- શિક્ષણના મંદિરમાં ખુલ્લી લૂંટ: વિદ્યાર્થીઓની ફીમાંથી મળતિયાઓને લાખોનો પગાર, નીરજા ગુપ્તા સામે FIR માટે NSUI નું ૭૨ કલાકનું અલ્ટીમેટમ
અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી અને જૂની ગુજરાત યુનિવર્સિટી હવે શિક્ષણ માટે નહીં, પરંતુ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર માટે દેશભરમાં બદનામ થઈ રહી છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂરો થતાં જ તેમના પાપનો ઘડો ફૂટી ગયો છે. સત્તાનો દુરુપયોગ કરીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનું એક એવું સનસનીખેજ કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેના તાર છેક જર્મની સુધી જોડાયેલા છે. આ કૌભાંડના ખુલાસા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
UGC ના નિયમો નેવે મૂક્યા, મળતિયાઓ પર ફીના નાણાંનો વરસાદ
આ કૌભાંડની શરૂઆત ગેરકાયદેસર નિમણૂકોથી થાય છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કરેલા ચોંકાવનારા દાવા મુજબ, નીરજા ગુપ્તાએ સત્તા પર આવતા જ UGC ના તમામ નિયમોની ઐસીતૈસી કરીને પોતાના ૧૦ મળતિયાઓને ‘ડિરેક્ટર’ જેવા ઉચ્ચ પદો પર પાછલા બારણેથી ગોઠવી દીધા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિદ્યાર્થીઓના પરસેવાની કમાણી સમાન ‘ફી’ ના નાણાંમાંથી આ મળતિયાઓને ખુદ કુલપતિના પગાર કરતા પણ વધુ મહેનતાણું ચૂકવવામાં આવતું હતું!
સરકારી ગ્રાન્ટની સીધી ઉચાપત અને જર્મની કનેક્શન!
આ કૌભાંડનો સૌથી કાળો અધ્યાય પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત મળેલી ૪૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો દુરુપયોગ છે. કાયદા અને નૈતિકતાને કોરાણે મૂકીને, નીરજા ગુપ્તાએ આ પ્રોજેક્ટમાં પોતાને જ ‘પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર’ નિમી દીધા અને નિયમિત પગાર ઉપરાંત ૪.૨૦ લાખ રૂપિયાનું ભથ્થું પોતાના જ ખિસ્સામાં સેરવી લીધું. પરંતુ સૌથી મોટો ધડાકો એ છે કે, આ સરકારી ગ્રાન્ટ ખાતામાંથી ૯.૮૪ લાખ રૂપિયા સીધા તેમના જર્મની સ્થિત પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા! ૪૦ કરોડની ગ્રાન્ટમાંથી ૫૦% (વીસ કરોડથી વધુ) રકમનો આજે યુનિવર્સિટી પ્રશાસન પાસે કોઈ જ હિસાબ નથી.
NSUI નો નકલી નોટો સાથે ઘેરાવ: ૭૨ કલાકનું અલ્ટીમેટમ
આ નાણાકીય ઉચાપત અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ અને NSUI એ આક્રમક રણશિંગુ ફૂંક્યું છે. NSUI ના આશરે ૨૦૦ જેટલા કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં ઘેરાવ કરીને કુલપતિની ઓફિસ પર કબ્જો જમાવ્યો હતો. ‘નીરજા ગુપ્તા હાય હાય’ ના ગગનભેદી નારાઓ સાથે કાર્યકર્તાઓએ ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. સંગઠને સીધી ચીમકી ઉચ્ચારી છે કે જો ૭૨ કલાકમાં નીરજા ગુપ્તા સામે ફોજદારી ગુનો (FIR) દાખલ નહીં થાય, તો યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં બંધનું એલાન અપાશે અને કૌભાંડી કુલપતિનું મોઢું કાળું કરવામાં આવશે.
ઇન્ચાર્જ કુલપતિનું એક્શન, ૧૦ કર્મચારી સસ્પેન્ડ
ચારે તરફથી ભારે દબાણ અને હોબાળો મચ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવ્યું છે. ગેરકાયદેસર રખાયેલા તમામ ૧૦ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોષીએ મીડિયા સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, “અમને પૂર્વ કુલપતિ સામે ગંભીર નાણાંકીય ઉચાપત અંગેની રજૂઆત મળી છે. અમે કાયદાકીય પાસાઓ વિશે અમારા લીગલ એડવાઈઝર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. જરૂર જણાશે તો ખાસ કમિટીની રચના કરીશું અને સંપૂર્ણ પારદર્શક રીતે તાત્કાલિક ધોરણે પગલાં લઈશું.”
હવે જોવાનું એ રહે છે કે સરકાર અને પોલીસ વિભાગ આ ‘આંતરરાષ્ટ્રીય કનેક્શન’ ધરાવતા કૌભાંડમાં નીરજા ગુપ્તાની ધરપકડ ક્યારે કરે છે!
