- સાબરકાંઠા ત્રિપલ મર્ડર: કૌટુંબિક કંકાસમાં આખો પરિવાર વેરવિખેર, હત્યારાનું પણ મોત નીપજતા રહસ્ય ઘેરાયું
સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું સંગ્રામપુરા ગામ આજે રક્તરંજિત ઘટનાનું સાક્ષી બન્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, પરિવારના મોભીએ જ કોઈ અગમ્ય કારણોસર આ ભયાનક પગલું ભરી પોતાની સગી જનેતા, પત્ની અને ફૂલ જેવા માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા છે.
કુહાડીના ઘા ઝીંકી પરિવારનો સફાયો કર્યો
મળતી પ્રાથમિક વિગતો મુજબ, સંગ્રામપુરામાં રહેતા એક વ્યક્તિએ કોઈ કારણસર આવેશમાં આવી જઈ ઘરમાં પડેલી કુહાડી વડે હુમલો કર્યો હતો. તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી પોતાની માતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્રના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો જોરદાર હતો કે ત્રણેય સભ્યો લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
હત્યારાનું પણ મોત: રહસ્ય ઘેરાયું
આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે હુમલો કરનાર વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. આથી આ સમગ્ર મામલો વધુ પેચીદો બન્યો છે. શું તેણે હત્યા બાદ આત્મહત્યા કરી કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલના તબક્કે આ લોહિયાળ ખેલ પાછળ પારિવારિક કંકાસ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પોલીસ તપાસ અને મતદાનનો બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા પોલીસનો કાફલો તાત્કાલિક સંગ્રામપુરા દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે, હાલમાં ચૂંટણીના મતદાનના ચુસ્ત બંદોબસ્તને કારણે પોલીસ ફોર્સ અન્ય જવાબદારીઓમાં વ્યસ્ત હોવાથી હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વિલંબમાં છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મતદાનની કામગીરી પૂર્ણ થયા બાદ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ હીચકારા કૃત્ય પાછળનું સાચું કારણ શું હતું અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો – રાજકોટના પોશ વિસ્તારમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ: વેકેશનના માહોલમાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી
