અભિષેક પાંડેય, અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડો રૂપિયાની ચોરીના મામલે હવે એક નવું અને ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરવાની નજીક પહોંચેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બાજી પર નિકોલ પોલીસની ટીમે પાણી ફેરવી દીધું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ બે સરકારી એજન્સીઓ વચ્ચે આ કેસમાં એવી ‘તું તું મેં મેં’ થઈ કે મામલો એકબીજાને ‘જોઈ લેવા’ સુધી પહોંચી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ જૈનનો ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો ભવ્ય શોરૂમ આવેલો છે. તાજેતરમાં શોરૂમના આંતરિક ઓડિટ (સ્ટોક વેરિફિકેશન) દરમિયાન હિસાબમાં મોટી ગડબડ પકડાઈ હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે શોરૂમમાંથી કુલ ૧,૨૧૧.૯૯૧ ગ્રામ (આશરે ૧ કિલો અને ૨૧૨ ગ્રામ) સોનું ગાયબ હતું. ચોરાયેલા મુદ્દામાલમાં સોનાની ચેઇન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડન્ટ અને કિંમતી સોનાની ઘડિયાળો સામેલ હતી, જેની કુલ બજાર કિંમત આશરે ૧.૬ કરોડ રૂપિયા થાય છે.
આ આયોજનબદ્ધ ચોરી અન્ય કોઈએ નહીં, પરંતુ શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતીએ આચરી હતી. ઘટના બાદ હર્ષિદા ફરાર થઈ ગઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચની ‘૧૦૦% રિકવરી’ની ડીલ અને નિકોલ પોલીસની એન્ટ્રી
આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ચક્રો ગતિમાન કરીને મુખ્ય આરોપી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી અને તેના પ્રેમી મયુર માળીને ટ્રેક કરી લીધા હતા. સૂત્રોના મતે, કરોડોનો મુદ્દામાલ પૂરેપૂરો પાછો મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી પ્રેમી મયુર સાથે કાયદાકીય દાયરામાં રહીને ડીલ કરી રહી હતી. ડીલ મુજબ, જો મયુર ૧૦૦ ટકા રિકવરી કરાવી દે, તો પોલીસ તેને બિનજરૂરી હેરાન નહીં કરે અને કાયદા મુજબ આગળ વધશે. મયુર પણ ક્રાઇમ બ્રાન્ચ સાથે સહકાર આપવા તૈયાર થઈ ગયો હતો.
સૂત્રોની ચોંકાવનારી વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર પ્લાનિંગ અંગે નિકોલ પોલીસને જાણ કરી દીધી હતી અને મયુર પર આગામી બે દિવસ કોઈ કાર્યવાહી ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. મયુર ક્રાઇમ બ્રાન્ચના સતત સર્વેલન્સમાં હતો.
પરંતુ, જેવો આરોપી મયુર ક્રાઇમ બ્રાન્ચ સાથેની ડીલ ફાઇનલ કરીને ઘરે પહોંચ્યો કે તરત જ નિકોલ પોલીસે મોકો જોઈને તેને ત્યાંથી ઉપાડી લીધો. નિકોલ પોલીસના આ અણધાર્યા ‘ખેલ’થી ક્રાઇમ બ્રાન્ચની મહેનત અને ૧૦૦% રિકવરીની આશા પર પાણી ફરી વળ્યું છે.
વાત વણસી: પોલીસ વિભાગમાં આંતરિક યુદ્ધ, ક્રાઇમ બ્રાન્ચ પર ગંભીર આક્ષેપ
આરોપીની અટકાયતને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસ સામસામે આવી ગઈ હતી. બંને ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો એટલો બિચક્યો કે એકબીજાને ફિટ કરવાની ફિરાકમાં પડી ગયા.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, નિકોલ પોલીસે પકડાયેલા પ્રેમી મયુર માળી પર દબાણ લાવ્યું હતું. જેના પગલે મયુરની પ્રેમિકા અને મુખ્ય આરોપી હર્ષિદા શેટ્ટીનો ઉપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સામે જ ગંભીર આક્ષેપો કરતી કોર્ટ સમક્ષ અરજી કરાવવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, તેને કાળી સ્કોર્પિયો કારમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી-જયપુર હાઇવે પર પોલીસે તેને કંઈક ખવડાવ્યું હતું, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેના કપડાં અસ્તવ્યસ્ત હાલતમાં હતા. ઉપરાંત તેના ગળાની સોનાની ચેઇન અને રોકડ રકમ પણ પોલીસે લઈ લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – બાળ મજૂરી, માનવ તસ્કરી અને ભિક્ષાવૃત્તિ સામે મોટું અભિયાન: 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનો બચાવ
