- અમદાવાદ બન્યું ડ્રગ્સનું ટ્રાન્ઝિટ પોઈન્ટ? કુરિયર એજન્સીઓ મારફતે બેંગલુરુ MD ડ્રગ્સ મોકલવાના મોટા નેટવર્કનો પર્દાફાશ
- બાપુનગરની કુરિયર ઓફિસ અને ઓઢવના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રાજસ્થાની માફિયાઓના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ
- કુરિયરના પાર્સલમાં મોકલાતું હતું ‘મોત’! અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 68 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના પેડલરને ઝડપ્યો
અમદાવાદ: ડ્રગ માફિયાઓ પોલીસથી બચવા અને નશાનો કાળો કારોબાર ચલાવવા માટે અવનવા કીમિયાઓ અપનાવી રહ્યા છે. રાજસ્થાનના ડ્રગ માફિયાઓ અન્ય રાજ્યોમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા માટે હવે ‘કુરિયર કંપનીઓ’ નો આશરો લઈ રહ્યા હોવાનો એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ સપ્લાયના આ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
કુરિયરમાંથી મળ્યું ₹35 લાખનું ડ્રગ્સ
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક વ્યક્તિ ડ્રગ્સના જથ્થા સાથે શહેરમાં સક્રિય છે.
પોલીસે વસ્ત્રાલ એસ.પી. રિંગ રોડ પર આવેલા વેદ આર્કેડ પાસેથી આસુરામ ભાદુ (રહે. બાલોતરા, રાજસ્થાન) નામના આરોપીને ઝડપી લીધો હતો.
તેની કડક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદની કુરિયર એજન્સીઓ મારફતે બેંગલુરુ અને અન્ય રાજ્યોમાં પાર્સલ કરતો હતો.
આરોપીની કબૂલાતના આધારે પોલીસે બાપુનગરના શ્યામશિખર કોમ્પ્લેક્સમાં આવેલી ‘મારૂતિ કુરિયર’ ઓફિસમાં તાત્કાલિક દરોડો પાડીને બુક કરાવેલા બે પાર્સલ રિકવર કર્યા હતા. આ પાર્સલમાંથી ₹35 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
ઓઢવના મકાનમાં સર્ચ ઓપરેશન, વધુ ₹33 લાખનો માલ જપ્ત
પ્રાથમિક સફળતા બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી આસુરામના રિમાન્ડ મેળવી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીએ વધુ એક ખુલાસો કરતા જણાવ્યું કે હજુ વધુ ડ્રગ્સ કુરિયર કરવાનું બાકી છે અને તેને એક મકાનમાં છુપાવવામાં આવ્યું છે.
પોલીસે ઓઢવના આદિનાથનગરમાં આવેલી યમુના પાર્ક સોસાયટીના એક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
અહીંથી પોલીસને વધુ ₹33 લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મળી હતી.
આમ, ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ જગ્યાએથી કુલ ₹68 લાખનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.
કમિશન માટે ચાલતો હતો કરોડોનો કારોબાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આસુરામ રાજસ્થાનના મોટા ડ્રગ માફિયાઓ પાસેથી માત્ર ‘કમિશન’ લઈને અમદાવાદ આવતો હતો અને અહીંથી ગેરકાયદેસર કુરિયર કરવાનું કામ કરતો હતો. પોલીસને આશંકા છે કે આ શખ્સ છેલ્લા ઘણા મહિનાઓથી આ જ મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ અન્ય રાજ્યોમાં સપ્લાય કરી ચૂક્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો – સ્નિફર ડોગે કર્યો ઈશારો અને ફૂટ્યો ભાંડો! અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકના મુસાફર પાસેથી મળ્યો 10 કિલોથી વધુ ડ્રગ્સ
