લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પ્રતીક યાદવ ભાજપના નેતા અને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવના પતિ હતા.
હોસ્પિટલ લાવતા પહેલા જ થયું નિધન
પરિવારના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવની તબિયત અચાનક બગડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર દેવેશ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, “તેમને સવારે ૫:૫૫ કલાકે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તેઓ મૃત અવસ્થામાં હતા. પોલીસને જાણ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે KGMU મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.”
અખિલેશ યાદવની ભાવુક પ્રતિક્રિયા
પોતાના ભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, “શ્રી પ્રતીક યાદવના નિધનના સમાચાર હચમચાવી દેનારા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”
મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે જણાવ્યું કે, “હું પ્રતીકને બાળપણથી જાણતો હતો. થોડા દિવસો પહેલા જ અમારી મુલાકાત થઈ હતી, ત્યારે મેં તેને સ્વાસ્થ્ય અને કારોબાર પર ધ્યાન આપવા કહ્યું હતું. ક્યારેક આર્થિક નુકસાન માણસને અંદરથી તોડી નાખતું હોય છે. તે જીવનમાં ઘણું કામ કરવા માંગતો હતો, તેનું જવું અત્યંત દુઃખદ છે.”
રાજકીય મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ: તેમણે પ્રતીક યાદવના નિધનને અત્યંત દુઃખદ ગણાવતા શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય: તેમણે પણ ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
કોણ હતા પ્રતીક યાદવ?
પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા (સાધના ગુપ્તાનું ૨૦૨૨માં નિધન થયું હતું). પ્રતીક યાદવ વ્યવસાયે બિઝનેસમેન હતા અને ફિટનેસના ખૂબ શોખીન હતા. તેમણે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧માં તેમના લગ્ન અપર્ણા બિષ્ટ (યાદવ) સાથે થયા હતા, જેઓ હાલમાં ભાજપમાં સક્રિય છે.
આ પણ વાંચો – CBI ચીફની પસંદગીમાં ઘમાસાણ: રાહુલ ગાંધીએ પીએમ મોદીને સોંપ્યો ‘અસંમતિ પત્ર’, પ્રક્રિયાને ગણાવી પક્ષપાતી
