તેહરાન: મિડલ ઈસ્ટમાં જારી તણાવ વચ્ચે ઈરાનના તાજેતરના નિવેદને વૈશ્વિક સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તે ટૂંક સમયમાં એક એવું ‘નવું હથિયાર’ વાપરશે જેનાથી દુશ્મન અત્યંત ડરેલો છે અને તેનાથી તેમને “હાર્ટ એટેક” પણ આવી શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તે પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં હોર્મુઝ સમુદ્રી રસ્તો ખોલવા બદલ અમેરિકી નાકાબંધી હટાવવાની શરત રાખવામાં આવી હતી.
“દુશ્મનની અત્યંત નજીક છે નવું હથિયાર”
ઈરાની નૌસેનાના કમાન્ડર રિયર એડમિરલ શહેરામ ઈરાનીએ સરકારી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈસ્લામિક પ્રજાસત્તાક ખૂબ જ જલ્દી દુશ્મન સામે એવા હથિયારનો ઉપયોગ કરશે જેનાથી તેઓ ભયભીત છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “આ હથિયાર તેમની બિલકુલ પાસે છે… આશા છે કે તેમને હાર્ટ એટેક નહીં આવે”. આ નિવેદન સ્પષ્ટપણે ઈરાનની પરમાણુ હથિયાર ક્ષમતા તરફ સંકેત આપી રહ્યું છે.
અમેરિકી યુદ્ધ જહાજ પર હુમલાનો દાવો
કમાન્ડર શહેરામ ઈરાનીએ દાવો કર્યો હતો કે ઈરાની દળોએ અમેરિકી વિમાનવાહક જહાજ ‘અબ્રાહમ લિંકન’ પર ઓછામાં ઓછા સાત મિસાઈલ હુમલા કર્યા છે, જેના કારણે અમેરિકા તે જહાજ પરથી હવાઈ અભિયાન ચલાવી શક્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને મિડલ ઈસ્ટમાં અમેરિકી અને ઈઝરાયેલી ઠેકાણાઓ પર ઓછામાં ઓછા ૧૦૦ વળતા હુમલા કર્યા છે.
હોર્મુઝ જલડમરુમધ્ય પર નિયંત્રણ
વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જલડમરુમધ્યને ઈરાને દુશ્મન દેશો અને તેમના સહયોગીઓના જહાજો માટે બંધ કરી દીધો છે. આ રસ્તો વિશ્વના આશરે ૨૦% કાચા તેલના પરિવહન માટે વપરાય છે. ઈરાને હવે આ માર્ગ પરથી પસાર થવા માટે પોતાની પરવાનગી અનિવાર્ય બનાવી દીધી છે.
અમેરિકા પર ‘સમુદ્રી લૂંટારા’ હોવાનો આક્ષેપ
ઈરાને અમેરિકી દળો પર તેમના જહાજોને ગેરકાયદેસર રીતે જપ્ત કરવાનો આરોપ લગાવતા તેને ‘સમુદ્રી લૂંટ’ અને ‘બંધક બનાવવાની’ પ્રક્રિયા ગણાવી છે. કમાન્ડરે કહ્યું કે અમેરિકી દળો સોમાલી લૂંટારાઓ કરતા પણ ખરાબ છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે નાકાબંધી બોમ્બમારો કરવા કરતા વધુ અસરકારક છે અને ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં.
નિષ્ણાતો માને છે કે જો આ સ્થિતિ વહેલી તકે નહીં ઉકેલાય, તો તેની ગંભીર અસર વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે.
આ પણ વાંચો – બંગાળ એક્ઝિટ પોલ: મમતાનું ‘શાસન’ કે ભાજપનું ‘પરિવર્તન’? અલગ-અલગ એક્ઝિટ પોલમાં વિરોધાભાસી તારણો
