ગાંધીનગર/પાલનપુર : ગુજરાતમાં સરકારી કામો અને માલસામાનના વેચાણના નામે માત્ર કાગળ પર ઈનવોઈસ બનાવીને સરકારને કરોડોનો ચૂનો ચોપડતા એક અત્યંત સુનિયોજિત આંતર-જિલ્લા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પાલનપુરમાં ગ્રામ પંચાયતોમાં ચાલતા બોગસ બિલિંગ કૌભાંડ અંગે હજું તો અરજી થઈ છે, ત્યાં જ ગુજરાત સ્ટેટ GST વિભાગે રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન હાથ ધરીને ૧૧ જેટલી શંકાસ્પદ અને બોગસ પેઢીઓ ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં જ અધધ… રૂ. ૭૯.૪૫ કરોડથી વધુની ટેક્સ ચોરી પકડાઈ જતા ભ્રષ્ટાચારીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.
કેવી રીતે ફૂટ્યો ભાંડો? ‘અનમોલ’ થી થઈ હતી શરૂઆત
આ સમગ્ર કૌભાંડની કડીઓ બનાસકાંઠાથી શરૂ થાય છે. જાગૃત નાગરિકની અરજી દ્વારા પાલનપુરમાં માત્ર કાગળ પર ચાલતી ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નામની પેઢીનો પર્દાફાશ થયો હતો. દુકાન નં. ૧૧, ગોપાલ પ્લાઝા, પાલનપુરના સરનામે નોંધાયેલી આ પેઢીએ ૩ વર્ષથી રિટર્ન ભર્યા ન હોવા છતાં ઘાણધા (Ghanadha) ગ્રામ પંચાયત સહિતના સરકારી કામોમાં લાખોના બોગસ ‘ટેક્સ ઈનવોઈસ’ પધરાવી દીધા હતા. આ સ્થાનિક ભ્રષ્ટાચારની તપાસ આગળ વધે તે પહેલાં જ GST વિભાગના રાજ્યવ્યાપી દરોડામાં કરોડોની કરચોરીનો પર્દાફાશ થયો છે.
સ્ટેટ GST નું મેગા ઓપરેશન: ૭૯.૪૫ કરોડની કરચોરી
સ્ટેટ GST વિભાગની ટીમોએ વાસ્તવિક માલસામાનની કોઈ જ હેરફેર વિના માત્ર કાગળ પર જ બીલો બનાવીને ધૂમ મચાવતી ૧૧ પેઢીઓ પર તવાઈ બોલાવી છે. દસ્તાવેજી પુરાવાઓના આધારે અત્યાર સુધીમાં રૂ. ૭૯.૪૫ કરોડથી વધુની વેરાકીય જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. આ પેઢીઓ સરકારની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સિસ્ટમનો ગેરલાભ ઉઠાવીને તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી રહી હતી.
મુખ્ય સૂત્રધાર અજય શાહની ધરપકડ
આ મેગા ઓપરેશનમાં સૌથી મોટી સફળતા મુખ્ય માસ્ટરમાઈન્ડની ધરપકડથી મળી છે. GST ની વિશેષ ટીમે તપાસ દરમિયાન મેસર્સ નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી ધરાવતા અજયકુમાર સત્યનારાયણ શાહ ની સીધી સંડોવણી શોધી કાઢી છે. અજય શાહે નકલી ખરીદીના બોગસ બિલ દર્શાવીને ગેરકાયદેસર રીતે રૂ. ૨૧.૪૯ કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધી હોવાનું સાબિત થતાં તેની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફોરેન્સિક તપાસમાં ખુલશે વધુ મોટા માથાઓના નામ!
દરોડા દરમિયાન GST અધિકારીઓએ આ શંકાસ્પદ પેઢીઓમાંથી હિસાબી ચોપડા, કમ્પ્યુટર હાર્ડડ્રાઇવ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. હાલમાં ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા આ હાર્ડડ્રાઈવ અને ડેટાનું ઊંડાણપૂર્વક એનાલિસિસ ચાલી રહ્યું છે. તપાસ એજન્સીઓના સૂત્રોનું માનીએ તો, આ ડેટામાંથી પંચાયતોના સરપંચો, તલાટીઓ, સરકારી બાબુઓ અને અન્ય વચેટિયાઓના નામ પણ બહાર આવી શકે છે, જે ટેક્સ ચોરીનો આંકડો હજુ પણ ઘણો મોટો કરી શકે છે.
આ પણ વાંચો – ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નું મોટું કૌભાંડ : સ્થળ પર દુકાન નથી, છતાંય પંચાયતોમાં ધૂમ મચાવતા ‘ટેક્સ ઈનવોઈસ’!
