Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-4): માસૂમથી પેડલર! અમદાવાદના બાળકોને કેવી રીતે ગળી રહ્યું છે ડ્રગ્સનું નેટવર્ક

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-4): માસૂમથી પેડલર! અમદાવાદના બાળકોને કેવી રીતે ગળી રહ્યું છે ડ્રગ્સનું નેટવર્ક

gujaratex@gmail.com July 6, 2026
BABA (43)

અભિષેક પાંડેય, અમદાવાદ : ગુજરાત એક્સક્લૂસિવની ડ્રગ્સ નેટવર્ક પરની વિશેષ તપાસ શ્રેણીના પ્રથમ ત્રણ ભાગમાં આપણે જોયું કે શહેરમાં કયા પ્રકારના ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, તે ક્યાંથી આવે છે અને આ કાળા કારોબારની શરૂઆત કેવી રીતે થઈ હતી. હવે આ શ્રેણીના ચોથા ભાગમાં આપણે એ હકીકત પર પ્રકાશ પાડી રહ્યા છીએ કે કેવી રીતે ડ્રગ માફિયાઓ શહેરના માસૂમ બાળકો અને કિશોરોને પોતાના સિકંજામાં ફસાવી રહ્યા છે અને આ લત આખી પેઢીને કેવી રીતે તબાહ કરી રહી છે.

આ ગંભીર વાસ્તવિકતાને સમજવા માટે અમદાવાદમાં બનેલી ત્રણ ચોંકાવનારી ઘટનાઓ અને વાસ્તવિક પાત્રોની કહાનીઓ પર નજર નાખવી પડશે, જે દર્શાવે છે કે બાળકો કેવી રીતે આ જાળમાં ફસાઈને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.

આઝમ ઉર્ફે ટાઇગર: ૧૩ વર્ષની ઉંમરે મજૂરી કરવા આવેલો કિશોર કેવી રીતે પેડલર બન્યો?

Join Our WhatsApp Group

પ્રથમ કહાની ડ્રગ્સના કેસમાં સજા કાપી ચૂકેલા ૨૩ વર્ષના આઝમ ઉર્ફે ટાઇગરની છે, જે આજે ડ્રગ્સના કારણે પોતાની અસલ ઓળખ અને નામ પણ લગભગ ભૂલી ચૂક્યો છે. હવે તેની ઓળખ માત્ર એક ડ્રગ્સ પેડલર તરીકે જ રહી ગઈ છે.

મૂળ બિહારના કિશનગંજનો વતની આઝમ અત્યંત ગરીબ પરિવારમાંથી આવતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે માત્ર ૧૩ વર્ષની ઉંમરે મજૂરીની શોધમાં એક પરિચિત વ્યક્તિના સહારે અમદાવાદ આવી પહોંચ્યો હતો.

અહીં આવીને તેણે ગોમતીપુર વિસ્તારમાં એક ચાની કિટલી પર નોકરી શરૂ કરી હતી, જ્યાં તેનો સંપર્ક અન્ય કેટલાક સ્થાનિક બાળકો સાથે થયો. આ બાળકો બાપુનગરના સુંદરમ-૮૧માં રહેતી કુખ્યાત ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુટર ફમ્મો ઉર્ફે ફરઝાના અન્સારી માટે પેડલિંગનું કામ કરતા હતા. તેમની સંગતમાં આવીને આઝમ પણ ધીમે-ધીમે નશાની ભયાનક લતનો શિકાર બની ગયો.

ધીમે-ધીમે આ નશાની લતે આઝમને એવી સ્થિતિમાં લાવી દીધો કે તે પોતાના પરિવારને ભૂલી ગયો અને પોતાના નશાના ખર્ચને પૂરા કરવા માટે ફમ્મો માટે ડ્રગ્સની હેરાફેરી કરવા લાગ્યો. આમ, એક માસૂમ કિશોર આઝમમાંથી ‘ટાઇગર’ નામનો ડ્રગ્સ પેડલર બની ગયો, જેને બાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

જોકે, આ કેસમાં ટાઇગરને જેલની સજા થઈ, પરંતુ તેને જે મુખ્ય સપ્લાયર પાસેથી ડ્રગ્સ મળતું હતું, તે ફમ્મોના ભાઈ યુસુફ બટકાને પોલીસ પકડી શકી નહોતી.

જેલમાં ત્રણ વર્ષથી વધુ સમય વિતાવ્યા બાદ હાલમાં જ બહાર આવેલો આઝમ માનસિક રીતે એટલો ભાંગી પડ્યો છે કે તેને એટલી પણ સમજ નથી રહી કે તે પેરોલ પર બહાર છે કે તેની સજા પૂર્ણ થઈ ગઈ છે. આજે ૨૩ વર્ષની ઉંમરે તે સુંદરમ વિસ્તારની આસપાસ ભટકતો રહે છે અને જીવતા રહેવા માટે એવા મજૂરીના કામ કરે છે, જે સામાન્ય મજૂર પણ કરવાનું પસંદ ન કરે.

શાહિદ ખાન: કફ સિરપના નશાની લતમાં ઘરના દાગીના વેચાઈ ગયા

બીજી ચિંતાજનક કહાની ગોમતીપુરના ચતુરસિંહ ચાર રસ્તા પાસે પરિવાર સાથે રહેતા શાહિદ ખાનની છે, જે કફ સિરપના નશાના કારણે આખું ઘર બરબાદ કરી રહ્યો છે.

શાહિદના પિતા મેહમૂદભાઈ સાયકલવાળા ત્યાં જ એક નાની સાયકલ રિપેરિંગની દુકાન ચલાવીને માંડ-માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેમનો દીકરો શાહિદ કોરેક્સ કફ સિરપના નશામાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.

પોતાની કફ સિરપની લત પૂરી કરવા માટે શાહિદે ઘરના દાગીના સુધી વેચી દીધા છે. તેને જ્યાંથી અને જેવા પણ પૈસા મળે, તે તરત જ ઘરની નજીક આવેલા “ઇંડિયન મેડિકલ” સ્ટોર પર પહોંચી જાય છે, જ્યાં તેને ૨૫૦થી ૩૦૦ રૂપિયાની ઊંચી કિંમતે બ્લેકમાં કફ સિરપ ખુલ્લેઆમ વેચવામાં આવે છે.

સ્થાનિક લોકો જ્યારે આ મેડિકલ સ્ટોર પર થતા ગેરકાયદેસર વેચાણનો વિરોધ કરે છે, ત્યારે સ્ટોરનો માલિક શોએબ શેખ તેમને ધમકીઓ આપે છે અને ખુલ્લેઆમ બડાશ મારે છે કે તે દર મહિને ૬ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવે છે, તેથી તેનું કોઈ કંઈ બગાડી શકે તેમ નથી.

વિસ્તારના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ આ સ્થિતિ માત્ર એક મેડિકલ સ્ટોર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગોમતીપુર વિસ્તારમાં અનેક મેડિકલ સ્ટોર્સ પર આ કાળો કારોબાર ચાલી રહ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોમતીપુર વિસ્તારમાં કોઈપણ ગેરકાયદેસર મેડિકલ પ્રોડક્ટ કે નશાકારક દવાઓ વેચવાની પરવાનગી અકરમ મશીનવાલા નામનો શખ્સ આપે છે, જે સ્થાનિક પોલીસથી સંરક્ષણ આપે છે.

આ પરિસ્થિતિ વચ્ચે શાહિદના પિતા મેહમૂદભાઈ લાચાર થઈને રડી રહ્યા છે. તેમને હવે દાગીના વેચાઈ જવાની એટલી ચિંતા નથી, જેટલી એ વાતની છે કે જ્યારે ઘરે વેચવા માટે કંઈ જ નહીં બચે, ત્યારે તેમનો દીકરો નશા માટે કયો ગુનો આચરશે.

ફૈઝાન અન્સારી : ૧૬ વર્ષના સગીરનો ડ્રગ્સ ઓવરડોઝથી કરુણ અંત

આ શ્રેણીની ત્રીજી અને સૌથી ભયાનક કહાની ઉત્તર પ્રદેશના આંબેડકરનગરથી રોજગારી માટે અમદાવાદના બાપુનગર સ્થિત અન્સારીનગરમાં આવીને વસેલા પરિવારના ૧૬ વર્ષના સગીર ફૈઝાન અન્સારીની છે, જેના વિશે ગુજરાત એક્સક્લૂસિવ અગાઉ પણ અહેવાલ પ્રકાશિત કરી ચૂક્યું છે.

ગત ૧૨ મે, ૨૦૨૬ના રોજ કથિત રીતે ડ્રગ્સના ઓવરડોઝના કારણે ફૈઝાનનું કરુણ મૃત્યુ થયું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ફૈઝાન શરૂઆતમાં એકદમ સામાન્ય અને શાંત સ્વભાવનો છોકરો હતો. પરંતુ બાદમાં તે ફમ્મોના પેડલર છોકરાઓના સંપર્કમાં આવ્યો અને ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું.

ત્યારબાદ નશા માટેના પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે માફિયાઓએ તેને જ MDMAનો પેડલર બનાવી દીધો અને આ ગંદા દળદળનો અંત ફૈઝાનના ઓવરડોઝથી થયેલા મૃત્યુ સાથે આવ્યો.

ડ્રગ માફિયાઓની મોડસ ઓપરેન્ડી: ‘૪ પાઉચ પર ૧ ફ્રી’ની ફોર્મ્યુલા

ડ્રગ્સના આ સમગ્ર કારોબાર પાછળ સક્રિય માફિયાઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સની એક ખાસ મોડસ ઓપરેન્ડી કામ કરી રહી છે, જેમાં તેઓ સૌથી પહેલા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને નિશાન બનાવે છે.

શરૂઆતમાં આ કિશોરોને મફતમાં અથવા અત્યંત સસ્તા ભાવે ડ્રગ્સ આપીને તેના બંધાણી બનાવવામાં આવે છે. લત મજબૂત થઈ જાય પછી તેમની પાસેથી પૈસાની માંગણી શરૂ થાય છે.

ગરીબ હોવાના કારણે આ બાળકો પાસે મોંઘું MDMA ખરીદવાની ક્ષમતા હોતી નથી. તેનો ફાયદો ઉઠાવીને ડિસ્ટ્રીબ્યુટર્સ તે જ બાળકોને પોતાના પેડલર તરીકે બજારમાં ઉતારી દે છે. ડ્રગ્સના આ કાળા બજારમાં એક નિશ્ચિત ફોર્મ્યુલા ચાલે છે. દર ચાર પાઉચ એટલે કે ચાર ગ્રામ MDMA વેચવા બદલ પેડલર બાળકને એક ગ્રામ MDMA મફતમાં આપવામાં આવે છે.

આ મફતમાં મળેલા એક ગ્રામથી તે બાળક પોતાની લત પૂરી કરે છે અને બદલામાં માફિયાઓને ચાર નવા ગ્રાહકો તૈયાર કરી આપે છે.

આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે કેવી રીતે શહેરના માસૂમ બાળકોને કોરેક્સ કફ સિરપ નશાની દુનિયામાં પ્રવેશ કરાવે છે અને ત્યારબાદ MDMA તેમને બરબાદી અને મોતના રસ્તે ધકેલી દે છે.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-3): કફ સિરપથી શરૂ થાય છે વ્યસનની સફર, MDMA સુધી કેવી રીતે પહોંચે છે અમદાવાદના બાળકો?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ કોંગ્રેસમાં વિપક્ષના નેતાને લઈને ઘમાસાણ : નીરવ બક્ષીના નામે વિવાદ, 12 કોર્પોરેટરોના રાજીનામાની ધમકી
Next: રથયાત્રા પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, 200થી વધુ અસામાજિક તત્વોની પૂછપરછ; 9 ગેરકાયદેસર હથિયારો સાથે 5 ઝડપાયા

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.