- ‘આયા રામ, ગયા રામ’ ની કિંમત ૨ કરોડ? સી.જે. ચાવડાની સ્ફોટક ઓડિયો ક્લિપથી નેતાઓની ખરીદ-વેચાણ પ્રથા પર સવાલો
- મહેસાણામાં રાજકીય ભૂકંપ: “પક્ષપલટા માટે ૨ કરોડ મળ્યા”, સી.જે. ચાવડાની કથિત ક્લિપે ભાજપની પોલ ખોલી!
ગુજરાતના રાજકારણમાં અત્યારે મહેસાણા જિલ્લો એપીસેન્ટર બની ગયો છે. એક પછી એક વાયરલ થઈ રહેલી કથિત ઓડિયો ક્લિપ્સે સત્તાધારી પક્ષ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મયંક નાયક બાદ હવે વિજાપુરના ભાજપના ધારાસભ્ય સી.જે. ચાવડાની એક અત્યંત સ્ફોટક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ છે, જેણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
પક્ષપલટાની ‘પ્રાઈઝ ટેગ’ અને નેતાઓ પર કટાક્ષ
આ વાયરલ ઓડિયોમાં સી.જે. ચાવડાનો અવાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ નાણાકીય લેવડદેવડની વાતો કરી રહ્યા છે. ક્લિપમાં સંભળાય છે કે, “જ્યારે હું કોંગ્રેસ છોડીને આવ્યો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.” આટલું જ નહીં, તેઓ અન્ય નેતાઓની મજાક ઉડાવતા કહે છે કે બાકીના લોકોને ૫૦ લાખથી વધુની રકમ મળતી જ નથી. આ સીધો ઈશારો કરે છે કે રાજકારણમાં વફાદારી કરતાં પક્ષપલટુઓનું મૂલ્ય વધુ આંકવામાં આવી રહ્યું છે.
“પૈસા આપીને મતો મેળવ્યા”: લોકશાહી માટે ખતરા સમાન ખુલાસો
આ ઓડિયો ક્લિપનો સૌથી ભયજનક હિસ્સો ફંડિંગ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં સીધી રીતે મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાની વાત છે. કથિત અવાજમાં સ્વીકારવામાં આવે છે કે, “મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે.” વધુમાં, સ્થાનિક સ્વરાજ્યની એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે એક આખી સિસ્ટમની ચર્ચા છે, જેમાં સર્વે કરાવીને ગરીબ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની રણનીતિ ઘડાઈ રહી હોવાનું સંભળાય છે.
સી.જે. ચાવડા: એક વજનદાર રાજકીય પ્રોફાઈલ
સી.જે. ચાવડા ગુજરાતના રાજકારણના કોઈ સામાન્ય ખેલાડી નથી. તેઓ પૂર્વ સરકારી અધિકારી રહી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલાની પ્રેરણાથી રાજકારણમાં પ્રવેશ કરનાર ચાવડાએ ૨૦૦૨માં ગાંધીનગરમાં ભાજપના દિગ્ગજ મંત્રીને હરાવીને રાતોરાત ચર્ચા મેળવી હતી. ૨૦૧૭માં ગાંધીનગર ઉત્તરથી વિજયી બન્યા અને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ખુદ અમિત શાહ સામે કોંગ્રેસમાંથી જંગ લડ્યા હતા. ૨૦૨૨માં વિજાપુરથી જીત્યા બાદ, તેઓ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ કોંગ્રેસનો હાથ છોડી સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
આંતરિક જૂથબંધી અને લોકશાહીનું ચીરહરણ
મહેસાણામાં સિરિયલ રૂપે વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપ્સ કોઈ સંયોગ નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તાધારી પક્ષમાં ભયંકર આંતરિક ખેંચતાણ અને જૂથબંધી ચાલી રહી છે. જ્યારે કોઈ ‘આયાતી’ નેતાને કરોડોનું ફંડ અને મહત્વ મળે છે, ત્યારે વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડનારા સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં અસંતોષ ભભૂકી ઉઠે છે. આ લીક થતી ક્લિપ્સ એ આંતરિક નારાજગીનું જ પરિણામ હોઈ શકે છે.
બીજી તરફ, જો આ ક્લિપમાં કરવામાં આવેલા દાવાઓ સાચા હોય, તો તે આપણા લોકશાહી માળખા પર એક મોટો તમાચો છે. “મતોની ખરીદી” અને “કરોડોના પેકેજ” ની વાતો સાબિત કરે છે કે ચૂંટણી હવે લોકસેવા નહીં, પરંતુ એક મોટો વ્યાપાર બની ગઈ છે. આ મુદ્દે વિપક્ષને બેઠેબેઠો મુદ્દો મળી ગયો છે, પરંતુ સાચો સવાલ એ છે કે શું ચૂંટણી પંચ કે સત્તાધીશો આ ગંભીર દાવાઓની કોઈ નિષ્પક્ષ તપાસ કરશે ખરા?
આવનારા સમયમાં આ ઓડિયો બોમ્બ ભાજપની છબી અને મહેસાણાના રાજકીય સમીકરણો પર મોટી અસર ઉભી કરી શકે છે.
આ પણ વાંચો – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાંસીની સજા પામેલા ફરાર ગુનેગારને ઝડપી પાડ્યો
