ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી પોતાની બદલીની કાગડોળે રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓ માટે એક ખુશીના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને મુખ્ય પોલીસ અધિકારીની લીલી ઝંડી મળ્યા બાદ ગુજરાતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ ૪૧૪ પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના સત્તાવાર આદેશ જારી કરી દેવામાં આવ્યા છે.
બદલીમાં અપનાવાયો માનવીય અભિગમ
આ વખતની બદલી પ્રક્રિયામાં પોલીસ વિભાગ દ્વારા કર્મચારીઓની સમસ્યાઓને સાંભળીને સકારાત્મક નિર્ણય લેવાયો છે. ખાસ કરીને જે કર્મચારીઓની કૌટુંબિક અથવા વ્યક્તિગત પરિસ્થિતિ વિકટ હોય તેને ધ્યાનમાં લેવામાં આવી છે. આ ઉપરાંત, પતિ અને પત્ની બંને સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તેવા કિસ્સાઓની રજૂઆતોને વિશેષ પ્રાધાન્ય આપીને તેમને અનુકૂળ સ્થળે પોસ્ટિંગ આપવાનો પ્રયાસ કરાયો છે.
કઈ કક્ષાના કેટલા કર્મચારીઓની બદલી થઈ?
વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ નીચે મુજબના વિવિધ હોદ્દા ધરાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે:
UPC અને ULR: ૨૨૬ કર્મચારીઓ
APC અને ALR: ૧૨૯ કર્મચારીઓ
UHC અને AHC: ૫૯ કર્મચારીઓ
કયા જિલ્લાઓમાં ફેરફાર કરાયો?
આ આંતરજિલ્લા બદલીના આદેશમાં રાજ્યના મોટા મહાનગરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, વલસાડ અને જૂનાગઢ સહિતના જિલ્લા એકમોમાં પણ મોટા પાયે ફેરફારો કરાયા છે. વહીવટી જરૂરિયાત મુજબ કેટલાક કર્મચારીઓને શહેરી વિસ્તારમાંથી ગ્રામ્યમાં અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં નવી ફરજ સોંપવામાં આવી છે.

બદલી પામેલા કર્મચારીઓ માટે કડક સૂચનાઓ
તાત્કાલિક હાજરી: બદલી પામેલા તમામ કર્મચારીઓએ આદેશ મળ્યા બાદ નવી જગ્યાએ નિયત સમયમર્યાદામાં અચૂક હાજર થવાનું રહેશે.
પરત બદલીની મનાઈ: નવી ફરજ સંભાળ્યા બાદ તુરંત જ જૂની જગ્યાએ પરત જવા માટેની કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.
તપાસ હેઠળના કર્મીઓ: જે કર્મચારીઓ સામે કોઈ વિભાગીય તપાસ કે ગંભીર ગુનાની તપાસ ચાલુ હોય, તેમના માટે આ આદેશમાં કેટલીક ખાસ શરતો મૂકવામાં આવી છે, જેનું પાલન કરવું ફરજિયાત રહેશે.
આ પણ વાંચો – પોલીસ બેડામાં ખળભળાટ : ભાવનગર ઝેરી દારૂકાંડમાં 2 PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ, આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
