પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં માત્ર કાગળ પર ચાલતી ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નામની બોગસ પેઢીના કૌભાંડમાં હવે એક નવો અને સનસનીખેજ વળાંક આવ્યો છે. આ બોગસ પેઢીના લાખો રૂપિયાના નકલી બીલો ક્યાં અને કેવી રીતે સરકારી ચોપડે ઉધારવામાં આવ્યા, તેનો પર્દાફાશ કરતા કેટલાક અત્યંત મહત્વના સત્તાવાર દસ્તાવેજો અમારા હાથમાં આવ્યા છે. આ દસ્તાવેજો સીધો ઈશારો કરે છે કે પાલનપુર તાલુકાની ધાણધા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારનું એપીસેન્ટર ‘ગટર લાઈન’ નો પ્રોજેક્ટ હતો, જેમાં મંજૂરીની શરતોના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે.
શું કહે છે સત્તાવાર દસ્તાવેજોના પુરાવા?
અમને પ્રાપ્ત થયેલા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના સત્તાવાર પત્રવ્યવહાર મુજબ, ધાણધા ગ્રામ પંચાયત દ્વારા ગામમાંથી પસાર થતા ‘ધાણધા-ગોઢ-હાથીદ્રા’ રોડ પર ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે રસ્તો ખોદીને પાઈપલાઈન નાખવા (રોડ ક્રોસિંગ) માટે ધાણધા ગ્રામ પંચાયતના સરપંચ અનુબેન મહેશભાઈ મોર દ્વારા ગત તા. ૨૭/૧૨/૨૦૨૨ ના રોજ કાર્યપાલક ઈજનેરને લેખિત અરજી કરવામાં આવી હતી.
શરત નં. ૧૨ નો સરેઆમ ભંગ: ૩ વર્ષથી રસ્તો તૂટેલો જ છે!
આ ગટર લાઈનના પ્રોજેક્ટ માટે કાર્યપાલક ઈજનેરે ૧૫ જેટલી કડક શરતોને આધીન ગ્રામ પંચાયતને રોડ ક્રોસિંગની મંજૂરી આપી હતી. પરંતુ અહીં ભ્રષ્ટાચારની સૌથી મોટી હકીકત સામે આવી છે.
મંજૂરી પત્રની શરત નંબર ૧૨ માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, “સ્ટ્રકચર નાખવા માટે કરવામાં આવેલ રસ્તાનું ખોદાણ અને તેનું મરામત અગાઉ જે સ્થિતીમાં રસ્તો હતો તે મુળ સ્થિતીમાં રસ્તો અરજદારશ્રીએ સ્વખર્ચ રીપેર કરાવી આપવાનો રહેશે”.
વાસ્તવિકતા એ છે કે આ મંજૂરીને આજે ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, પંચાયત દ્વારા રોડનું કોઈ જ સમારકામ કરાવવામાં આવ્યું નથી અને રસ્તો આજે પણ ખોદાયેલી અને બિસ્માર હાલતમાં જ છે! આમ, મંજૂરીની મુખ્ય શરતનો જ સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, રોડ બન્યાના ત્રણ મહિનામાં જ પંચાયતને ગટર લાઈન નાંખવાનું યાદ આવ્યું હતું. આમ ત્રણ મહિનામાં જ રોડને તોડીને સામાન્ય જનતાની હાલાકી વધારી દેવામાં આવી હતી. તો બીજી તરફ સરકારી પૈસાનું પાણી કર્યું હતું.
કામ અધૂરું, શરતોનો ભંગ, પણ બીલો પાસ!
જો રસ્તાનું રિપેરિંગ કામ થયું જ નથી અને શરતો પૂરી થઈ નથી, તો પછી કામ પૂર્ણ થયાના બીલો કઈ રીતે પાસ થઈ ગયા? સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગટર લાઈનના કામમાં વપરાયેલા માલસામાનના લાખો રૂપિયાના બીલો પધરાવી દેવામાં આવ્યા!. કથિત રીતે મળી રહેલી જાણકારી એવી છે કે, ગટર લાઈનની કામગીરીમાં પણ અનમોલ એન્ટરપ્રાઈઝના ફેક બીલો પધરાવી દેવામાં આવ્યા હતા. જે પેઢીનું સ્થળ પર કોઈ અસ્તિત્વ જ નથી અને જેણે ૩ વર્ષથી GST રિટર્ન નથી ભર્યું, તેના નામે ટેક્સ ઈનવોઈસ બનાવીને સરકારી ગ્રાન્ટના નાણાં ચાંઉ કરી જવામાં આવ્યા હોવાની પૂરેપૂરી આશંકા છે. આ અંગે અમારી તપાસ ચાલી રહી છે. આગામી અહેવાલમાં તે અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવશે.
સરપંચ અને તલાટી કાયદાકીય સકંજામાં
કોઈપણ ગ્રામ પંચાયતમાં કામના બીલો પાસ કરવાની અંતિમ સત્તા અને જવાબદારી સરપંચ અને તલાટી કમ મંત્રીની હોય છે. કામ અધૂરું હોવા છતાં ધાણધાના સરપંચ અનુબેન મોર અને તલાટીએ બીલો કઈ રીતે પાસ કરી દીધા? આ દસ્તાવેજો સામે આવ્યા બાદ હવે ધાણધા પંચાયતનું આખું બોડી શંકાના ઘેરામાં આવી ગયું છે.
શરત ભંગ અને બોગસ બિલિંગમાં શું થઈ શકે છે સજા?
કાનૂની નિષ્ણાતોના મતે, મંજૂરીની શરતોનો ભંગ કરીને અધૂરા કામે બોગસ બિલો પાસ કરવા એ માત્ર વહીવટી બેદરકારી નથી, પણ અત્યંત ગંભીર ફોજદારી ગુનો છે. આ મામલે જવાબદાર સરપંચ અને તલાટી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ) હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત, છેતરપિંડી, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા અને ગુનાહિત કાવતરા હેઠળ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની વિવિધ કલમો હેઠળ જેલની સજાની જોગવાઈ છે. એટલું જ નહીં, ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭ હેઠળ હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ સરપંચને તાત્કાલિક હોદ્દા પરથી સસ્પેન્ડ પણ કરી શકાય છે અને સરકારી નાણાંની નુકસાનીની રકમ તેમની અંગત મિલકતમાંથી વસૂલવાની પણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે.
ઉલ્લેખનિય છે કે, કોઈપણ ગ્રામ પંચાયતમાં કામના બીલો પાસ કરવાની અંતિમ સત્તા અને જવાબદારી સરપંચ અને તલાટી કમ મંત્રીની હોય છે. આ દસ્તાવેજો સામે આવ્યા બાદ હવે ધાણધા પંચાયતનું આખું બોડી શંકાના ઘેરામાં આવી ગયું છે. આગામી દિવસોમાં આ કૌભાંડના વધુ કેટલાક બોગસ બીલોના ચોંકાવનારા પુરાવાઓ પણ સામે આવવાની સંભાવના છે.
આ પણ વાંચો – ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નું મોટું કૌભાંડ : સ્થળ પર દુકાન નથી, છતાંય પંચાયતોમાં ધૂમ મચાવતા ‘ટેક્સ ઈનવોઈસ’!
