દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અતિભારે વરસાદ સાથે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના પરિણામે વલસાડ જિલ્લાના ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર માટીનું ધોવાણ (બ્રિજ/બેંક સ્લાઈડિંગ) થતાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો મહત્વપૂર્ણ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
વલસાડમાં આભ ફાટ્યું: ક્યાં કેટલો વરસાદ?
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ
કપરાડા: સૌથી વધુ 15.63 ઈંચ (397 મિમી)
નાનાપોંઢા: 11 ઈંચ
પારડી: 9.37 ઈંચ
વલસાડ શહેર: 8.31 ઈંચ
આ ઉપરાંત, હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે સુરતના પલસાણામાં પણ સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
રેલવે વ્યવહારને ભારે અસર: 5 ટ્રેનો રદ્દ અને કેટલીક શોર્ટ ટર્મિનેટ
પશ્ચિમ રેલવે દ્વારા ઉદવાડા-પારડી વચ્ચે ધોવાઈ ગયેલા માર્ગને પુનઃ શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને અમુકને સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે.
#WATCH | Gujarat | Waterlogging witnessed in Valsad as rainfall lashes various parts of the city. pic.twitter.com/cwBPlEr5GI
— ANI (@ANI) July 22, 2026
સંપૂર્ણ રદ્દ કરાયેલી ટ્રેનો
ઉમરગામ-વલસાડ મેમુ (69153)
વલસાડ-ઉમરગામ રોડ મેમુ (69154)
શોર્ટ ટર્મિનેટ કરાયેલી (અડધે રોકી દેવાયેલી) ટ્રેનો:
કર્ણાવતી એક્સપ્રેસ (12934): અમદાવાદથી ઉપડી માત્ર વલસાડ સુધી જ ચાલશે.
ડબલ ડેકર એક્સપ્રેસ (12932): અમદાવાદથી ઉપડી માત્ર નવસારી સુધી જ ચાલશે.
સાયજીનગરી એક્સપ્રેસ (20908): ભુજથી ઉપડી માત્ર સુરત સુધી જ ચાલશે.
અજમેર-બાંદ્રા ટર્મિનસ SF (12996): અજમેરથી ઉપડી માત્ર વલસાડ સુધી જ ચાલશે.
અન્ય ટ્રેનો: બોરીવલી-વલસાડ મેમુ માત્ર વાપી સુધી અને વડોદરા-દહાણુ રોડ ટ્રેન માત્ર બિલીમોરા સુધી જ ચાલશે.
શોર્ટ ઓરિજિનેટ (અડધેથી શરૂ થનારી) ટ્રેનો
બાંદ્રા-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (12933): બાંદ્રાને બદલે વલસાડથી (16:20 વાગ્યે) ઉપડશે.
મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર (12931): મુંબઈને બદલે નવસારીથી (17:20 વાગ્યે) ઉપડશે.
દાદર-ભુજ સાયજીનગરી એક્સપ્રેસ (20907): દાદરને બદલે સુરતથી (19:35 વાગ્યે) ઉપડશે.
બાંદ્રા-અજમેર SF (12995): બાંદ્રાને બદલે વલસાડથી (20:15 વાગ્યે) ઉપડશે.
રેલવે પ્રશાસને તમામ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા નેશનલ ટ્રેન રનિંગ સ્ટેટસ (NTES) એપ અથવા ‘139’ હેલ્પલાઈન નંબર પર પોતાની ટ્રેનની વર્તમાન સ્થિતિ અવશ્ય ચકાસી લે.
VIDEO | Valsad, Gujarat: A private bus was stuck on a flooded road in Vapi. Passengers were later safely rescued.#Valsad #Vapi
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/0dhxIoEcQB
— Press Trust of India (@PTI_News) July 22, 2026
ગુજરાતમાં ક્યાં ક્યાં છે એલર્ટ?
હવામાન વિભાગની નાઉકાસ્ટ (Nowcast) સિસ્ટમ હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયા છે:
રેડ એલર્ટ: સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં (અતિ ભારે વરસાદની આગાહી).
ઓરેન્જ એલર્ટ (12 જિલ્લાઓ): સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વહીવટી તંત્ર બાદ હવે પોલીસ વિભાગમાં 48 PSI ની સીધી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બદલી
