અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના ધંધાઓને લઈને સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોઝમાં ખુલ્લેઆમ ચાલતા ધંધાઓ સ્પષ્ટ જોવા મળે છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. આ સમગ્ર પ્રકરણમાં હવે ‘જયપાલ સિન્ડિકેટ’ અને તેના સંભવિત ઊંચા સ્તરના જોડાણોને લઈને કડક સવાલો ઊભા થયા છે.
આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શહેરની એક મુખ્ય એજન્સીના ઉચ્ચ અધિકારી સાથે જયપાલના સંબંધોને લઈને ચર્ચા તેજ બની છે. સૂત્રોમાં બે પ્રકારની ચર્ચા ચાલી રહી છે. એક તરફ એવો દાવો કરવામાં આવે છે કે આ અધિકારી માત્ર સહકાર આપી રહ્યો છે, જ્યારે બીજી તરફ સીધી ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ દ્વિધા વચ્ચે મૂળ પ્રશ્ન એ છે કે આ ગેરકાયદેસર નેટવર્કને મળતું સંરક્ષણ માત્ર સહકારનું પરિણામ છે કે ગોઠવણબદ્ધ ભાગીદારીનું.
સૂત્રોના જણાવ્યા મુજબ, જયપાલ સરદારનગર વિસ્તારમાં સક્રિય રીતે ગેરકાયદેસર નેટવર્ક સંચાલિત કરી રહ્યો છે. તેની ઓફિશિયલ પોસ્ટિંગ શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં હોવા છતાં, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની મજબૂત ગતિવિધિ નોંધાઈ રહી છે.
આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકો અંગે પણ ગંભીર વિગતો સામે આવી રહી છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર, સિન્ડિકેટનો મહત્વનો ભાગ માનાતા સંદીપ SG2 ટ્રાફિક વિભાગમાં નોકરી કરે છે, છતાં તે નિયમિત ફરજ પર હાજર રહેતો નથી. ચર્ચા છે કે તે દર મહિને અંદાજે ₹25 હજાર ભરણરૂપે ચૂકવે છે, જેથી તેને ફરજ પર હાજરી આપવાની જરૂર ન પડે. આ રકમ ચૂકવીને તે સરદારનગર વિસ્તારમાં જયપાલના સિન્ડિકેટ માટે સક્રિય રીતે કામ કરતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ માત્ર ગેરકાયદેસર ધંધાનો મુદ્દો નથી, પરંતુ સરકારી વ્યવસ્થાની ગંભીર ભંગાર સ્થિતિ દર્શાવે છે.
માહિતી મુજબ, જયપાલ પોતાના સાથીઓ લગધીર, સંદીપ, સ્થાનિક સિદ્ધરાજ અને અન્ય લોકો સાથે મળીને ગોઠવણબદ્ધ સિસ્ટમ ચલાવી રહ્યો છે. દારૂના ઠેકાણાઓ, જુગારધામો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પરમિશન, ઉઘરાણી અને સંરક્ષણની વ્યવસ્થા કાર્યરત હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયો અને જમીનસ્તર પરથી મળતી માહિતી દર્શાવે છે કે સરદારનગરમાં ગેરકાયદેસર ધંધાઓ હવે ખુલ્લેઆમ અને નિર્ભય રીતે ચાલી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર કાયદો અને વ્યવસ્થાની ખામી નથી દર્શાવતી, પરંતુ ગોઠવણબદ્ધ ક્રિમિનલ ઓપરેશન તરફ સીધો ઈશારો કરે છે.
આ સમગ્ર પ્રકરણમાં સરદારનગર પોલીસ સ્ટેશન અને તેની હેઠળની કુબેરનગર પોલીસ ચોકીની ભૂમિકા પણ ગંભીર સવાલોમાં છે. ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ધંધાઓ સામે કાર્યવાહી ન થવી તંત્રની નિષ્ક્રિયતા કે સંભવિત સંડોવણી તરફ ઈશારો કરે છે. વાયરલ વીડિયોઝ પુરાવા તરીકે સામે આવી રહ્યા છે, છતાં કાર્યવાહી શૂન્ય છે. આ પરિસ્થિતિ સહકાર કે ભાગીદારી, અથવા બંને વચ્ચેના કોઈ ગાઢ સંબંધનું ચિત્ર દોરી રહી છે.
આ પણ વાંચો- ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
