ત્રિપુરાના DGP અનુરાગ ધનખડ પોલીસ હેડક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ મામલે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રિપુરાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને IPS અધિકારી અનુરાગ ધનખડ સોમવારે 20 જુલાઈએ અગરતલામાં પોલીસ હેડક્વાર્ટર (PHQ) સ્થિત તેમની ઓફિસમાં મૃત મળી આવ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આત્મહત્યાનો મામલો હોઈ શકે છે. પ્રાથમિક માહિતી મુજબ, ધનખડ PHQ માં તેમના ઓફિસ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક અગરતલાની ગોવિંદ વલ્લભ પંત (GBP) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.
જીબી પંત હોસ્પિટલના સિનિયર ડોક્ટર પ્રદીપ ભૌમિકે જણાવ્યું કે, “જ્યારે તેમને બપોરે લગભગ 12:00 વાગ્યે અહીં લાવવામાં આવ્યા ત્યારે અમારા ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. અમને તેમની નાડી (પલ્સ), બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પેરામીટરના સંકેત મળ્યા ન હતા. તાત્કાલિક ઈમરજન્સી યુનિટમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરવામાં આવ્યું. અમારા નિષ્ણાતોની ટીમે લગભગ 48 મિનિટ સુધી CPR આપ્યું. અમારા તમામ પ્રયાસો છતાં અમે તેમને બચાવી શક્યા નહીં અને બપોરે 12:48 વાગ્યે અમે સત્તાવાર રીતે તેમને મૃત જાહેર કર્યા.”
મોતના કારણ અંગે પૂછવામાં આવતા મેડિકલ ઓફિસરે કહ્યું કે, “જ્યારે તેમને અહીં લાવવામાં આવ્યા ત્યારે તેમના શરીરમાં જીવિત હોવાના કોઈ સંકેત ન હતા. તેથી અમારા માટે કંઈપણ જાણવું શક્ય નહોતું. આ ‘હોસ્પિટલમાં બ્રોટ ડેડ’ (મૃત લાવવામાં આવ્યા) નો મામલો છે. અમે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.”
