સરદારનગર વિસ્તારમાં ચાલી રહેલા મુંગડાના ચર્ચાસ્પદ જુગારધામ પર આખરે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. ‘ગુજરાત એક્સક્લૂસિવ’ દ્વારા સતત આ જુગારધામ, તેની સુવ્યવસ્થિત સિસ્ટમ અને તેની પાછળ કાર્યરત વહીવટી તંત્ર અંગે અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા હાલ પૂરતું આ જુગારધામ બંધ કરાયું હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંગડાના જુગારધામ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, જયપાલ અને ભગીરથ સિંહ જેવા વહીવટદારોના મજબૂત નેટવર્કને કારણે જુગારધામમાં હાજર અનેક જુગારીઓ રેડ પડે તે પહેલા જ નાસી છૂટ્યા હતા અને જુગારધામ સાફ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે ગેરકાયદેસર નેટવર્ક સુધી પોલીસ કાર્યવાહી અંગેની માહિતી પહેલેથી કેવી રીતે પહોંચી જાય છે?
‘ગુજરાત એક્સક્લૂસિવ’ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મુંગડાના જુગારધામ અંગે સતત અહેવાલો પ્રકાશિત કરવામાં આવી રહ્યા હતા. આ અહેવાલોમાં સરદારનગરમાં ચાલી રહેલા કરોડોના જુગાર, બહારથી આવતા જુગારીઓ, ગોઠવણીબદ્ધ વહીવટી સિસ્ટમ અને તેમને મળતા સંભવિત રાજકીય કે પોલીસ સંરક્ષણ અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મુંગડાનું જુગારધામ માત્ર કોઈ સામાન્ય સ્થાનિક અડ્ડો નહોતો, પરંતુ તે ધીમે ધીમે સંગઠિત ગુનાખોરીનું સ્વરૂપ લઈ રહ્યું હતું. દિવસે ભાડા આધારિત રમતો અને રાત્રે મોટા પાયે દાણા તથા હાથોહાથ જુગારના ખેલ ચાલી રહ્યા હોવાના દાવાઓ પણ થયા હતા.
ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ હાલ પૂરતું જુગારધામ બંધ થયું હોવાનું કહેવાય છે, પરંતુ સ્થાનિકોના મનમાં હજુ પણ એ સવાલ છે કે શું આ કાર્યવાહી કાયમી સાબિત થશે કે પછી થોડા સમય બાદ ફરીથી એ જ સિસ્ટમ શરૂ થઈ જશે?
આ સમગ્ર મામલામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સતત ચર્ચામાં રહેલા આ જુગારધામ સામે કાર્યવાહી કરવા માટે તંત્રને મીડિયા અહેવાલો અને જાહેર દબાણની રાહ કેમ જોવી પડી?
આ પણ વાંચો – ગીરનું રુદન: ૮ સિંહોના ભેદી મોત, શું માત્ર કાગળ પર જ ચાલી રહી છે સિંહ સંરક્ષણની કામગીરી?
