Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ગંભીર વલણ : હવે ઇંગ્લિશ પણ ‘લઠ્ઠો’! ગુજ. પ્રોહિ. 2011ની વ્યાખ્યાનો પ્રથમ વખત ઉપયોગ!

ગંભીર વલણ : હવે ઇંગ્લિશ પણ ‘લઠ્ઠો’! ગુજ. પ્રોહિ. 2011ની વ્યાખ્યાનો પ્રથમ વખત ઉપયોગ!

gujaratex@gmail.com August 20, 2026
BABA - 2026-08-21T001641.489
  • ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ના, 2011માં કરાયેલી વિસ્તૃત ‘લઠ્ઠા’ની વ્યાખ્યાનો ભાવનગર લઠ્ઠાકાંડમાં પહેલીવાર નોંધપાત્ર ઉપયોગ
  • બુટલેગરોની તમામ છટકબારીઓ બંધ: બ્રાન્ડેડ બોટલમાં ઝેર વેચનારા સામે BNS અને કડક પ્રોહિબિશન એક્ટનો પ્રથમ નોંધપાત્ર ઉપયોગ
  • એફઆઇઆરમાં કડક કલમોનો ઉમેરો: માત્ર ‘નકલી દારૂ’ નહીં, પણ ‘લઠ્ઠા’ ની વ્યાખ્યા હેઠળ ગુનેગારોને કડક સજા અપાવવાનો ટેકનિકલ પ્રયાસ

અભિષેક પાંડેય : ભાવનગરમાં દારૂબંધી હોવા છતાં ખેલાયેલા ઝેરી દારૂના ખેલમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાથે જ પોલીસની અભૂતપૂર્વ કાયદાકીય વ્યૂહરચના પણ સામે આવી છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની કાચની બોટલોમાં ઝેરી કેમિકલ, એટલે કે મિથેનોલ, ભેળવીને નકલી દારૂ વેચવામાં આવ્યો હતો. આ દારૂના સેવનથી 7થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 21થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમગ્ર બનાવમાં વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની આગેવાનીમાં નોંધાયેલી FIR કાયદાકીય દૃષ્ટિએ અત્યંત મહત્વની બની છે. સામાન્ય રીતે વિદેશી દારૂ (IMFL)નું વેચાણ કરતા બુટલેગરો એવું માનતા હતા કે ટેકનિકલ ગ્રાઉન્ડના આધારે તેઓ આસાનીથી છટકી જશે. પરંતુ આ વખતે પોલીસે બ્રાન્ડેડ ઈંગ્લિશ દારૂમાં કેમિકલ ભેળસેળ, એટલે કે contamination,ને પણ ‘લઠ્ઠા’ની કડક કાયદાકીય શ્રેણી હેઠળ આવરી લઈને બુટલેગરોની છટકબારીઓ પર શિકંજો કસ્યો છે.

આ કરૂણાંતિકાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભાવનગરના બરકડી ગામના વિરાજસિંહ ગોહિલે મિત્રો માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ‘રોયલ સ્ટેગ’ના બોગસ લેબલ અને સીલવાળી બોટલોમાં ભરેલો ઝેરી દારૂ પીરસવામાં આવ્યો હતો. દારૂ પીધા બાદ લોકોની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોતનો સિલસિલો શરૂ થયો હતો.

Join Our WhatsApp Group

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વરતેજનો બુટલેગર ગૌતમ સોલંકી આ નેટવર્કનો સ્થાનિક મુખ્ય મોહરો હતો. તેણે ઉજ્જૈનથી રઈસુદ્દીન શેખ અને જુબેરને બોલાવીને અમદાવાદથી કેમિકલયુક્ત લિક્વિડ, ખાલી બોટલો, ઢાંકણાં અને ‘રોયલ સ્ટેગ’ના ડુપ્લિકેટ સ્ટીકરો મંગાવ્યા હતા. દિવસે ઓટો રિક્ષા ચલાવતા અને રાત્રે દારૂ બનાવતા રઈસુદ્દીને મિથેનોલયુક્ત ઝેરી મિશ્રણ તૈયાર કરીને તેને બોટલોમાં પેક કર્યું હતું.

પોલીસે આ કેસમાં રઈસુદ્દીન શેખ, ગૌતમ સોલંકી, સારસ સોલંકી, જતીન કાંબડ, ગણેશ, અમન, મનોજ, જુબેર, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર, જેનું દારૂ પીવાથી મોત થયું, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મનદિપસિંહ ગોહિલ, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, અર્જુનસિંહ ગોહિલ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, ભાર્ગવ ભટ્ટ, વિવેક આલગોતર, હર્ષ ચીલાણુ, કેવલ સોલંકી, સુખદેવ સલાડ અને હાર્દિક ઉર્ફે ટાંકીયો સહિત કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

ગાંધીનગર FSLના પૃથક્કરણ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે આ કોઈ સામાન્ય દારૂ નહોતો, પરંતુ અત્યંત ઘાતક ઝેર હતું. ઘટનાસ્થળેથી જપ્ત કરાયેલી ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલમાં મિથેનોલ 38.59% V/V અને ઈથેનોલ માત્ર 0.94% V/V મળી આવ્યું હતું.

આ ઉપરાંત મૃતક અને સારવાર હેઠળના દર્દીઓ, જેમ કે ઉપેન્દ્રસિંહ ગોહિલ (0.0773%), કાર્તિક મકવાણા (0.0847%), અભય દિહોરા (0.1408%), બલદેવસિંહ ગોહિલ (0.0886%) અને વિશ્વરાજસિંહ ગોહિલ (0.1060%),ના લોહીના નમૂનામાં પણ મિથેનોલ ઝેરની હાજરી સાબિત થઈ છે.

પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ આ વખતે કાયદાકીય રીતે મજબૂત કેસ તૈયાર કર્યો છે. અગાઉના લઠ્ઠાકાંડમાં પોલીસ સામાન્ય રીતે હત્યા માટે IPCની કલમ 302 લગાવતી હતી. જોકે, કોર્ટમાં આરોપીઓનો ‘હત્યા કરવાનો ઈરાદો’ સાબિત કરવો મુશ્કેલ બનતો હોવાથી આરોપીઓને તેનો લાભ મળતો હતો.

આ વખતે BNSની કલમ 105, એટલે કે ગેર-ઈરાદાપૂર્વક હત્યાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આ હેઠળ આરોપીઓને એવું ‘જ્ઞાન’ હતું કે આ ઝેરી પ્રવાહી પીવાથી કોઈનું મોત થઈ શકે છે, તે બાબત સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અહીં એક મહત્વનો કાયદાકીય તફાવત સમજવો જરૂરી છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949માં ‘લઠ્ઠા’ની વ્યાખ્યા વર્ષ 2011ના સુધારા બાદ મિથેનોલ અથવા અન્ય ઝેરી પદાર્થ ધરાવતા spurious liquorને આવરી લે છે. એટલે ‘લઠ્ઠા’ની વ્યાખ્યા નવી નથી. પરંતુ 2011 બાદ ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના કેસોની સરખામણીમાં બ્રાન્ડેડ IMFL જેવી દેખાતી બોટલોમાં મિથેનોલ ભેળવી તૈયાર કરાયેલા ઝેરી પ્રવાહીને આ જ કાયદાકીય જોગવાઈ હેઠળ લાવીને કાર્યવાહી કરવાનો આ પ્રકારનો ઉપયોગ અત્યંત નોંધપાત્ર છે.

ભૂતકાળમાં સુધારેલા દારૂબંધી કાયદાની ’65 સિરીઝ’ની કડક કલમોનો ઉપયોગ ટાળવામાં આવતો હતો. પરંતુ આ વખતે પોલીસે Gujarat Prohibition (Amendment) Act, 2017ની કલમ 65-A(3) અને 67-1A જેવી સખત અને જામીન-અપાત્ર કલમો ઉમેરી છે.

વળી, કાચો માલ પૂરો પાડનારથી લઈને વેચનાર સુધીના તમામ 21 લોકોને સમાન ઈરાદા (BNS 3(5)) અને ગુનાહિત કાવતરા (BNS 61(2)) હેઠળ એકસમાન આરોપી ગણવામાં આવ્યા છે.

આ FIRમાં BNSની કલમ 105, 123, 61(2), 3(5), 274, 275, 345(3), 349 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 65-A(3) અને 67-1A જેવી ગંભીર જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. FSL રિપોર્ટમાં પણ મિથેનોલ સાબિત થઈ ગયું હોવાથી ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીઓ માટે જામીન મેળવવા અત્યંત મુશ્કેલ બનશે.

ઘટનાના પ્રારંભિક તબક્કામાં કેટલીક ચર્ચાઓ વહેતી કરવામાં આવી હતી કે આ ઘટના ‘અનવેરિફાઈડ લઠ્ઠાકાંડ’ છે અને પોલીસે ઉતાવળમાં આ શબ્દપ્રયોગ કર્યો છે. આવા અહેવાલો પાછળ કદાચ બદઈરાદો (Malafide Intention) અથવા કાયદાકીય સમજનો અભાવ હોઈ શકે છે. જોકે, FSLના ફાઈનલ રિપોર્ટે SMC અને પોલીસ અધિકારીઓના પ્રારંભિક વર્ઝનને સાચું ઠેરવ્યું છે.

નકલી IMFLની બ્રાન્ડેડ બોટલોમાં વેચાતા ઝેરી કેમિકલને ‘લઠ્ઠા’ની કડક શ્રેણીમાં લાવીને પોલીસે જે રીતે શિકંજો કસ્યો છે, તેનાથી કાયદાની છટકબારીનો લાભ ઉઠાવનારા તત્વો માટે મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે જો આ ઘટનાને માત્ર ‘નકલી વિદેશી દારૂના વેપાર’ તરીકે જોવામાં આવી હોત તો આરોપીઓ હળવી સજા બાદ બહાર આવી શક્યા હોત.

એક અગ્રણી ક્રિમિનલ લોયરના જણાવ્યા અનુસાર, આ FIR સ્પષ્ટ કરે છે કે પોલીસે ગુનેગારોને કઠોર સજા અપાવવાનો અત્યાર સુધીનો સૌથી ગંભીર અને ટેકનિકલ પ્રયાસ કર્યો છે. પ્રોહિબિશન એક્ટ અને BNSની સચોટ કલમોનું સંયોજન કેસને મજબૂત કાયદાકીય આધાર આપે છે.

તપાસ તંત્ર માટે એક બાબત ચિંતાજનક છે અને તે છે FIRનું અતિશય વિસ્તૃત અને મોટું કદ. કાનૂની સિદ્ધાંત મુજબ ‘FIRમાં ન્યૂનતમ વર્ણન (Minimum Description) અને ચાર્જશીટમાં મહત્તમ પુરાવાની શોધ (Maximum Discovery)’ જ ગુનેગારોની સજા પર આખરી મોહર મારે છે. FIRમાં વધુ પડતી વિગતો લખવામાં આવે તો ટ્રાયલ દરમિયાન આરોપીઓના વકીલોને વિરોધાભાસ ઊભા કરવાનો મોકો મળી જાય છે.

આ પણ વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડ: ઉજ્જૈનથી પહોંચેલા નકલી દારૂના તાર MPના રાજકીય પરિવાર સુધી, SP નીતેશ પાંડેયને શો-કોઝ નોટિસ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભાવનગર લઠ્ઠાકાંડ: ઉજ્જૈનથી પહોંચેલા નકલી દારૂના તાર MPના રાજકીય પરિવાર સુધી, SP નીતેશ પાંડેયને શો-કોઝ નોટિસ
Next: પોલીસ બેડામાં ખળભળાટ : ભાવનગર ઝેરી દારૂકાંડમાં 2 PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ, આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.