- અજય ઈન્ફ્રા પાસેથી વસૂલાતની વાતો વચ્ચે AMC ને જ ભોગવવો પડ્યો કરોડોનો ખર્ચ
અમદાવાદ: અમદાવાદના સી.ટી.એમ. જંકશન પર ભ્રષ્ટાચારના પર્યાય સમાન બનેલા હાટકેશ્વર બ્રિજને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બ્રિજને બનાવવા અને ત્યારબાદ નબળી ગુણવત્તાને કારણે તોડવા માટેનો કુલ ₹38 કરોડથી વધુનો ખર્ચ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના માથે જ પડ્યો છે. અગાઉ સત્તાધીશો દ્વારા કરાયેલા દાવાઓ કે ‘તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે’, તે અત્યારે માત્ર પોકળ વાતો સાબિત થઈ રહી છે.
અંદાજ કરતા ઓછા ભાવે કામ આપવું ભારે પડ્યું
હાટકેશ્વર બ્રિજનું નિર્માણ વર્ષ 2015માં અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવ્યું હતું. આઘાતજનક બાબત એ છે કે, આ બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર અંદાજિત કિંમત કરતા 9.17% ઓછા ભાવે આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રોડ કે અન્ય કામોમાં ઓછા ભાવે કામ અપાય તો ગુણવત્તા સાથે સમાધાન થવાની ભીતિ રહે છે, પરંતુ બ્રિજ જેવી અત્યંત મહત્વની કામગીરીમાં તંત્રએ કેવી રીતે મંજૂરી આપી તે મોટો પ્રશ્ન છે.
તોડવાનો ખર્ચ પણ કોર્પોરેશને ભોગવ્યો
બ્રિજમાં ખામીઓ દેખાતા અંતે તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્રિજ તોડવા માટે શ્રી ગણેશ કોર્પોરેશનને ₹3.90 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ, બ્રિજ બનાવવા પાછળના ₹34.50 કરોડ અને તોડવા પાછળના ₹3.90 કરોડ મળીને કુલ ₹38.40 કરોડનો આર્થિક બોજ મ્યુનિસિપલ તિજોરી પર પડ્યો છે. તંત્ર હવે આ રકમ વસૂલવા માટે કોર્ટમાં દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
નિર્ણયકર્તા સામે સવાલ
જ્યારે આ બ્રિજની કામગીરી સોંપવામાં આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રવિણ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી. થારા કાર્યરત હતા. ટેન્ડર અંદાજ કરતા ઓછા ભાવે હોવા છતાં તેને લીલી ઝંડી આપનારા જવાબદારો સામે પણ હવે આંગળીઓ ચીંધાઈ રહી છે.
આ પણ વાંચો – રાજકોટ : મયુર શિંગાળા હત્યા કેસમાં લાંચ લેનાર નિવૃત્ત PIને 17 વર્ષે સજા, 72 વર્ષની ઉંમરે જેલના સળિયા ગણશે
