અમદાવાદ: ગુજરાત પોલીસ દળમાં લાંબા સમયથી તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) ની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત આવતીકાલે, ૨૩મી ઑગસ્ટ ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં ૨૫ હજાર જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કરી લીધા છે.
પરીક્ષાનું સંપૂર્ણ સમયપત્રક
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર: સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ (૨૦૦ MCQ)
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ): સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ (૨૧૦ MCQ)
હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧): બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી (૨૧૦ MCQ)
ક્વોલિફાયિંગ માર્ક્સ અને નેગેટિવ માર્કિંગનો નિયમ
ભરતી બોર્ડના નિયમો અનુસાર, ઉમેદવારોએ આ પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે Part-A અને Part-B બંને વિભાગોમાં અલગ-અલગ ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા જરૂરી રહેશે. પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબ માટે ૧ ગુણ આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ (માઇનસ પદ્ધતિ) અમલમાં રહેશે.
લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને ટેક્નોલોજીનો ઉપયોગ
પરીક્ષા સંપૂર્ણ પારદર્શક અને ગેરરીતિ મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીનો સહારો લેવાયો છે.
AI અને ટ્રેકિંગ: ગેરરીતિ અટકાવવા માટે ‘Facial Recognition Technology’ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરાશે. પરીક્ષા સાહિત્ય લઈ જતાં તમામ વાહનોને GPS થી ટ્રેક કરીને કરાઈ સ્થિત રાજ્ય ભરતી કંટ્રોલરૂમથી તેનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે.
કર્મચારીઓનું તૈનાતી: સુરક્ષા માટે ૧૧૦૦થી વધુ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને ૧૫૦૦ જેટલા શિક્ષણ વિભાગના કર્મચારીઓ કામગીરીમાં જોડાશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર PI કક્ષાના અધિકારી ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે તૈનાત રહેશે.
ઉચ્ચ કક્ષાનું સુપરવિઝન: સમગ્ર પરીક્ષાનું સંચાલન પોલીસ કમિશનર, અમદાવાદના સીધા સુપરવિઝન હેઠળ અને DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં થશે.
ભરતી બોર્ડ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે જે ઉમેદવારોને કોલલેટર ડાઉનલોડ કરવાના બાકી હોય તેઓ સત્વરે તેને ડાઉનલોડ કરી લે અને પરીક્ષાના દિવસે નિર્ધારિત સમય પહેલાં પોતાના કેન્દ્ર પર પહોંચી જાય.
