અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વ્યાપક સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ સાંપ્રદાયિક વૈમનસ્ય ધરાવતા 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની સઘન પૂછપરછ કરી છે.
આ ઉપરાંત, શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલી ઈમારતોની અગાસીઓ અને સંવેદનશીલ સ્થળો પર ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગ વિરુદ્ધ પણ મોટી કાર્યવાહી કરતાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 9 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં શાંતિ તથા સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
