ગાંધીનગર: ગુજરાત સરકારે ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત આપી છે. હવે જમીનના આંતરિક વ્યવહારો, વારસાઈ અને હક્ક કમી જેવા કામો માટે અત્યાર સુધી લાગતી લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીને બદલે માત્ર ₹300ની ટોકન ડ્યુટી જ વસૂલવામાં આવશે.
મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કિસાન સંઘો અને સામાજિક અગ્રણીઓએ લાંબા સમયથી આ મુદ્દે રજૂઆત કરી હતી. તેને પગલે સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ આ મોટી છૂટ જાહેર કરી છે.
હવે કયા કિસ્સાઓમાં માત્ર ₹300 ડ્યુટી લાગશે?
સંયુક્ત ખાતેદારોમાંથી કોઈ એક અથવા વધુ વારસદારોના નામે હક્ક જતો (હક્ક કમી) કરવામાં આવે ત્યારે.
મૂળ ખાતેદારના સીધી લીટીના વારસદારો (પુત્ર, પુત્રી વગેરે)ના નામ દાખલ કરવા હોય ત્યારે.
જો સીધી લીટીના વારસદારો હયાત ન હોય તો આડી લીટીના વારસદારો (ભાઈ-બહેન કે તેમના સંતાનો)ના નામ દાખલ કરવા માટે પણ.
સમયક્રમ મુજબ થયેલી વારસાઈ નોંધ બાદ સંયુક્ત ખાતેદારો વચ્ચે જમીન વહેંચણી કરવા માટે.
આ નિર્ણયના ફાયદા
ખેડૂતોને લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો બોજ નહીં પડે.
કૌટુંબિક જમીનના વ્યવહારો હવે સરળતાથી દસ્તાવેજી બનશે.
બિન-દસ્તાવેજી વ્યવહારો ઘટશે, જેનાથી ભવિષ્યમાં કોર્ટ-કચેરી અને વિવાદોમાં મોટો ઘટાડો થશે.
પરિવારમાં મિલકત વહેંચણી સરળ બનતાં કૌટુંબિક ઝઘડા ઓછા થશે.
આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની સાથે જમીન મહેસૂલ પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવશે. અત્યાર સુધી સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાને કારણે ઘણા વ્યવહારો કાચા કાગળ પર અથવા બિન-દસ્તાવેજી રહેતા હતા. હવે તે સરળતાથી કાયદેસર બની શકશે.રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખરેખર રાહતજનક છે અને તેમના લાંબા સમયની માંગને પૂર્ણ કરે છે.
આ પણ વાંચો – ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર : 34 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, 20થી વધુ નાયબ મામલતદારોને બઢતી
