- પોલીસ સ્ટેશનની આસપાસ જ ડ્રગ્સના અડ્ડા! આખરે કોના આશીર્વાદથી ધમધમે છે અમદાવાદનું નેટવર્ક?
- શહેરના ડ્રગ્સ નેટવર્કનું સૌથી નબળું કડી કોણ? વહીવટ અને મેદાની હકીકતો વચ્ચેનો વિરોધાભાસ
અભિષેક પાંડેય, અમદાવાદ : ગુજરાત એક્સક્લૂસિવની ડ્રગ્સ નેટવર્ક પરની વિશેષ તપાસ શ્રેણીના અગાઉના ૯ ભાગમાં આપણે અમદાવાદમાં વેચાતા ડ્રગ્સ, તેના ગ્રાહકો, હની મોડેલ અને તેના મુખ્ય ભૌગોલિક ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. હવે આ શ્રેણીના દસમા અને સૌથી મહત્વપૂર્ણ ભાગમાં આપણે એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીશું, જેના વિના આ સમગ્ર તપાસ અધૂરી છે. “ડ્રગ્સ નેટવર્કમાં અમદાવાદ પોલીસની ભૂમિકા શું છે?”
શું પોલીસ આ રાક્ષસી નેટવર્ક સામે સંપૂર્ણ ઈમાનદારીથી કાર્યવાહી કરી રહી છે કે પછી પડદા પાછળ ડ્રગ્સ માફિયાઓ સાથે કોઈ સાંઠગાંઠ ચાલી રહી છે?
આ તપાસની શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી દેવી જરૂરી છે કે અમદાવાદ અથવા ગુજરાત પોલીસ એટલી સક્ષમ અને કાબેલ છે કે જો તે સંપૂર્ણ કડકાઈ સાથે કામગીરી કરે, તો આખા શહેરમાં એક ગ્રામ ડ્રગ્સની હેરાફેરી પણ અશક્ય બની શકે. તેમની ક્ષમતા કે બહાદુરી અંગે કોઈને પણ શંકા હોઈ શકે નહીં. પરંતુ આ સત્યની સમાંતર એક બીજી કડવી વાસ્તવિકતા પણ છે કે ઉપલબ્ધ સંજોગો અને પુરાવાઓના આધારે આ કાળા કારોબારમાં પોલીસના કેટલાક તત્વોની ભૂમિકા ચોક્કસપણે શંકાસ્પદ રહી છે.
ભલે આ દૂષણ મોટા પાયે ન હોય અને માત્ર મર્યાદિત સ્તર સુધી જ સીમિત હોય, પરંતુ આખું સંગઠન બદનામ થાય તે માટે થોડાક જ જવાબદાર તત્વો પૂરતા હોય છે. અમદાવાદ પોલીસના ૧૩ થી ૧૫ હજારના વિશાળ મહેકમમાં જો ૨૫ થી ૫૦ જેટલા કર્મચારીઓ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોય અથવા આંખ આડા કાન કરતા હોય, તો તેને અપવાદ કહી શકાય. પરંતુ ડ્રગ્સના આ ઘાતક ધંધામાં એ ૨૫-૫૦ કર્મચારીઓની ઢીલી નીતિ જ આખા શહેરના યુવાધનને તબાહ કરવા માટે પૂરતી છે. આ કોઈ રાજકીય નિવેદન નથી, પરંતુ એક વાસ્તવિક ચિત્ર છે કે જ્યાં સુધી પોલીસ વિભાગમાં આ મામલે સંપૂર્ણ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં નહીં મૂકાય, ત્યાં સુધી નશાના આ દળદલને રોકવું મુશ્કેલ રહેશે.
ભૂતકાળમાં આવા બે-ત્રણ કિસ્સાઓ સત્તાવાર રીતે ઓન-રેકોર્ડ આવી ચૂક્યા છે, જેમાં પોલીસ કર્મચારીઓની સંડોવણીના પુરાવા સામે આવ્યા હતા. તેથી તે જૂના કેસોની અહીં ફરી ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ નથી. પરંતુ વર્તમાન સંજોગો અને ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ પર નજર કરીએ તો કાયદાના રક્ષકો અને ગુનેગારો વચ્ચેના મેળાપીપણાના અનેક ચોંકાવનારા ઉદાહરણો સામે આવે છે.
સૌથી પહેલાં બાપુનગર વિસ્તારની વાત કરીએ. બાપુનગરના મુર્ગી ફાર્મ રોડ પર આવેલી હસન શહીદ દરગાહની સામે જ શરીફાની દીકરી અને અન્ય સ્થાનિક પેડલર્સ દ્વારા એમડીએમએ (MDMA) અને ગાંજા જેવા નશાકારક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થળની સામે જ રોડ પર પોલીસની ગાડીઓ અથવા કર્મચારીઓ રોજ હાજર રહેતા હોય છે અને ત્યાંથી માંડ ૧૦૦ મીટરના અંતરે એસીપી (ACP) એચ-ડિવિઝનની મુખ્ય કચેરી આવેલી છે.
આ જ દરગાહની પાછળ ગરીબનગર તરફ જતી ગલીમાં મજ્જો નામની મહિલા સપ્લાયર રહેતી હોવાનું જણાવવામાં આવે છે, જે લેન્ડી અને અન્ય સ્થાનિક યુવકો મારફતે શહેરમાં ડ્રગ્સની હોમ ડિલિવરી કરાવતી હોવાનો દાવો છે. તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્રને ત્યાં કશું જ શંકાસ્પદ જણાતું નથી.
ઉલ્લેખનીય છે કે આ જ મજ્જોના પેડલર્સના એક સ્ટિંગ ઓપરેશન બાદ હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. કોર્ટમાં રજૂ કરાયેલા સ્ટિંગ વીડિયોમાં ડ્રગ્સની ડિલિવરી દરમિયાન બેકગ્રાઉન્ડમાં એક શખ્સ બેઠેલો સ્પષ્ટ દેખાતો હતો. સામાન્ય લોકોનું કદાચ તેના પર ધ્યાન ગયું ન હોય, પરંતુ આંતરિક જાણકારોના જણાવ્યા મુજબ તે શખ્સ બાપુનગર પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી દિનેશ ઝાલા હતો.
બાપુનગરની આ કાળી વાસ્તવિકતા અહીં જ અટકતી નથી. હાલ બાપુનગર વિસ્તારની સૌથી મોટી ડિસ્ટ્રીબ્યુટર ગણાતી ફમ્મો ઉર્ફે ફરઝાના અન્સારી સુંદરમ નગરથી પોતાનું સમગ્ર નેટવર્ક સંચાલિત કરતી હોવાનું કહેવાય છે, જેમાં તેની પુત્રી કાયનાત અને તેનો જમાઈ બપ્પી સક્રિય રીતે સપ્લાય ચેઇન સંભાળે છે.
આ સમગ્ર નેટવર્કની સૌથી મોટી વિડંબના એ છે કે બપ્પી એક તરફ કાયનાત સાથે મળીને એમડીએમએ (MDMA) નો ધંધો ચલાવતો હોવાનું કહેવાય છે, તો બીજી તરફ તે બાપુનગરનો જાણીતો ઇંગ્લિશ દારૂનો બુટલેગર પણ છે. હવે જે કથિત સ્થાનિક વહીવટદારે તેને બાપુનગરમાં દારૂનો અડ્ડો ચલાવવાની ‘પરમિશન’ અથવા કથિત પ્રોટેક્શન આપ્યું હોય, તેને તેના જ ઘરમાં ચાલતા કરોડોના ડ્રગ્સના ધંધાની જાણ ન હોય, તેવું માનવું કાયદાની દૃષ્ટિએ ભારે નાસમજી અથવા અતિશય માસૂમિયત ગણાશે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે બપ્પી કુખ્યાત બુટલેગર સલમા અને નઝીરનો પુત્ર છે. નઝીર વર્ષ ૨૦૦૯ના ગોઝારા લઠ્ઠાકાંડના કેસમાં જેલ જઈ ચૂક્યો છે.
આ જ પ્રકારના આક્ષેપો ગોમતીપુર વિસ્તાર અંગે પણ અગાઉ સામે આવ્યા હતા. ત્યાં કફ સિરપ સહિત અન્ય કેમિકલ નશાનો ગોરખધંધો ચલાવવા માટે અકરમ મશીનવાલા નામનો શખ્સ કથિત પરમિશન આપતો હોવાનું કહેવાય છે, જે વાસ્તવિકતામાં ગોમતીપુર પોલીસના કથિત વહીવટદાર રાજુ દેસાઈનો માણસ હોવાનું સ્ત્રોતો જણાવે છે. જ્યારે કોઈ પોલીસ સ્ટેશનનો કથિત વહીવટદાર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અનુકૂળતા કરી આપતો હોય અને તેની સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને સહેજ પણ જાણ ન હોય, તેવું માનવું મુશ્કેલ છે.
આ સિવાય મણિનગર પૂર્વ અને પશ્ચિમને જોડતા ખોખરા બ્રિજની નીચે ડ્રગ્સની ખરીદ-વેચાણ અને હેરાફેરી સતત ચાલતી હોવાનું કહેવાય છે, જ્યાં પૂર્વ વિસ્તારમાંથી આવતું ડ્રગ્સ પશ્ચિમના પેડલર્સ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે બ્રિજની નજીક જ પોલીસની PCR વાન સામાન્ય રીતે તૈનાત રહેતી હોય છે.
નારોલની આકૃતિ ટાઉનશિપ અને રંગોળીનગર વિસ્તાર પણ એમડીએમએના ખરીદ-વેચાણના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા હોવાનું સ્થાનિક સૂત્રો જણાવે છે. આકૃતિ ટાઉનશિપ નજીક એમડીએમએ સપ્લાય કરતા લોકો અગાઉથી દેશી દારૂના સ્ટેન્ડ પણ ચલાવે છે. આ જ રીતે ચંડોળા તળાવ પાસે આવેલી સૂર્યનગર પોલીસ ચોકીની આસપાસના રસ્તાઓ પર પણ ખુલ્લેઆમ MDMAની ખરીદી કરી શકો છો.
પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં પણ ચોંકાવનારી સ્થિતિ જોવા મળે છે, જ્યાં લે મેરીડિયન હોટેલ સામે રામદેવનગર રોડ પર ખુલ્લેઆમ એમડીએમએનું વેચાણ થતું હોવાનું જણાવાય છે. આ સ્થળ સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી માંડ થોડાક મીટરના અંતરે આવેલું છે.
શહેરના શૈક્ષણિક ઝોનમાં કોમર્સ છ રસ્તા પાસે AG પોલીસ ચોકી આવેલી છે અને દાદાસાહેબના પગલાના ખૂણે ટ્રાફિક પોલીસનો બૂથ પણ છે. આટલી સુરક્ષા વચ્ચે પણ આસપાસના વિસ્તારમાં અને હોલીવુડ બસ્તી નજીક વિદ્યાર્થીઓને સૌથી વધુ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું કહેવામાં આવે છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં ડ્રાઇવ-ઇન રોડથી લઈને સંજીવની હોસ્પિટલ સુધીના વિસ્તારમાં સાંજ પડતાં જ બંધાણીઓને વિવિધ પ્રકારનો નશો સરળતાથી ઉપલબ્ધ થઈ જતો હોવાનું સ્થાનિકો કહે છે. હદ તો એ છે કે માલ પહોંચાડતા કેટલાક કેરિયર્સ ગ્રાહકોને કહેતા હોવાનું જણાવાય છે કે, “કોઈ પણ ડર વગર માલ લો, અહીં પોલીસ હું જ છું!”
આ પ્રકારની નીડરતા ક્યાંથી આવે છે, તે પોતે જ એક મોટો પ્રશ્ન છે.
શહેરના અનેક વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂના જૂના બુટલેગરો હવે પોતાના સ્ટેન્ડની સાથે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક પણ ચલાવતા થઈ ગયા છે. જે વહીવટદારો દારૂના સ્ટેન્ડ માટે કથિત વ્યવસ્થા ગોઠવતા હોય, તેમને આ ડ્રગ્સ નેટવર્કની જાણ ન હોય તેવું માનવું મુશ્કેલ છે.
વિશેષ કરીને નાના પોલીસ સ્ટેશનોની સ્થિતિ વધુ ચિંતાજનક હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટા પોલીસ સ્ટેશનો જેટલી આવક ઊભી કરવાના લાલચમાં કેટલાક નાના સ્ટેશનોના કથિત વહીવટદારો જાણે-જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ અસ્તિત્વમાં હોય, તો સ્થાનિક PI તેનાથી સંપૂર્ણ અજાણ હોય, તે વાત સહેલાઈથી ગળે ઉતરે તેવી નથી.
