજરાત હવે માત્ર “વિકાસ”ના નારા પર આગળ નથી વધી શકતું. આ અહેવાલમાં છુપાયેલા આંકડા સરકારની આર્થિક વ્યવસ્થાપન ક્ષમતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. મહેસૂલી પુરાંતમાં 43.41%નો ધસમસતો ઘટાડો માત્ર આંકડાકીય ફેરફાર નથી, તે સીધી રીતે સૂચવે છે કે રાજ્યની આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન તૂટી રહ્યું છે.
એક બાજુ સરકાર વિકાસના દાવા કરે છે, તો બીજી બાજુ હકીકત એ છે કે આવક ઘટી રહી છે અને ખર્ચ બેફામ વધી રહ્યો છે. 10,326 કરોડનો વધારાનો ખર્ચ અને 4,208 કરોડની આવકમાં ઘટાડો એ કોઈ સામાન્ય આર્થિક પરિસ્થિતિ નથી, પરંતુ નાણાકીય શિસ્તના અભાવનું પ્રતિબિંબ છે. આ સ્થિતિમાં મહેસૂલી પુરાંત ઘટવી અનિવાર્ય છે, પરંતુ સવાલ એ છે કે શું આ પરિસ્થિતિ ટાળી શકાય તેવી નહોતી?
ગુજરાતનું અર્થતંત્ર 26.72 લાખ કરોડ સુધી પહોંચ્યું છે અને માથાદીઠ આવક પણ ઊંચી છે, પરંતુ આ ચમકતા આંકડાઓ પાછળનું વાસ્તવિક ચિત્ર વધુ અસ્વસ્થ કરનારું છે. જો રાજ્યની આવક જ મજબૂત નહીં રહે, તો આ વિકાસ કેટલો ટકાઉ રહેશે? આ પ્રશ્ન હવે અવગણવાની સ્થિતિમાં નથી.
દેવાના મુદ્દે સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ સુધી પહોંચવું અને સતત વધતું રહેવું એ દર્શાવે છે કે રાજ્ય વિકાસ માટે પોતાની આવક પર નહીં પરંતુ ઋણ પર વધુ આધારિત બની રહ્યું છે. વધુ ચિંતાજનક વાત એ છે કે મહેસૂલી આવકનો 12.82% હિસ્સો માત્ર વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ રહ્યો છે. એટલે કે, સરકાર કમાય છે વિકાસ માટે નહીં, પરંતુ જૂના દેવા ભરવા માટે. આ કોઈ પણ મજબૂત અર્થતંત્રની નિશાની નથી.
વહીવટી સ્તરે સામે આવેલી ખામીઓ તો વધુ ગંભીર ચિત્ર રજૂ કરે છે. વર્ષો સુધી હજારો કરોડ રૂપિયાના વપરાશ પ્રમાણપત્રો બાકી રહેવું અને વધારાની ચુકવણીઓનું નિયમિતકરણ ન થવું એ માત્ર લાપરવાહી નહીં, પરંતુ પ્રણાલીમાં રહેલા ગેરવ્યવસ્થિતતાનું દર્પણ છે. જ્યારે ખર્ચનો હિસાબ જ સ્પષ્ટ ન હોય, ત્યારે વિકાસના દાવાઓ કેટલી હદ સુધી વિશ્વસનીય ગણાય?
સામાજિક ક્ષેત્રમાં પણ આ વિકાસનો અસમતોલ ચહેરો દેખાય છે. સાક્ષરતા અને આરોગ્યમાં સુધારો હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં માત્ર 904નો આંકડો એ દર્શાવે છે કે વિકાસનો લાભ સમાન રીતે વહેંચાયો નથી. આર્થિક પ્રગતિ સાથે સામાજિક સમતોલન ન હોય, તો તે વિકાસ નહીં પરંતુ અસમાનતાનો વિસ્તારો છે.
ઝડપી શહેરીકરણને ઘણીવાર વિકાસનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જ્યારે અડધીથી વધુ વસ્તી શહેરોમાં વસે છે, ત્યારે તે માળખાકીય દબાણ, અસમાનતા અને સંસાધનો પર વધતા ભારની પણ સૂચના આપે છે. યોગ્ય આયોજન વિના આ શહેરીકરણ ભવિષ્યમાં ગંભીર સંકટનું કારણ બની શકે છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે રાજ્ય સરકાર આ ચેતવણીને કેટલી ગંભીરતાથી લે છે. વધતો ખર્ચ, ઘટતી આવક અને વધતો દેવાનો ભાર એ ત્રિપુટિ છે, જે કોઈપણ અર્થતંત્રને લાંબા ગાળે નબળું બનાવે છે. જો આવકના નવા સ્ત્રોત ઊભા નહીં થાય અને ખર્ચ પર કડક નિયંત્રણ નહીં આવે, તો વિકાસના પ્રોજેક્ટ્સ માટે નાણાં મેળવવા વધુ દેવું જ એકમાત્ર વિકલ્પ રહી જશે.
ગુજરાત આજે એક એવા મુકામે ઊભું છે જ્યાં ‘મોડેલ’ અને ‘વાસ્તવિકતા’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાવા લાગ્યો છે. હવે પ્રશ્ન માત્ર વૃદ્ધિનો નથી, પરંતુ તેની ગુણવત્તા, પારદર્શિતા અને ટકાઉપણાનો છે.
જો સમયસર દિશા બદલવામાં નહીં આવે, તો આજના આંકડા આવતીકાલના સંકટનું સ્વરૂપ લઈ શકે છે. ગુજરાત માટે આ અહેવાલ માત્ર દસ્તાવેજ નથી, પરંતુ એક કડક ચેતવણી છે કે હવે નીતિગત ઢીળાશ માટે કોઈ જગ્યા બચી નથી.
અભિષેક પાંડેય
સંપાદક, ગુજરાત એક્સક્લૂસિવ
આ પણ વાંચો –સમાન કાયદો કે સમાન સંવેદના? ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની અસલી કસોટી
