ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અપશબ્દ વાપરવા બાદ અનેક તરફથી તેમનો વિરોધ થઈ રહ્યો છે.ટ્રમ્પે રવિવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઈરાન માટે અપશબ્દ વાપરીને હોર્મુઝ સ્ટ્રેટ તરત જ ખોલવા અથવા પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે.
તેમની આ પોસ્ટ બાદ અમેરિકામાં ન્યૂયોર્કના ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર ચક શુમરે તીખી ટિપ્પણી કરી છે. તેમજ, થાઇલેન્ડમાં ઈરાનના દૂતાવાસે ટ્રમ્પની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, “અમેરિકી રાષ્ટ્રપતિ જે રીતે કિશોરોની જેમ ગાળો ભાંડે છે, તે જોઈને એવું લાગે છે કે અમેરિકા અપેક્ષા કરતાં ઘણા વહેલા જ પાષાણ યુગમાં પહોંચી ગયું છે.”
શુમરની ટિપ્પણી
શુમરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકી લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવતાં લખ્યું, “જ્યારે તમે ચર્ચ જઈ રહ્યા છો, મિત્રો અને પરિવાર સાથે ઉત્સવ મનાવી રહ્યા છો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા પર એક અનિયંત્રિત ગાંડાની જેમ બડબડાવી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું, “તેઓ સંભવિત યુદ્ધ અપરાધોની ધમકી આપી રહ્યા છે અને પોતાના સહયોગીઓને નારાજ કરી રહ્યા છે. તેઓ આવા જ છે, પરંતુ અમે આવા નથી. અમારો દેશ આના કરતાં ઘણું સારું હક્કદાર છે.”
અન્ય અમેરિકી નેતાઓના નિવેદન
સેનેટર લિન્ડસે ગ્રેહમે ટ્રમ્પનું સમર્થન કરતાં લખ્યું, “જેમ કે હું છેલ્લા કેટલાક દિવસોથી કહી રહ્યો છું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે પૂરેપૂરા સક્રિય છે. ઈરાનને આપવામાં આવેલ અલ્ટિમેટમના મામલે તેઓ અત્યંત ગંભીર છે.”
અમેરિકી કોંગ્રેસની પૂર્વ સભ્ય માર્જોરી ટેલરે લખ્યું, “ઈસ્ટરની સવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પોસ્ટ કરી. તેમના પ્રશાસનમાં જે કોઈ પોતાને ખ્રિસ્તી કહે છે, તેણે ઘૂંટણિયે બેસીને ઈશ્વર પાસે માફી માગવી જોઈએ. તેમણે રાષ્ટ્રપતિની પૂજા કરવાનું બંધ કરવું જોઈએ અને ટ્રમ્પના પાગલપનમાં દખલ કરવી જોઈએ.”
ભારત અને પાકિસ્તાનથી પ્રતિક્રિયા
પાકિસ્તાનમાં ઈરાનના દૂતાવાસે ટ્રમ્પના બયાન પર લખ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પને તેમના અસંતુલિત વ્યવહાર અને ઉચ્ચ સ્તરના સરકારી પદ સંભાળવામાં અસમર્થતાને કારણે મહાભિયોગ લાવીને પદેથી હટાવી દેવા જોઈએ.”
ભારતમાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ અમેરિકી લોકોને સંબોધીને એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, “પ્રિય અમેરિકી લોકો, તમે તમારી સાથે આ શું કરી લીધું છે? શું આવા બયાન તમને વાસ્તવમાં ગમે છે? જ્યારે ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને બયાનબાજી માત્ર એક તમાશો બની જાય છે, ત્યારે તે તાકાત નહીં, પરંતુ જવાબદારીથી હાથ ધોઈ નાખવાનું દર્શાવે છે.”
ટ્રમ્પના બદલાતા બયાન
ટ્રમ્પે હમણાં જ ઈરાનને ફરી ધમકી આપી છે કે જો તેણે ૬ એપ્રિલ સુધી હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલ્યું તો અંજામ ખરાબ હશે. તેમણે યુદ્ધ દરમિયાન પોતાની ડેડલાઈન અનેક વખત બદલી છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પને સલાહ આપતાં કહ્યું છે, “ગંભીર બનો… રોજ-રોજ ન બોલો.”
આ પણ વાંચો – હિમંત બિસ્વા સરમાની પત્ની પાસે UAE, એન્ટીગુઆ અને મિસ્રના પાસપોર્ટ? કોંગ્રેસનો આરોપ
