- વટવા મર્ડર મિસ્ટ્રી: 34 વર્ષે કબર બોલી! પ્રેમીએ પ્રેમિકાને મારી કૂવામાં દાટી, પણ ‘આત્મા’ના ડરે રહસ્ય ખોલી નાખ્યું
- અમદાવાદમાં ‘ક્રાઈમ ઓફ પેશન’: કૂવામાં દટાયેલું રહસ્ય ૩ દાયકા પછી બહાર આવ્યું, તાંત્રિક વિધિ અને ‘ભાસ’ બન્યા કેસનો વળાંક
અમદાવાદ: વટવાના કુતુબનગરમાં હાલ જે ખોદકામ ચાલી રહ્યું છે, તેણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. ૧૯૯૨માં રહસ્યમય રીતે ગુમ થયેલી ફરઝાના ઉર્ફે શબ્નમ નામની યુવતીની હત્યાનું રહસ્ય ૩૪ વર્ષ પછી બહાર આવ્યું છે. આ કોઈ સામાન્ય તપાસ નથી, પણ કુદરતી ન્યાય અને માનસિક ભયની એક એવી ગાથા છે જેમાં મરનાર વ્યક્તિએ જીવતા રહીને નહીં પણ મૃત્યુ બાદ ન્યાય માંગ્યો છે.
પ્રેમ, તકરાર અને ખૂની ખેલ
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં આ ઘટના ‘ક્રાઈમ ઓફ પેશન’ હોવાનું સામે આવ્યું છે. ફરઝાનાને શમશુદ્દીન નામના શખ્સ સાથે લગ્નેતર પ્રેમ સંબંધો હતા. સમય જતાં બંને વચ્ચે તકરાર વધી અને શમશુદ્દીને આવેશમાં આવી ફરઝાનાની હત્યા કરી નાખી. પુરાવાનો નાશ કરવા માટે તેણે આક્રમક રસ્તો અપનાવ્યો અને ફરઝાનાની લાશને પોતાના જ ઘરના કૂવામાં દાટી દીધી.

આત્માના ભાસે પરિવારની ઊંઘ ઉડાડી
આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે શમશુદ્દીનના પરિવારે દાવો કર્યો કે તેમને વર્ષો સુધી મૃતક ફરઝાનાના ભાસ થતા હતા. પરિવારજનોએ જણાવ્યું કે તેમને વારંવાર ફરઝાના દેખાતી હતી, જેના કારણે તેઓ ભયંકર માનસિક તણાવમાં જીવતા હતા. આ ડરથી બચવા તેમણે તાંત્રિક વિધિઓનો પણ સહારો લીધો, પરંતુ પાપના પડછાયાએ તેમનો સાથ ન છોડ્યો અને અંતે આ રહસ્ય પોલીસ સુધી પહોંચી ગયું.
ન્યાયનો માર્ગ અને DNA તપાસ
કેસનો મુખ્ય આરોપી શમશુદ્દીન હવે હયાત નથી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચ તે શખ્સોની પૂછપરછ કરી રહી છે જેમણે લાશ છુપાવવામાં તેને મદદ કરી હશે. વટવા ખાતે જમીનમાંથી જે અવશેષો મળશે, તેની ઓળખ ફોરેન્સિક (DNA) તપાસ દ્વારા કરવામાં આવશે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગુનાનું રહસ્ય ગમે તેટલા વર્ષો સુધી દટાયેલું રહે, પણ કુદરતનો ન્યાય અચૂક મળીને જ રહે છે.
આ પણ વાંચો – રાજકોટમાં લાંચનું મસમોટું છટકું: ટેક્સ કન્સલ્ટન્ટ મારફતે 20 લાખ સ્વીકારતા CGST સુપરિન્ટેન્ડન્ટ રંગેહાથ પકડાયા
