- સંતો-ભક્તોની ઉમટી ભીડ, વહેલી સવારથી અંતિમ દર્શન માટે લાંબી કતારો
વડતાલ: વડતાલધામના સેવામૂર્તિ અને મૂક સેવક તરીકે ઓળખાતા સાધુ શ્યામવલ્લભદાસજીના અક્ષરધામ સિધાવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજરોજ સમગ્ર મૂળ સંપ્રદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેમના અંતિમ દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સંતો-અગ્રણી ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.
સહજ અને સાધુ સ્વભાવ ધરાવતા શ્યામવલ્લભદાસજી ઉત્સવ સમૈયાઓના સુવ્યવસ્થિત આયોજન અને યુવા પેઢીના સેવકોના ઘડતર માટે જાણીતા હતા. નાના માણસોની સેવા સાથે મોટા માણસોને જોડવાની તેમની અનોખી રીત અને જાતને ઘસીને સેવા કરવાની ભાવનાએ તેમને સર્વત્ર માન-આદર અપાવ્યો હતો.

તેમના નિધન પ્રસંગે કુંડળધામના પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, સરધારના પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી, જેતપુરના પૂજ્ય નિલકંઠચરણ સ્વામી, વડતાલના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત જુનાગઢ, ગઢપૂર, લોયાધામ, સારંગપુર, જેતલપુર અને મૂળીના મહંતો અને સંતોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત રાજકોટ ગુરૂકુળ, એસજીવીપી ગુરુકુળ અને અન્ય સંસ્થાઓના સંતો તથા અગ્રણી ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વડોદરા, ભરૂચ સહિત વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહીને સાધુશ્રીને ભાવભીની વિદાય આપી હતી. સાધુ શ્યામવલ્લભદાસજીનું અવસાન સંપ્રદાય માટે અપુરણીય ક્ષતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
