- ધર્મ અને બંધારણના સંતુલન પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ: ધાર્મિક પ્રક્રિયાઓમાં નિયમ અને શિસ્ત અનિવાર્ય
નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ અને અન્ય ધાર્મિક સ્થળોએ લિંગભેદ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દરેક ધાર્મિક સંસ્થાના ચોક્કસ નિયમો હોવા જોઈએ અને ધાર્મિક સંચાલનનો અર્થ ક્યારેય ‘અરાજકતા’ (Anarchy) ન હોઈ શકે.
નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ મહિલાઓના અધિકારો અને ધાર્મિક રીતિ-રિવાજો વચ્ચેના સંઘર્ષ પર સુનાવણી કરી રહી છે. આ દરમિયાન ન્યાયાધીશ અમાનુલ્લાહે વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, “મેનેજમેન્ટનો અર્થ એ નથી કે ત્યાં કોઈ માળખું કે નીતિ-નિયમો જ ન હોય. પછી તે દરગાહ હોય કે મંદિર, પૂજા-પાઠ કે ઇબાદત માટે એક ચોક્કસ રીત અને શિસ્ત હોવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિ પોતાની મનમરજી મુજબ વર્તે તે ચલાવી શકાય નહીં.”
બંધારણ સર્વોપરી છે: સુપ્રીમ કોર્ટ
કોર્ટે સૌથી મહત્વની સ્પષ્ટતા એ કરી છે કે ધાર્મિક નિયમો ક્યારેય બંધારણથી ઉપર હોઈ શકે નહીં. ન્યાયાધીશોએ જણાવ્યું કે, ધાર્મિક સ્થળોમાં જે પણ નિયમો ઘડવામાં આવે કે તેનો અમલ કરવામાં આવે, તેમાં બંધારણીય મૂલ્યોનું પાલન થવું અનિવાર્ય છે. ધાર્મિક આસ્થાના નામે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે અરાજકતા ચલાવી લેવામાં આવશે નહીં. કોર્ટે ટકોર કરી હતી કે, “એવું ન હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહે કે હું ઈચ્છું તેમ જ પૂજા કે વિધિ થવી જોઈએ.”
રસ્તા રોકવા અંગે પણ કડક ટકોર
ધાર્મિક કાર્યો અને જનજીવન વચ્ચેના સંતુલન પર વાત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ધાર્મિક કાર્યોના નામે જાહેર રસ્તાઓ બ્લોક ન કરી શકાય. ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તેનાથી સામાન્ય નાગરિકોના હકોનું હનન થાય.
આ મામલામાં હજુ પણ આગળની સુનાવણી ચાલુ રહેશે, જે આવનારા સમયમાં ભારતના ધાર્મિક અને બંધારણીય માળખા માટે માર્ગદર્શક સાબિત થશે.
આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ SIR વિવાદ: 34 લાખ અપીલ સામે માત્ર 1,607 નામ પાછા જોડાયા, ચૂંટણી પ્રક્રિયા પર ઉઠ્યા ગંભીર સવાલો
