કોલકાતા/નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે જ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે.
મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે, જે રાજ્યમાં કોની સરકાર બનશે તેના સંકેતો આપી રહ્યા છે. જોકે, એક્ઝિટ પોલ માત્ર એક અનુમાન હોય છે અને અંતિમ પરિણામો 4 મેના રોજ યોજાનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.
પશ્ચિમ બંગાળ: એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર
બંગાળની કુલ 294 બેઠકો પર બહુમતી માટે 148 બેઠકોની જરૂર છે. વિવિધ એક્ઝિટ પોલ્સ અહીં અલગ-અલગ વાર્તા કહી રહ્યા છે:
P-MARQ એક્ઝિટ પોલ: આ પોલ મુજબ ભાજપને 150-175 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે, જ્યારે TMC ને 118-138 બેઠકો અને અન્યને 2-6 બેઠકો મળવાનો અંદાજ છે.
મેટ્રાઈઝ (Matrize) એક્ઝિટ પોલ: અહીં પણ ભાજપ આગળ દેખાય છે, જેમને 146-161 બેઠકો અને TMC ને 125-140 બેઠકો મળવાની શક્યતા છે. અન્યને 6-10 બેઠકો મળી શકે છે.
ચાણક્ય સ્ટ્રેટેજીઝ એક્ઝિટ પોલ: આ એક્ઝિટ પોલ પણ ભાજપના પક્ષમાં ઝુકાવ દર્શાવે છે, જેમાં ભાજપને 150-160 બેઠકો અને TMC ને 130-140 બેઠકો મળવાનો અંદાજ છે. અન્યને 6-10 બેઠકો મળી શકે છે.
પીપલ્સ પલ્સ (People’s Pulse) એક્ઝિટ પોલ: અન્ય પોલ્સથી વિપરીત, આ સર્વેમાં મમતા બેનર્જીની TMC ને 177-187 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળતી દર્શાવી છે. જ્યારે ભાજપને 95-110, કોંગ્રેસને 1-3 અને લેફ્ટને 0-1 બેઠક મળવાની સંભાવના છે.
આ પણ વાંચો – EXIT Poll : તમિલનાડુમાં DMK, આસામમાં ભાજપ અને કેરળમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવા એંધાણ
