- જનતાના ખિસ્સા પર ભાર : આજથી પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં મોટો વધારો
નવી દિલ્હી: દેશમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. શુક્રવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં થયેલા ઉછાળાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા બાદ હવે 15 મેથી આ ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે.
દિલ્હી અને અન્ય શહેરોમાં નવી કિંમતો
રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹94.77 થી વધીને ₹97.77 પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ ₹87.67 થી વધીને ₹90.67 પર પહોંચી ગયું છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે ₹100ની સપાટીની એકદમ નજીક છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ₹106.68 અને ચેન્નાઈમાં ₹103.67 પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.
CNG પણ મોંઘો થયો
પેટ્રોલ-ડીઝલની સાથે ગેસના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો થતા હવે નવો ભાવ ₹79.09 થયો છે. જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં CNG હવે ₹84 પ્રતિ કિલોના ભાવે મળશે.
લાંબા સમય બાદ ભાવમાં ફેરફાર
એપ્રિલ 2022 થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નહોતો. માત્ર માર્ચ 2024માં લોકસભા ચૂંટણી પહેલા ₹2નો ઘટાડો કરાયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સંકટ છતાં સરકારી તેલ કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા હતા, પરંતુ હવે વધતા દબાણને કારણે ભાવ વધારવાની ફરજ પડી હોવાનું સરકારનું કહેવું છે.
આ ભાવવધારાના સમાચાર વહેતા થતા જ દેશના અનેક ભાગોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભવિષ્યમાં વધુ ભાવવધારાના ડરથી લોકોમાં ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી)નો માહોલ સર્જાયો હતો, જેના કારણે કેટલાક પંપો પર ‘નો ફ્યુઅલ’ના બોર્ડ પણ જોવા મળ્યા હતા.
આ પણ વધારો – NEET-UG રી-એક્ઝામની તારીખ જાહેર : 21 જૂને લેવાશે ફરીથી પરીક્ષા
