કોંગ્રેસ પાર્ટીએ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને તેમની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ આને આઝાદ ભારતના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રી અને તેમના પરિવાર સામેનો સૌથી ગંભીર આરોપ ગણાવ્યો છે.
પવન ખેડાએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિનિકી ભુઇયાં સરમા પર ત્રણ દેશોના પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવ્યો છે.બીજી તરફ, મુખ્યમંત્રી સરમા અને તેમની પત્નીએ કોંગ્રેસના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને તેને કોંગ્રેસની હતાશા ગણાવી છે.
સરમાએ પવન ખેડા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે. તેમની પત્નીએ કોંગ્રેસ તરફથી પ્રસ્તુત કરવામાં આવેલા દસ્તાવેજોને ફોટોશોપ કરેલા ગણાવ્યા છે.
પવન ખેડાએ શું આરોપ લગાવ્યા?
પવન ખેડાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમારા કેટલાક સમર્થકોએ વિદેશથી અત્યંત સનસનાટીભર્યા કેટલાક કાગળો મોકલ્યા છે. આવા કાગળો મને લાગતું નથી કે આઝાદ ભારતની રાજનીતિમાં કોઈ સિટિંગ મુખ્યમંત્રી અને તેમની પત્ની વિરુદ્ધ ક્યારેય સામે આવ્યા હોય.”
“અમે પોતે આશ્ચર્યમાં પડી ગયા કે આ શક્ય પણ છે? અમે જોઈએ છીએ કે ઘણા લોકો આટામાં નમક મિલાવે છે, નમકમાં આટો મિલાવે છે તે પણ આટલી બેશરમીથી, આટલી ખુલ્લેઆમ અને આટલી નિર્ભયતાથી, જાણે કે તેમને લાગે છે કે કોઈ તેમને પકડી શકે જ નહીં.”
“સૌથી પહેલાં એક આઘાતજનક માહિતી એ છે કે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિનિકી ભુઇયાં સરમા પાસે ત્રણ પાસપોર્ટ છે. ત્રણેય પાસપોર્ટ વર્તમાન (એક્સપાયર ન થયેલા) છે.”

પવન ખેડાનો આરોપ છે કે રિનિકી ભુઇયાં સરમા પાસે UAE, એન્ટીગુઆ અને બાર્બુડા તેમજ મિસ્રના પાસપોર્ટ છે. તેમણે આના સમર્થનમાં કેટલાક દસ્તાવેજોની કોપી પણ બતાવી છે.
તેમણે કહ્યું કે હિમંત બિસ્વા સરમાની પત્નીના પાસપોર્ટ સાચા છે કે નહીં તે અમિત શાહે જણાવવું જોઈએ.
પવન ખેડાએ કહ્યું, “એક સંવેદનશીલ સીમાંત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીની પત્ની ભારતની નાગરિક નથી. જો તેઓ ભારતની નાગરિક છે અને આ પાસપોર્ટ સાચા છે તો આ ગેરકાયદેસર છે. અમિત શાહે આ માટે તપાસ બેસાડવી જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું, “આ લૂંટારુઓની સરકાર છે અસમમાં અને તેઓ ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે. જો તેઓ ચૂંટણી હારશે તો દેશ છોડીને ભાગી જશે. કોણ ત્રણ-ત્રણ પાસપોર્ટ રાખે છે? અમને ખબર નથી કે હિમંત પાસે કેટલા પાસપોર્ટ છે. કદાચ તેમના પાસે પણ હોય.”
હિમંત બિસ્વા સરમા અને તેમની પત્નીનો જવાબ
પવન ખેડાના આરોપોના જવાબમાં અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે.
સરમાએ લખ્યું, “પવન ખેડાની આજની પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ પાર્ટીની અંદરના ઊંડા અસંતોષ અને ગભરામણને દર્શાવે છે. જેમ જેમ અસમ ઐતિહાસિક જનાદેશ તરફ આગળ વધી રહ્યું છે, આવા હતાશ અને પાયાવિહોણા હુમલાઓ માત્ર તેમના કમજોર થતા જનાધારને જ ઉજાગર કરે છે.”
“હું તેમના દ્વારા લગાવવામાં આવેલા દરેક આરોપને સંપૂર્ણપણે નકારી કાઢું છું. આ દુર્ભાવનાપૂર્ણ, મનઘડંત અને રાજકીય રીતે પ્રેરિત જૂઠાણા છે, જેનો હેતુ અસમની જનતાને ગેરમાર્ગે દોરવાનો છે.”

મુખ્યમંત્રી હિમંતે વધુમાં લખ્યું, “મારી પત્ની અને હું આગામી 48 કલાકમાં પવન ખેડા વિરુદ્ધ ક્રિમિનલ અને સિવિલ માનહાનિનો કેસ દાખલ કરીશું.” તેમની પત્ની રિનિકી ભુઇયાં સરમાએ લખ્યું, “તમારી તપસ્યામાં જ નહીં, AI જનરેશન અને ફોટોશોપિંગમાં પણ કમી રહી ગઈ.”
રાહુલ ગાંધીએ કહ્યું, “સજા નક્કી છે”
રાહુલ ગાંધીએ પવન ખેડાના આરોપો પર પ્રતિક્રિયા આપતાં લખ્યું, “હિમંત સરમા દેશના સૌથી ભ્રષ્ટ અને સૌથી સાંપ્રદાયિક મુખ્યમંત્રી છે. તેમણે અસમની જનતાને ધોકો આપ્યો છે અને ગેરમાર્ગે દોરી છે, તેના પુરાવા જનતા સામે છે. અસમની જનતા તેમના ભ્રષ્ટાચારને ક્યારેય માફ નહીં કરે, સજા નક્કી છે.”
આ પણ વાંચો – ડેટિંગ એપથી કરન્સી ટ્રેડિંગ સુધી : અમદાવાદના યુવકે ગુમાવ્યા ₹56 લાખ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ
