નવી દિલ્હી : દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલી ‘ફ્લોરિશ સ્ટે’ (Flourish Stay) નામની હોટલમાં ભીષણ આગ લાગવાથી 21 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં મોટાભાગના વિદેશી નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે, જેઓ સેન્ટ્રલ એશિયા અને આફ્રિકન દેશોમાંથી આવ્યા હતા. જોકે, કેટલા વિદેશી નાગરિકોએ જીવ ગુમાવ્યો છે, તેની ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી શકી નથી.
દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માલવીય નગરમાં આવેલી આ હોટલના રેસ્ટોરન્ટમાં સવારે 8.50 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તે ઉપરના માળે આવેલા હોટલના રૂમ તેમજ બેઝમેન્ટ (ભોંયરા) સુધી પહોંચી ગઈ હતી.
જીવ બચાવવા લોકોએ લગાવી છલાંગ, 40 લોકોનું રેસ્ક્યુ
આ હચમચાવી દેનારી ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા સળગતી ઈમારતના ત્રીજા-ચોથા માળેથી નીચે કૂદતા જોવા મળી રહ્યા છે. આ લોકોને બચાવવા માટે સ્થાનિકોએ તાત્કાલિક જમીન પર ગાદલા પણ પાથરી દીધા હતા.
ફાયર બ્રિગેડ અને બચાવ ટીમે ભારે જહેમત બાદ કુલ 40 લોકોનું રેસ્ક્યુ કર્યું છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. દિલ્હીની આ હોટલમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનામાં દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં 66 લોકોના મોત થઈ ચૂક્યા છે.
મેક્સ અને AIIMS ના દર્દીઓના સગાઓ અહીં રોકાતા હતા
આગ 6 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા B-N-B રેસ્ટોરન્ટમાં લાગી હતી અને થોડી જ વારમાં તે હોટલના ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. આ હોટલ દિલ્હીના પ્રેસ એન્ક્લેવ રોડ પર આવેલી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં પ્રખ્યાત મેક્સ હોસ્પિટલ અને એઈમ્સ (AIIMS) આવેલી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓના સગાસંબંધીઓ પણ મોટાભાગે આ જ હોટલમાં રોકાતા હતા.
નિયમોનો સરેઆમ ઉલાળિયો: 6 રૂમની પરમિશન, પણ 25 રૂમ બનાવ્યા હતા
તપાસમાં હોટલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે
‘ફ્લોરિશ સ્ટે’ ગેસ્ટહાઉસને ‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ કોન્સેપ્ટ હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત તેમને માત્ર 6 રૂમ ચલાવવાની જ પરવાનગી હતી, પરંતુ ગેરકાયદેસર રીતે અહીં 25 રૂમ બનાવવામાં આવ્યા હતા.
આગ લાગ્યા બાદ હોટલના રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં પણ ઘણા લોકો ફસાયા હતા. બેઝમેન્ટમાં અંદર જવા અને બહાર નીકળવાનો રસ્તો માત્ર એક જ હતો, જે ખૂબ જ સાંકડો હતો.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે હોટલ પાસે ફાયર NOC (No Objection Certificate) પણ ન હતું અને આખા બિલ્ડિંગમાં આવવા-જવા માટે એક જ સાંકડો રસ્તો હતો.
આ પણ વાંચો – વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે
