- સંસદ માર્ચ વિવાદ: વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીથી ઇનકાર
- ‘અમને વીડિયો જોવામાં કોઈ રસ નથી’: સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંત અરજદાર પર અકળાયા
- કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન: દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી તાત્કાલિક સુનાવણીની માંગ
નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી દ્વારા યોજાયેલી સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીના મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કડક વલણ અપનાવતા અરજદારના વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, “અમારો સમય બગાડો નહીં.”
કોર્ટમાં શું થઈ દલીલ?
અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેઓ NEET પરીક્ષાના યોગ્ય સંચાલન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં સુધારા કરવાની માંગ કરી રહ્યા છે. વકીલે પોલીસની બર્બરતા અને વિદ્યાર્થીઓ સાથેની મારપીટના વીડિયોનો ઉલ્લેખ કરીને ગુરુવારે તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરી હતી, કારણ કે વિદ્યાર્થીઓ હજુ પણ આ ઘટનાથી પ્રભાવિત છે.
જોકે, CJI સૂર્યકાંતે તેમને વચમાં જ રોકતા કહ્યું, “થેન્ક યુ વેરી મચ.” ત્યારબાદ CJI એ વીડિયો જોવાનો પણ ઇનકાર કરતા કહ્યું, “અમને વીડિયો જોવામાં કોઈ રસ નથી. અમારી પાસે તે જોવાનો સમય નથી અને અમે તે જોવા માંગતા પણ નથી.”
શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, ગત 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી દ્વારા સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ અને વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરી હતી. તેમને અટકાવવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘર્ષણમાં 100થી વધુ પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.
દિલ્હી હાઈકોર્ટનો પણ ઇનકાર
આ અગાઉ મંગળવારે આવો જ એક મામલો દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પણ પહોંચ્યો હતો. જોકે, દિલ્હી હાઈકોર્ટે પણ આવી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કડક ટકોર કરી હતી કે કોર્ટને આ મામલામાં ન ઘસડવામાં આવે.
આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-10): પોલીસની ક્ષમતા પર નહીં, કેટલાક તત્વોની ભૂમિકા પર સવાલ
